છેલ્લા એક વર્ષથી માસ્ક શબ્દ સાંભળી સાંભળીને લોકો ત્રાસ અનુભવી રહ્યાં છે અને હવે ગરમીની મોસમ શરૂ થતાં માસ્કની ગુંગળામણથી પણ ત્રાસ આવે છે. હવે બીજી બાજુ માસ્કનો દંડ પણ ત્રાસરૂપ બની ગયો છે. શહેરી પોલીસ પણ માસ્ક ન પહેરનારનો દંડ ઉઘરાવવામાં બેફામ બની છે.
આમ જનતાના ખિસ્સા ખાલી કરી સરકારી તિજોરી ભરવામાં જ એમને રસ હોય તેમ પોલીસ પ્રજાને ત્રાસ આપી રહી છે. હા, એ વાત સાચી છે કે માસ્ક ન પહેરનાર નિયમભંગ કરે છે. પરંતુ શું એ માત્ર આમ જનતા માટેનો જ નિયમ છે. પ્રજા માસ્કના દંડ પ્રત્યે રોષે ભરાય છે કારણ ચૂંટણી પ્રચાર, ચૂંટણી સભા અને રેલીમાં આ નિયમને નેવે મુકાયો હતો. નેતાઓ જ નિયમભંગ કરતા ન અચકાયા! જનમેદની એકત્ર કરી, સભાઓ કરી, કોવિડ ગાઇડલાઇનનો ભંગ કર્યો તો પ્રજા એમનું અનુકરણ કરે એ સ્વાભાવિક છે.
અરે, પોતાના પરિવાર સાથે પોતાની કારમાં બેસનારને માસ્ક ફરજિયાત જયારે રસ્તાઓ પર રેલીઓ અને સભાઓમાં લોકો માસ્ક વગર બેફામ! એ કયાંનો ન્યાય? અને પોલીસ પણ ત્યાં આંખ આડા કાન કરી જાય! તો આ પદવીધારીઓ પોતાની વગનો લાભ લઇ નિયમોમાં તો છૂટછાટ મેળવી લેશે પણ આ કોરોના તમને કયારેય મુકિત નહિ આપે. તેથી જ તો એક વર્ષનાં વહાણાં વીતી ગયા પછી પણ કોરોના હજુ ત્યાંનો ત્યાં જ છે. તો આ બેદરકારી અને નિયમભંગનું પરિણામ ન હોય તો બીજુ શું?
અમરોલી – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.