Charchapatra

મંગળ મહત્ત્વાકાંક્ષા

નેક ઈરાદાના ખ્યાલને મંગળ મહત્ત્વાકાંક્ષા કહી શકાય. વિશ્વના ટોચના અબજપતિ એલનમસ્ક હવે ટેક અબજપતિ તરીકેની ખ્યાતિ પણ પામ્યા છે. વિશ્વમાં અભૂતપૂર્વ વસ્તીવિસ્ફોટ થઈ ચૂકયો છે ત્યારે તેમનું કહેવું છે કે આપણે માત્ર એક ગ્રહ (પૃથ્વી) પર નિર્ભર નહીં રહેવું જોઈએ. એક સાથે અન્ય અનેક ગ્રહો પર માનવજીવનની સંભાવના છે. માનવ  ચંદ્ર પર પહોંચી ગયો છે. પણ તે પૃથ્વી નજીકમાં છે, ત્યારે દૂર દૂરના મંગળ પર પણ યાન પહોંચાડી શક્યો છે, જ્યાં પડકારજનક વાતાવરણ છે અને પરિસ્થિતિઓ મનુષ્ય માટે યોગ્ય નથી. આમ છતાં એલનમસ્કની કંપની સ્પેસએક્સ આગામી બે વર્ષમાં મંગળ પર તેના સૌથી મોટા રોકેટ સ્ટારશિપ મોકલવાની યોજના બનાવી રહી છે.

મસ્કે જણાવ્યું છે કે આ એક અનક્રુડ મિશન હશે. જેમાં મંગળ પર ક્રૂ ફલાઈટ ચાર વર્ષમાં મોકલવામાં આવશે. સફળ મિશન પછી મંગળ મિશનનો વેગ મળશે અને જો બધું બરાબર રહેશે તો આગામી વીસ વર્ષમાં મંગળ પર એક આખું શહેર સ્થાપિત કરવાની યોજના છે, જે અંતર્ગત દસ લાખ લોકોને મંગળવાસી બનાવી શકાશે.  ત્યાંના આવાસ નાના ગુંબજવાળા હશે. મંગળના કઠોર વાતાવરણનો સામનો કરવા માટે સ્પેસસુટ બનાવવા પર કામ ચાલુ છે. એક મેડિકલ ટીમ પ્રજનન અંગે પણ સંશોધન કરી રહી છે. અત્યાર સુધી એમ કહેવાતું કે ‘‘સિતારોં સે આગે જહાં ઔર ભી હૈં’ તે વાત હવે માત્ર શાયર-કલ્પના જ નહીં, પણ સત્ય હકીકત બની રહેશે, જેને એકવીસમી સદીના માનવું સીમોલ્લંઘન પણ કહી શકાય.
સુરત     – યુસુફ એમ.ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટેસ્ટ મેચોનું આયોજન જ બંધ થવું જોઈએ
તા.૨૨ નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જે કંઈ થયું તે ઉપર જે શીર્ષક લખ્યું છે તે અંગે દરેક ક્રિકેટરસિયાઓને વિચારતા કરી મૂકે એવું છે. પહેલાં નજર કરીએ પ્રથમ દિવસની રમતના સ્કોર ઉપર. ભારતે પહેલો દાવ લીધો અને ૪૯.૪ ઓવરમાં ટી લંચ સુધીમાં આખી ટીમ ૧૫૦ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ. લંચ પછી રમતના અંત સુધીમાં ૨૭ ઓવરમાં ઓસ્ટ્રેલિયાની સાત વિકેટ ધરાશાયી થઈ ગઈ.

એવું લાગી રહ્યું છે કે બંને ટીમના ખેલાડીઓ તેઓ ટેસ્ટ મેચ નહીં પણ વન ડે રમી રહ્યા હોય તે રીતે રમ્યા. આમ પણ જ્યારથી વન-ડે અને ટી-૨૦ રમવાનું શરૂ થયું છે ત્યાર બાદ ટેસ્ટ મેચનું કોઈ મહત્ત્વ રહ્યું જ નથી. ભાગ્યે જ કોઈ ટેસ્ટ મેચ પૂરા પાંચ દિવસ ચાલે છે. અરે, એમ પણ કહી શકાય કે ભાગ્યે જ કોઈક ટેસ્ટ મેચ પાંચમા દિવસમાં પ્રવેશે છે. આખો જે સિનારિયો ઊભો થયો છે તે એવું માનવા પ્રેરે છે કે ટેસ્ટ મેચોનું આયોજન કરવાનું જ બંધ કરી દેવું જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top