રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રિપિટર વિદ્યાર્થીઓ અંગે હજુ સુધી કોઇ નિર્ણય ન લેવાતા રિપિટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગણી સાથે આજે અમદાવાદ કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શન યોજીને વિરોધ કર્યો હતો. અમદાવાદ કલેકટર કચેરી ખાતે આજે બપોરે ધોરણ 10 અને 12 ના રિપિટર વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
વિદ્યાર્થીઓની માગણી છે કે, તેઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે. જો તેઓની પરીક્ષા લેવાની હોય તો ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવે, રિપિટર વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, તો અમને કેમ નહીં ? જો રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકતી હોય, તો અમારા હિતનું શું ? શું અમે પરીક્ષા આપવા જઈશું તો અમને કોરોના નહીં થાય ? અમને પણ માસ પ્રમોશન આપવામાં આવે અથવા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે. હાલની સ્થિતિ અને સંજોગો જોતા ઓફલાઈન પરીક્ષા યોજવી શક્ય નથી. તેવા સંજોગોમાં અમારા હિતનું ધ્યાન રાખવું જોઈએ.