Charchapatra

મનગમતા પાત્ર સાથે લગ્ન જેવા મામલામાં સરકાર આડી ન આવે

આપણા ભારતીય બંધારણે આપણા દેશના પુખ્ત વયના અને સ્વસ્થ કોઇ પણ નાગરિકને કોઇ પણ લગ્નોત્સુક લાયક યુગલના લગ્ન પોતાની રીતે કરાવવાનો અધિકાર આપ્યો જ છે. જેથી તેવા કોઇ પણ લગ્નનો વિરોધ કે ઇન્કાર કરવાનો અધિકાર કોઇને નથી.આર્યસમાજ દ્વારા વૈદિક વિધિથી કરાવવામાં આવતા લગ્નોનો વિરોધ કે ઇન્કાર જો આપણા દેશના સરકારી વહીવટી અધિકારીઓ કરતાં હોય તો તેનું કારણ આપણી આજની સરકારનો તેની પાછળ અયોગ્ય હાથ હોઇ શકે. આ વિષયમાં આર્યસમાજે બાકીના સમાજને પોતાની સાથે લઇને સરકાર સામે વિદ્રોહ કરી ન્યાય મેળવવો જોઇએ. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ખુદ આર્યસમાજ પણ વર્ણવ્યવસ્થામાં માને છે, તેથી તે ચૂપ છે. અને સરકારની સાગરિત છે.

આપણી સરકાર અંગત રીતે વર્ણવ્યવસ્થાવાદી વિચારધારા ધરાવે છે. અને મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાના કાયદા અનુસાર તે સ્ત્રીઓની સ્વતંત્રા અને સમાનતાના બંધારણીય હકની વિરોધી છે. તેથી તેણે લવ જેહાદને નામે હિંદુ સ્ત્રીઓની સ્વતંત્રતા અને સમાનતા ઉપર તરાપ મારી છે. ભારતીય બંધારણ અને યુનાઇટેડ નેશન્સના કાયદા અનુસાર દેશના કોઇ પણ પુખ્ત વયના નાગરિકને પોતાના યથેચ્છ પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર છે. તેથી સરકારને એની વિરુધ્ધનો કાયદો બનાવવાનો કોઇ અધિકાર જ નથી. આપણા દેશના સમગ્ર બુધ્ધજીવી સમાજે, સાહિત્યકારો અને ચિંતકોએ તેમજ તમામ રાજકીય વિરોધ પક્ષોએ સાથે મળીને સરકારનો આ બાબતે સખત વિરોધ કરી ન્યાય મેળવવો જોઇએ. અલબત્ત બળજબરીથી જે ધર્માંતરણ થતું હોય તેવા વ્યકિતગત કેસો માટે અલગ કાયદો બનાવવો જોઇએ. પરંતુ એ માટે સમગ્ર સમાજની સ્વતંત્રતા અને સમાનતાના અધિકાર ઉપર તરાપ મારવાનો સરકારને અધિકાર નથી. આ રીતે તો એવું બનવાનો સંભવ છે કે સરકાર ભવિષ્યમાં સ્ત્રીઓના પુન:લગ્ન ઉપર પ્રતિબંધ મૂકી ફરજિયાત વૈધવ્ય માટે મજબૂર કરે. હિંદુ વિદુષી મહિલાઓની આજની ચૂપકીદી તેમના ભવિષ્ય માટે જોખમી છે.
કડોદ – એન.વી. ચાવડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top