SURAT

સુરતના એક જ પરિવારના 4 વૃદ્ધોના રસપુરી ખાધા બાદ મોતના કેસમાં મોટો ખુલાસો

સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચકચારી બનાવ બન્યો છે. અહીં એક પરિવારના આધેડ ઉંમરના ચાર સભ્યોના મૃતદેહ ઘરમાં પડેલા મળી આવ્યા છે. રાતે રસપુરી ખાઈને સૂતેલા પરિવારના ચાર સભ્યો સવારે ઉઠયા જ નહોતા. મૃતકોમાં એક પુરુષ અને ત્રણ મહિલા છે. સામુહિક આપઘાતની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે. એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન આ કેસમાં મોટો ખુલાસો થયો છે.

  • સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત, જહાંગીરપુરાના એપાર્ટમેન્ટમાં બની સનસનીખેજ ઘટના
  • રાતે રસપુરી ખાઈને સૂતેલા ચાર જણા સવારે ઉઠ્યા જ નહીં, આધેડ વયના એક પુરુષ, ત્રણ મહિલાના મોતથી ચકચાર
  • શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરી
  • ગેસ ગીઝર ચાલુ રહેતા ગૂંગળામણના લીધે મોત થયા હોવાની આશંકા

જહાંગીરપુરામાં આવેલી રાજહંસ રેસિડેન્સીમાં પાંચમા માળે રહેતા 55થી 60 વર્ષની ઉંમરના ચાર લોકો રાતે રસ પુરી ખાઈને સૂતા હતા. મૃતકનો દીકરો મુકેશભાઈ પણ બાજુના મકાનમાં રહે છે. દીકરાએ સવારે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ ખોલ્યો નહોતો. તેની પાસે ફ્લેટની બીજી ચાવી હતી. તે ચાવીની મદદથી તેણે ફ્લેટ ખોલ્યો હતો. અંદર જઈ જોયું તો ચાર લોકોના ડેડબોડી પડ્યા હતા.

ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે, રાત્રે જમ્યા બાદ તમામ સૂઈ ગયા હતાં. જો કે સવારે ન જાગતાં શંકાના આધારે જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હંસાબેને કહ્યું કે, આ મારા વેવાણ થાય. મેં દીકરી આપી હતી. અમને ફોન આવ્યો એટલે દોડા દોડ આવ્યાં હતાં. અમારા છોકરા અને વહુ આવ્યાં હતાં. પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. ભત્રીજીએ કહ્યું કે, રાત્રે મેહમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતાં. મેહમાન જુદા પડ્યાં. વહુને છોકરો નીચે ગયા હતાં. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી પરંતુ દરવાજો ખોલતા નહોતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતાં હતાં.

પોલીસે કહ્યું કે, પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગી રહ્યો છે. કારણ જાણવા આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં છે. પીએમ રિપોર્ટ બાદ જ આપઘાત અંગેની વધુ વિગતો સામે આવી શકે તેમ છે. હાલ તપાસ ચાલી રહી છે.

એસીપી આર.પી. ઝાલાએ જણાવ્યું હતું કે, કઈ રીતે મોત થયું છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. ફૂડ પોઈઝનિંગ છે કે આપઘાત છે તે અંગે તપાસ ચાલી રહી છે. એફએસએલની ટીમની મદદ લેવામાં આવી રહી છે.

મૃતકોના નામ

  • જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)
  • શાંતુબેન વાઢેર (ઉં.વ.55)
  • ગૌબેન હીરાભાઈ વાઢેર (ઉં.વ. 55)
  • હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)

પોલીસે કહ્યું કે, પરિવારના પુત્રની બે માસી અને માસા તથા માતાનું મોત થયું છે. સવારે નાસતો આપવા જતાં દરવાજો ન ખોલતાં 108 સહિતની ટીમને જાણ કરવામાં આવી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે. એફએસએલની ટીમ પણ આ તપાસમાં જોડાશે. 3 મહિલા અને એક પુરૂષના મોત થયાં છે.

ગેસ ગૂંગળામણથી મોત થયાની પણ આશંકા
ચાર વૃદ્ધોના શંકાસ્પદ મોતમાં એક આશંકા એવી પણ છે કે ચારેય જણાના મોત ગેસ ગૂંગળામણના લીધે થયા હોઈ શકે છે. કારણ કે રસ પુરી પરિવારના અન્ય સભ્યોએ પણ જમ્યા હતા. તેથી ફૂડ પોઈઝનિંગની શંકા રહેતી નથી. આર્થિક રીતે પરિવારને તકલીફ નહીં હોય આપઘાત માટે કોઈ કારણ નથી.

દરમિયાન પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે ફ્લેટમાં ગેસ ગીઝર ચાલુ હતું અને રૂમના બારી બારણા બંધ હતા. તેથી ગૂંગળામણના લીધે ચારેયના મોત થયા હતા. એક વૃદ્ધાને ઉલટી પણ થઈ છે. તેથી પોલીસને ગેસ ગૂંગળામણની આશંકા છે. હાલ એફએસએલની મદદથી તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top