National

રજા માટે લૉકો પાઇલટનો અતિશય વિરોધ: પાઇલ્સ સર્જરીનો ઘા થયા વાઈરલ

પાઇલટ એ ઘા બતાવવા અધિકારી સામે કપડા ઉતાર્યા

લખનૌ રેલવે ડિવિઝનમાં ચોંકાવનારી ઘટના; યુનિયનનો આરોપ – બીમાર હોવા છતાં રજા ન મળતા કર્મચારીનો નિરાશાભર્યો પગલું : લખનૌ રેલવે ડિવિઝનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લૉકો પાઇલટે પાઇલ્સ સર્જરી પછી આરામ માટે રજા માંગતા, મંજૂરી ન મળતા નિરાશ થઈને પોતાના અધિકારી સામે કપડા ઉતારી સર્જરીના ઘા બતાવ્યા હોવાનું લૉકો સ્ટાફ યુનિયને દાવો કર્યો છે.આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા અને રેલવે કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપોમાં વાયરલ થયો છે, જેને લઈ રેલવે તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

યુનિયનના જણાવ્યા મુજબ, લૉકો પાઇલટ રાજેશ મીના લાંબા સમયથી પાઇલ્સની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેઓએ પહેલા ઈન્દોરમાં પણ સારવાર લીધી હતી, પરંતુ યોગ્ય પરિણામ ન મળતાં તેમણે 22 ફેબ્રુઆરીએ લખનૌમાં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ તેમને 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીની રજા આપવામાં આવી હતી.

પરંતુ સર્જરીનો ઘા એક અઠવાડિયામાં સંપૂર્ણ રીતે સાજો ન થતાં તેમણે રજાની મુદત વધારવા માટે નિયમ મુજબ રેલવે હેલ્થ યુનિટનો સંપર્ક કર્યો. ડૉક્ટરે તપાસ કર્યા બાદ તેમની સ્થિતિને ગંભીર ગણાવી અને વધુ રજા માટે “સિક મેમો” લાવવા કહ્યું. ત્યારબાદ મીના પોતાના સિનિયર અધિકારીઓ પાસે સિક મેમો લેવા ગયા.

યુનિયનનો આરોપ છે કે ચીફ ક્રૂ કન્ટ્રોલર રતન કુમારએ મીના દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન અને અન્ય દસ્તાવેજો હોવા છતાં રજા મંજૂર કરી નહોતી. પરિસ્થિતિથી હતાશ થયેલા મીનાએ અંતે પોતાના પેન્ટ ઉતારી સર્જરીનો ઘા બતાવી પોતાની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો.

આ ઘટનાનો વીડિયો તેમના સહકર્મચારીઓએ બનાવ્યો હતો અને બાદમાં તે વાયરલ થયો હતો. લૉકો રનિંગ સ્ટાફ એસોસિયેશન (AILRSA)ના નેતાઓએ આ ઘટનાને “અમાનવીય વર્તન” ગણાવીને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પછી યુનિયનના નેતાએ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ મીનાને આરામ માટે રજા મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને રેલવે તંત્ર તરફથી હજી સુધી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Most Popular

To Top