Business

માસ્ક ટાસ્ક, ચહેરે પે ચહેરા છુપા લેતે હે લોગ!

આમ તો દરેક માણસને ચહેરો ભગવાને એકબીજાથી જુદા દેખાવા જ આપ્યો હતો. પુરુષ અને સ્ત્રીને છુટા પાડવા માટે પુરુષને દાઢી-મૂંછના વાળ આપ્યા, સ્ત્રીઓને તેના બેલેન્સમાં માથે કાયમી રહે એવો વાળનો જથ્થો ડબલ કરી આપ્યો. પુરુષમાં તો ત્રીસ-ચાલીસ પછી વાળનું પોત થાય છે અને માથાલયની ચોટી ઉપરથી અથવા તેની સરહદો બાજુથી વાળ ખરવા પણ માંડે છે અથવા સફેદ થવા માંડે છે. સ્ત્રીઓમાં આ જ  ઉંમરે વાળની કેટલીક લટો સફેદ થતા વીજળીના ચમકારાની જેમ ચમકે ખરી પણ ખરતી નથી, પુરુષો ‘મેચો’ દેખાવા દાઢી-મૂંછ વધારીને અડધો નીચેનો ચહેરો ઢાંકે છે. કેટલીક સ્ત્રીઓ ઘૂંઘટથી કે બુરખાથી ઉપરનો ચહેરો લાજના બહાને સંતાડે છે. એકવીસમી સદીમાં મોટાભાગની યુવતીઓ વર્કિંગ વીમેન બની ગઈ છે. તેમનું ભર બપોરે પણ બહાર નીકળવાનું સામાન્ય થઈ ગયું છે, તે બધી સનબર્ન અને પ્રદૂષણના બહાને મેચિંગ અને રંગબેરીંગ બુકાનીઓથી તેમનો ચહેરો ટેમ્પરરી લેમિનેટ કરતી હોય છે. ટીનેજર પ્રેમમય યુવતીઓ બોયફ્રેન્ડ સાથે ફરતા તેમનાં મા-બાપ કે સગાં-વ્હાલાંની નજરે ના ચડે તે માટે તેમના ફેર ચહેરાને ફેબ્રિક પહેરાથી ઢાંકતી ફરે છે, આને કહેવાય ‘ચહેરે પે ચહેરા છુપા લેતે હે લોગ’.

બે વરસ પહેલાં ચાઈનાથી કોરોનાની ઘાતક એન્ટ્રી વિશ્વવ્યાપી બની, ભારતમાં પણ તે મહામારી આવી, તેનાથી ઘવાતા બચવા દરેક પોતાનું આંખોની નીચેનું મોં માસ્કથી છુપાવવું પડ્યું. તે વખતે કોવિડની મહામારીના માહોલમાં કોરોના વાઇરસની નાક ઉપર નાકાબંધી જરૂરી હતી અને મો ઉપર નો એન્ટ્રી અનિવાર્ય હતી, મોદીજીની હાકલ પછી મોટાભાગના લોકો તેને રીલીજીયસલી ફોલો કરતાં હોવાથી અમેરિકા યુરોપની સરખામણીમાં ભારતમાં કોવિડથી થયેલો મૃત્યુદર ઘણો નીચો રહ્યો. ૨૦૨૦/ર૦ર૧માં કોરોનાની બે લહેર તેનો કહેર બતાવીને ગઈ. આ વરસે વેક્સિનેશન પછી કોરોના કાબુમાં આવવા માંડ્યો છે ત્રીજી લહેર આવી પણ તેની મહેર મોળી રહી, કોરોનાની બીજી પેઢી ‘ડેલ્ટા’ જેટલી ડેડલી હતી તેટલી આ ત્રીજી પેઢી ઓમાઇક્રોન’ ફૂસકી છે, છેલ્લા બે મહિનાથી મોટાભાગના લોકો બેફીકર થઈને બહાર ફરી રહ્યા છે.

