દેશની રાજધાની દિલ્હીમાં આજે તા. 17 જાન્યુઆરીથી મોબિલિટી ગ્લોબલ એક્સ્પો (BMGE 2025) શરૂ થયો છે. એક્સ્પોના પહેલાં દિવસે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેની પહેલી ઇલેક્ટ્રિક કાર ‘મારુતિ ઇ-વિટારા’ લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક એસયુવીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.
આ એ જ ઈલેક્ટ્રિક એસયુવી (eSUV) છે જેને કંપનીએ ગયા વર્ષે ઓટો એક્સપો દરમિયાન મારુતિ eVX ના નામથી ભારતમાં કોન્સેપ્ટ તરીકે રજૂ કરી હતી. નવી ઈ વિટારા (E-Vitara) સુઝુકી માટે ગ્લોબલ મોડલ છે. આ કાર સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં બનાવવામાં આવશે. તેના ઉત્પાદનના 50 ટકા જાપાન અને યુરોપિયન બજારોમાં નિકાસ કરવાની યોજના છે.
મારુતિ વિટારા ઈલેક્ટ્રિક વિશે કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 500 કિમીથી વધુની ડ્રાઈવિંગ રેન્જ આપશે. આ સિવાય આ કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 7 એરબેગ્સ આપવામાં આવી રહી છે. હાલમાં કંપનીએ આ SUVને જ ડિસ્પ્લે કરી છે.
આ નવી સુઝુકી ઇ-વિટારા વિશે વાત કરીએ તો તે કોન્સેપ્ટ મોડલ જેવી જ છે. તેની લુક-ડિઝાઇન અને તેની સાઈઝ પણ મારુતિ eVX જેવી જ છે. જો કે કેટલાક એન્ગલ ઘટાડવામાં આવ્યા છે. તેમાંથી મોટા ભાગના eVX જેવા જ છે. તેમાં આગળ અને પાછળ ટ્રાઇ-સ્લેશ LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ છે. આગળની કિનારીઓ પર ચાર્જિંગ પોર્ટ્સ અને પાછળના વ્હીલ કમાન પર વળાંક છે. આમાં પાછળના દરવાજાના હેન્ડલને સી-પિલર પર ખસેડવામાં આવ્યું છે, જે એકદમ જૂની સ્વિફ્ટ જેવું છે.
18-ઇંચના એલોય વ્હીલ્સથી સજ્જ આ ઇલેક્ટ્રિક એસયુવીની લંબાઈ 4,275 એમએમ, પહોળાઈ 1,800 એમએમ અને ઊંચાઈ 1,635 એમએમ છે. તેનું વ્હીલબેઝ 2,700 એમએમ છે, જે ક્રેટા કરતા લાંબું છે. આ મોટો વ્હીલબેસ કારની અંદર વધુ સારી બેટરી પેક સ્થાપિત કરવામાં મદદ કરશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 એમએમ છે જે મોટા ભાગના ભારતીય રસ્તાઓની સ્થિતિ માટે પર્યાપ્ત છે. વેરિઅન્ટના આધારે તેનું કુલ વજન 1,702 કિ.ગ્રા. થી 1,899 કિ.ગ્રા સુધીનું છે.
કંપનીએ મારુતિ ઇ વિટારાને બે અલગ અલગ બેટરી પેક (49kWh અને 61kWh) સાથે રજૂ કરી છે. કારમાં મોટા બેટરી પેકમાં ડ્યુઅલ-મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સેટઅપ આપવામાં આવ્યું છે, જેને કંપનીએ All Grip-E નામ આપ્યું છે. તેમાં ચાઈનીઝ કાર કંપની બિલ્ડ યોર ડ્રીમ (BYD) પાસેથી મેળવેલ બ્લેડ સેલ લિથિયમ આયર્ન-ફોસ્ફેટ (LFP) બેટરી પેક છે. જ્યારે અન્ય કાર ઉત્પાદકો માત્ર બેટરી સેલની નિકાસ કરે છે. તેને સ્થાનિક રીતે એસેમ્બલ કરે છે અને તેમના વાહનોમાં તેનો ઉપયોગ કરે છે ત્યારે સુઝુકી BYDમાંથી સમગ્ર બેટરી-પેક આયાત કરી રહી છે.
કારના પાવર વિશે વાત કરીએ તો ફ્રન્ટ એક્સલ પર સિંગલ મોટર સાથેની 49kWh બેટરી 144hpનો પાવર જનરેટ કરે છે. જ્યારે સિંગલ-મોટર લાર્જ 61kWh બેટરી પેક 174hp સુધીનું પાવર આઉટપુટ આપે છે. આ બંને વર્ઝન 189Nmનો ટોર્ક જનરેટ કરે છે. જોકે e-AllGrip (AWD) વેરિઅન્ટ પાછળના એક્સલ પર વધારાની 65hp મોટર ઉમેરે છે. જેના કારણે કુલ પાવર આઉટપુટ 184hp અને ટોર્ક 300Nm સુધી વધે છે, જે ઘણું વધારે છે.
આ એસયુવીના કેબિનની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ સ્ક્રીન સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમ અથવા યુઝર ઈન્ટરફેસ આપવામાં આવ્યું છે. જેમાં માત્ર ટચસ્ક્રીનની સગવડ જ નથી પરંતુ તેમાં હાલની સ્માર્ટપ્લે પ્રો+ સિસ્ટમ કરતાં વધુ માહિતીપ્રદ ડિજિટલ ડાયલ પણ છે. પાછળના ભાગમાં સ્પ્લિટ-ફોલ્ડિંગ સીટો, એડજસ્ટેબલ હેડરેસ્ટ અને ત્રણ પોઈન્ટ સીટ બેલ્ટ અને તમામ મુસાફરો માટે ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ છે.
મારુતિ ઇ વિટારા અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. તેમાં ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, AWD વર્ઝન માટે ‘ટ્રેલ’ સહિત ડ્રાઈવ મોડ્સ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, સિંગલ-ઝોન ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, સાઈડ અને કર્ટેન એરબેગ્સ, હીટેડ મિરર્સ અને એડવાન્સ ડ્રાઈવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS)નો સમાવેશ થાય છે. આવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.
