Dakshin Gujarat

અંકલેશ્વર GIDCની ડિટોક્સ ઈન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકો, ચાર કામદારનાં મોત

અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વર GIDCમાં આવેલી ડિટોક્સ ઈન્ડિયા કંપનીમાં ફિડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતાં કોન્ટ્રાક્ટના ચાર કામદારનાં ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ચાર જણા ઈજાગ્રસ્ત થયા હતા.

અંકલેશ્વર ઔદ્યોગિક GIDCમાં આવેલી ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં. મોતને ભેટેલા પોલેશરામ (ઉં.વ.33) (હાલ-સારંગપુર, અંકલેશ્વર, મૂળ-યુપી), મુકેશસીંગ (ઉં.વ.33) (મૂળ રહે., બિહાર), હરિનાથ યાદવ (મૂળ રહે., યુપી) તેમજ અશોક રામકૃષ્ણ (મૂળ રહે.,યુપી)નો સમાવેશ થાય છે. બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો. બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કંપનીના ગેટ પાસે બેસી કામદારોએ હંગામો મચાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના એમ.ઇ. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે.

બ્લાસ્ટ પ્રચંડ હોવાથી મૃતદેહ દૂર સુધી ફંગોળાયા: નજરે જોનારા કામદારોની વ્યથા
ડિટોક્સ કંપનીમાં બ્લાસ્ટની દુર્ઘટનાને લઈ એક કામદારે જણાવ્યું હતું કે, કંપનીમાં બ્લાસ્ટ થતાં હજુ 10થી 12 કામદાર મળ્યા નથી. સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે ઘટના બની, પણ મોડે સુધી હજુ ગણતરી ચાલી રહી છે અને તેઓ ક્યાં ગયા એ પણ મેનેજમેન્ટ બતાવતું નથી. ધીરે ધીરે તેઓ મૃતદેહ બહાર કાઢે છે. એક મૃતદેહ જંગલમાંથી મળ્યો છે. બ્લાસ્ટ અને મૃતદેહ વચ્ચેનું અંતર 100 મીટર જેટલું છે. બાકીના 10-12 લોકો ક્યાં છે? તેનો કોઈ પત્તો નથી.

Most Popular

To Top