અમેરિકાના પર્સવરન્સ યાને મંગળ ગ્રહ પરથી પ્રથમ તસવીરો અને સેલ્ફી પણ પૃથ્વી પર મોકલી છે જેમાં રોવરના મંગળ ગ્રહની સપાટી પર ઉતરાણની કેટલીક અદભૂત તસવીરો છે આ ઉપરાંત મંગળ ગ્રહની સપાટીની પણ તસવીરો છે.
મંગળ ગ્રહ પર જીવનની તપાસ કરવા માટે ગયેલા અમેરિકાની અવકાશ એજન્સી નાસાના યાનના રોવરે મંગળના ગ્રહ પર ઉતરાણ કર્યુ તે સમયની તસવીરો મોકલી છે જેમાં જોઇ શકાય છે કે આ રોવર ઉતરાણ પહેલા ક્રેઇનના વળાંકદાર દોરડાઓ પર લટકી રહ્યું છે અને બાદમાં ધીમે રહીને મંગળની સપાટી તરફ નીચે તરફ વધે છે અને ધીમે રહીને મંગળની સપાટીને સ્પર્શ કરે છે.
મંગળના ગ્રહ પર ઉતરાણની સાત ત્રાસની મીનિટોની જે તસવીરો યાન તરફથી મોકલવામાં આવી તે જોઇને નાસાની ટીમ ખુશખુશાલ થઇ ગઇ હતી. ઓવરહેડ ક્રેનના દોરડાઓ પરથી યાન મંગળની સપાટી પર ઉતરે છે તે વખતે તેના એન્જિનોના ઘૂઘવાટથી મંગળની લાલ માટી પણ ઉડતી તસવીરમાં જોઇ શકાય છે.
આ ઉપરાંત રોવરે તેના ૨૪ મેગાપિક્સલના કેમેરા વડે મંગળના ગ્રહની સપાટીની પણ તસવીરો લીધી છે જે પણ મોકલવામાં આવી છે. તસવીરોની સાથે હેવાલમાં તાપમાનની જાણકારી પણ મોકલી એમાં રાતનું તાપમાન માઇનસ 90 ડિગ્રી સેલ્સિયસ બતાવાયું છે.