National

છિંદવાડામાં હચમચાવી દેનારી ઘટના, પરિવારના 8 સભ્યોને મોતને ઘાટ ઉતારી આરોપીએ ફાંસો ખાધો

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) છિંદવાડામાં આજે બુધવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. છિંદવાડા જિલ્લાના બોડલ કચર ગામમાં એક આદિવાસી પરિવારના 8 લોકોની હત્યા (Murder) કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપીએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. તેમજ ઘટનાની જાણ થતા સમગ્ર મામલે જીલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ઘટના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોડલ કચર ગામમાં બની હતી. અહીં એક માથાભારે વ્યક્તિએ પોતાના જ પરિવારના સભ્યોને કુહાડીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. તમામ મૃતકો આસપાસના ઘરોમાં જ રહેતા હતા. મૃતકોમાં આરોપીની પત્ની અને પરિવારના આઠ સભ્યો હતા. આરોપીએ પોતાના ભાઈના દિકરા ઉપર પણ હુમલો કર્યો હતો. પરંતુ દિકરો પોતાનો જીવ બચાવી ભાગી ગયો હતો. જ્યારે ભાઇનો દિકરો ભાગી ગયો ત્યારે આરોપીએ જાતે જ ફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન પોતાનો જીવ બચાવીને ભાગેલા ભાઇના દિકરાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતોઃ પોલીસ
પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું. તેમજ આરોપી ડ્રગ એડિક્ટ હતો કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના રાત્રે 3 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાને અંજામ આપ્યા પહેલા આરોપીનો પોતાની પત્ની સાથે વિવાદ ચાલતો હતો. આ ઘટના પણ વિવાદ દરમિયાન બની હતી. માથાભારે વ્યક્તિએ માત્ર વાદવિવાદમાં જ પોતાના પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટના બાદ મૃતકોના મૃતદેહ ઘરમાં વેરવિખેર પડી ગયા હતા. જ્યારે પોલીસને આ મામલાની જાણ થઇ ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની શરૂઆતી તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

આરોપીના લગ્ન 21મી મેના રોજ થયા હતા
આરોપીએ પહેલા પોતાની પત્નીને કુહાડીથી કાપી નાંખી હતી. પછી તેની માતા, બહેન, ભાઈ, ભાભી, ભત્રીજા સહિત બે ભત્રીજીની હત્યા કરી હતી. સમગ્ર મામલે એસપી મનીષ ખત્રીએ જણાવ્યું હતું કે આરોપીના લગ્ન 21 મેના રોજ થયા હતા. આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો. તેમજ આરોપીએ માતા (55), ભાઈ (35), ભાભી (30), બહેન (16), ભત્રીજો (5), બે ભત્રીજી (4 અને દોઢ વર્ષ)ની હત્યા કરી હતી.

Most Popular

To Top