આ માસ્કમેનો કયારેક માસ્ક વગર કે અડધી દાઢીએ માસ્ક રાખીને ફરતા હતા. પોલીસનું ચેકિંગ અને દંડ નહીંવત હોવાથી આજકાલ મોટાભાગના લોકો દાઢીમાસ્કમાં જ જોવા મળે છે. પરદેશમાં તો મોટા શહેરોમાં પ્રદૂષણના બહાને વરસોથી લોકો માસ્ક પહેરતા હતા. ભારતમાં માસ્ક કલ્ચર બે વરસ પહેલા આવ્યું અને શરૂઆતમાં તો લોકડાઉન હતું એટલે ઘરમાં જ રહેવાથી માસ્કનો ઉપયોગ નહિવત હતો. દૂધ કે કરિયાણું લેવા જતી વખતે જ માસ્ક પહેરાતો હતો. અનલોક પછી માસ્ક મસ્ટ થયા, કોવિડકાળ પહેલા ગ્રીન માસ્ક ફક્ત સર્જીકલ ઓપરેશન થીએટરમાં જોવા મળતા હતા. સર્જરી દરમ્યાન માસ્ક કેમ પહેરવામાં આવતું હતું તે ચર્ચાનો વિષય છે. સામાન્ય સમાજ પ્રમાણે તો દર્દી કે સર્જનને એકબીજાનું ઇન્ફેકશન ના થાય તે માટે સર્જન માસ્ક પહેરતા હતા. જવલ્લે જ કદાચ સર્જરી દરમ્યાન દર્દીની નસ કપાય અને તેની લોહીની પિચકારી સીધી સર્જનના મોં ઉપર ના છટાય અને અનાયાસે લોહી ના ચખાય તે માટે પણ કદાચ સર્જન માસ્કડ થતા હોય, ત્રીજી થિયરી એ હતી કે દર્દી બેભાન થતા પહેલા કે ભાનમાં આવ્યા પછી સર્જનને ઓળખી ના જાય તે માટે પણ આ ચહેરા ચડ્ડી પહેરવી જરૂરી હશે.

કોવિડકાળ બાદ આ માસ્ક ટાસ્ક દરેકના માટે ચહેરાનું ઉપવસ્ત્ર બન્યું. અત્યારે સાદાથી માંડી ડીઝાઈનર, સફેદથી માંડી મલ્ટીકલર, સર્જીકલથી માંડી N 95, દુપટ્ટાથી માંડી ગમછા, વન ડેથી માંડી ટેસ્ટમેચ જેટલા સમય ચાલે તેવા, પ્રજાએ-આમ થી માંડી પ્રજાએ-ખાસ પ્રકારના માસ્ક બજારમાં ઉપલબ્ધ છે. ફેશન કોન્શ્યસ લેડીઝ માટે આજે માસ્ક એક અનિવાર્ય ફેશન એસેસરી હોવાથી ડ્રેસ કે સાડીના મેચિંગ ડીઝાઈનર માસ્ક પણ કસ્ટમાઈઝ બનાવાય છે. દેશના ૧૩૦ કરોડમાંથી એકાદ તવંગર અને તઘલખી નમૂનો પણ હીરા-મોતી જડેલા સોના-ચાંદીના માસ્ક પણ, સોશિયલ અને ન્યુઝ મીડિયામાં શો ઓફ કરતો જોવાયો. પહેલું વરસ તો લોકો સિનસિયરલી ફેસ ઉપર નાક, મોં અને દાઢી ઢંકાય તે રીતે માસ્ક પહેરતા હતા.

કેટલાક ચોખલિયા લોકો વ્હોટસએપમાંથી જ્ઞાન લઈને ડબલ માસ્કથી મોં અને નાક ઢાંકતા થયા. જેવી કોરોનાની પોટેન્સી ઘટી તો લોકો, શ્વાસ લેવામાં તકલીફ પડે છે તે બહાને શરૂઆતમાં નાકથી નીચે ‘મોં-દાઢી માસ્ક’ પહેરતા થયા. થોડી હિંમત ખુલતા તે લોકો મોં અને નાક બંને નિર્વસ્ત્ર કરીને ફક્ત ‘દાઢી માસ્ક’ લટકાવતા થયા. કેટલાક વિરલાઓ તો દાઢી માસ્કમાં કાનપટ્ટીઓ ખેંચાતી હોવાથી તેનું ડીમોશન કરીને ‘ગળા માસ્ક’ તરીકે પહેરવા માંડ્યા, માસ્કનો એક ફાયદો એ હતો કે તે પહેરીને તમે તમારા ગાલના ખીલ અને ડાઘા, જાડા અને કાળા હોઠ, તમાકુના ડાઘાવાળા ઉપસેલા દાંત, ઈમોશન્સ, બગાસાં અને ઈર્ષાથી વંકાતા અને સ્ટ્રેસથી દબાવાતા હોઠના ખૂણા છુપાવી શકો છો. ફક્ત આંખોના હાવભાવ અને ઈશારાઓ છુપાવી શકાતા નથી, અત્યારે આ ‘માસ્ક ટાસ્ક’ સ્કીલનું કામ છે. પોલીસના રેન્ડમ ચેકિંગ વખતે દાઢીથી નાકને મોં ઉપર ચડાવવો ભૂલી ગયા તો દંડ ભરતા જોનારા લોકો તો ગાવાના જ કે, ઇસ બેવકૂફ કો તો માસ્ક છુપાના ભી નહિ આતા, જતાના ભી નહિ આતા’.

Most Popular

To Top