Gujarat

ડીસામાં ફટાકડાની ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત

ડીસામાં આઘાતજનક ઘટના બની છે. અહીંના ઢંવા રોડ પર આવેલી એક ફટાકડાની ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ડીસાની જીઆઈડીસીમાં આવેલા આ ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં ફટાકડાનો મોટો જથ્થો હોય આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનની અંદર કામ કરતા મજૂરો ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 7 મજૂરોના મોતના અહેવાલ સાંપડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં 7 મજૂરના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી મળી છે. ગંભીર રીતે દાઝેલા 5 મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ડીસા નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે ગોડાઉનમાં એક ધમાકાનો અવાજ સંભળાયો હતો, ત્યાર બાદ એક ધાબુ તૂટીને પડી ગયું હતું, જેથી કેટલાક લોકો દટાઇ ગયા હતા. આ બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. છ લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી 3 લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. જો કે, અત્યારે મોતનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ કહ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ બોઇલર ફાટવાથી દુર્ઘટના સર્જાઈ છે. બોઈલર ફાટવાના લીધે બિલ્ડીંગ ઘરાશાયી થયું છે. કાટમાળ નીચે કેટલાક લોકો દટાયેલા છે. કેટલાકને બચાવી લેવાયા છે. પાંચ લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, નગરપાલિકા અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ કરી રહી છે.

દિપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. મળતી માહિતી મુજબ, આ કંપની ખૂબચંદ સીંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહિ તે હજુ જાણી શકાયું નથી. આ અંગેની જાણ થતાં જ નાયબ મામલતદાર અને ચીફ ઓફિસર પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

Most Popular

To Top