Charchapatra

સમૂહ લગ્નો આજની આવશ્યક્તા

લગ્નો કે અન્ય ધાર્મિક વિધિઓ જે તે કુટુંબના વ્યક્તિગત પ્રસંગો છે જેમાં મહદ્ અંશે સગાં–સંબંધીઓને આ પ્રસંગોમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાતાં હોય છે. વર્ષો પહેલાં આ પ્રસંગો અમુક અપવાદો બાદ કરતાં મોટે ભાગે નાના પાયે ઉજવાતા પરંતુ હાલ થોડાં વર્ષોથી આપણે જોઇએ છીએ કે લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં થતા ખર્ચનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જ જાય છે. હાલ થોડા વર્ષોથી પ્રિ વેડીંગ શૂટીંગનું પ્રમાણ પણ દિનપ્રતિદિન વધતું જતું દેખાય છે જેના વીડિયો આમંત્રિતોની જાણકારી માટે લગ્ન સમયે લગ્નના પાર્ટી પ્લોટોમાં મોટા સ્ક્રીન પર બતાવવામાં આવે છે. લગ્નના જમણવારમાં પણ વિવિધતા વધવા સાથે આ ખર્ચા પણ વધતી જતી મોંઘવારીમાં દિનપ્રતિદિન વધતા જ જાય છે.

કોઇ પણ ખમતીધર કુટુંબ કે વ્યક્તિ આવા પ્રસંગોમાં અનહદ ખર્ચો કરે એની સામે કોઇ વાંધો ન હોઇ શકે. તેઓ એમની ઇચ્છા મુજબ એમનો શુભ પ્રસંગ આટોપવા સ્વતંત્ર છે પરંતુ ઘણા કિસ્સાઓમાં મધ્યમ વર્ગનાં લોકો પણ સમાજમાં એમની શાખ જાળવવા ઇચ્છા–અનિચ્છાએ લગ્ન કે સામાજિક પ્રસંગોએ એમની શક્તિ બહાર ખર્ચ કરતા જોવા મળે છે. આજે ઘણા સમાજમાં આ અંગે જાગૃતિ જોવા મળે છે, જેઓ સામુહિક લગ્નોનું આયોજન કરે છે, જેમાં એક સાથે ઘણાં કુટુંબો ઘણા ઓછા ખર્ચમાં લગ્નો જેવા એમના સામાજિક પ્રસંગો આટોપી શકે છે જેમાં મુરતિયાનાં સગાં–સંબંધીઓ પણ સચવાઇ જાય છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top