સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા ગલતેશ્વર પાસે તાપી નદી પાસે ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે પરિવારનાં સામુહિક આપઘાતની ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. શહેરનાં કતારગામ ખાતે રહેતાં પતિ-પત્રી અને પુત્ર દ્વારા ગલતેશ્વર ખાતે બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આત્યંતિક પગલું ભર્યું છે.
મળસ્કે તાપી નદીમાંથી સ્થાનિક માછીમારોએ મહિલાનાં મૃતદેહને બહાર કાઢયો હતો અને ત્યારબાદ તાપી કિનારે મોનિંગ વોક માટે નીકળેલાં સ્થાનિકોએ તાપી નદીમાં બે મૃતદેહને જોતાં ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને પતિ અને પુત્રનાં મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢ્યો હતો.
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ધસી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પરિવાર દ્વારા આર્થિક સંકળામણને કારણે આપધાત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિવાર જમીને બાઈક પર ગલતેશ્વર પહોંચ્યો
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરના કતારગામ ખાતે આવેલા જેપી નગરમાં રહેતાં 40 વર્ષીય વિપુલ રવજી પ્રજાપતિ અને તેમની 35 વર્ષીય પત્ની સરિતા પ્રજાપતિની સાથે પુત્ર વ્રજેશ બાઈક પર જમ્યા બાદ રાત્રે 10 કલાકે બારડોલી ખાતે આવેલ ગલતેશ્વર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બ્રિજ પરથી જ તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. તાપી નદીનાં પાણીમાં પરિવારનાં ત્રણેય સભ્યોનું મોત નિપજયું હતું.
માછીમારોએ મૃતદેહ બહાર કાઢ્યા
આ દરમિયાન સવારે ચાર વાગ્યે તાપી નદીમાંથી માછીમારોએ પત્ની સરિતાબેનનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસને મૃતદેહની કોઈપણ પ્રકારની ઓળખ ન થતાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બીજી તરફ સવારે મોનિંગ વોક માટે નીકળેલાં નાગરિકોએ અન્ય બે મૃતદેહોને તાપી નદીમાં જોતાં બારડોલી ફાયર વિભાગને જાવા કરી હતી.
આધારકાર્ડની મદદથી ઓળખ થઈ
ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દુર્ઘટના સ્થળે ધસી ગયો હતો. લાશ્કરો દ્વારા તાપી નદીમાંથી પતિ અને પુત્રનાં મૃતદેહને બહાર કાઢ્યા બાદ પતિના ખિસ્સામાંથી આધાર કાર્ડની નકલ મળી આવતા તેઓની પરિવારના ત્રણ સભ્યો દ્વારા સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતાં જ કતારગામ સહિત સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
સ્થાનિક પોલીસ દ્વારા પણ ઘટના અંગે પ્રાથમિક તપાસ કરતાં મૃતક પરિવાર કતારગામ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં પોલીસે ત્રણેય મૃતદેશને પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બ્રિજ પરથી બાઈક અને ચપ્પલો મળ્યા
ક્તારગામ ખાતે રહેતા 40 વર્ષીય વિપુલ અને પત્ર સરિના તેમજ પુત્ર વ્રજેરા દ્વારા રાત્રે 10 કલાકે તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટુંકાવી લેવાની ઘટનાને પગલે પ્રજાપતિ સમાજમાં પણ ભારે આધાતની લાગણી પ્રસરી જવા પામી છે. મળસ્કે પછી અને સવારે પિતા-પુત્રનાં મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ગલતેશ્વર બ્રિજ ખાતે એક બાઈક અને પરિવારનાં ત્રણેય સભ્યોનાં ચપ્પલો મળી આવ્યા હતા.
આર્થિક સંકળામણ હોવાની આશંકા
સવારે ચાર કલાકે સ્થાનિક માછીમારો દ્વારા સરિતાબેનના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢયા બાદ સવારે 7.58 કલાકે બારડોલી ફાયર વિભાગને અન્ય બે મૃતદેહ તાપી નદીમાં હોવા અંગેની જાણ થવા પામી હતી. લાશ્કરો બંનેનાં મૃતદેહ નદીમાંથી બહાર કાઢયા બાદ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ઘટનાની તપાસમાં જોતરાયેલા કામરેજ પીઆઈએ ડી ચાવડાએ પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું હતું કે પરિવારનાં સભ્યો દ્વારા આર્થિક સંકળામણને પગલે આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
