રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી વસૂલવામાં આવતી દંડની રકમમાં ઘટાડો કરવાનો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં માસ્કનો દંડ ઘટાડવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે હાલના તબક્કે દંડ ઘટાડવાનો ઇન્કાર કરી દીધો છે. ગુજરાત હાઇકોર્ટ એવું અવલોકન કર્યું હતું કે જો દંડની રકમ ઘટાડવામાં આવે, તો લોકો માસ્ક પહેરવા માટે બેદરકાર બનશે. આ બેદરકારીને પગલે દંડની રકમમાં કોઈ બાંધછોડ કરી શકાય તેમ નથી. હાલમાં નક્કી કરાયેલો દંડ લેવામાં આવશે.
હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે પર્યાપ્ત (પુરતા પ્રમાણમાં) વેક્સિનેશન થયા બાદ દંડની રકમ અંગેની રકમ ઘટાડવા માટે વિચારણા કરવામાં આવશે. હજુ કોરોના ગયો નથી, આગામી દિવસોમાં ત્રીજી વેવ આવવાની સંભાવના છે. જો માસ્કની રકમમાં ઘટાડો કરવામાં આવે તો લોકો માસ્ક પહેરવામાંથી બેદરકાર બની જશે, તેની જવાબદારી સરકાર લેશે ? આ તો દંડની રકમ એક હજાર છે એટલે લોકો માસ્ક પહેરે છે.
વધુમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે રાત્રી કરફ્યુમાં રાહત આપવા અંગે રજૂઆત કરી હતી, ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે રાત્રી દરમ્યાન લોકો ઘરમાં જ રહે છે, તેવી વાત રહી નથી, કરફ્યું એ માત્ર નામનો જ છે. રાત્રી કરફ્યું સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.