National

મંત્રોચ્ચાર અને અગ્નિના સાત ફેરા લીધા વિના લગ્ન માન્ય નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ડિવોર્સના એક કેસમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની ટિપ્પણીએ ચોંકાવી મુક્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાત ફેરા, વિધિ વિનાના લગ્ન હિન્દુ મેરેજ એક્ટ હેઠળ માન્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક સંસ્કાર છે, જે ભારતીય સમાજમાં પવિત્ર સંસ્થાનો દરજ્જો ધરાવે છે. આ કોઈ નૃત્ય અને ગાવાનો પ્રસંગ નથી.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હિંદુ લગ્નને માન્ય બનાવવા માટે તે યોગ્ય સંસ્કાર અને ધાર્મિક વિધિઓ સાથે થવા જોઈએ. લગ્ન સંબંધિત વિધિઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું, વિવાદોના કિસ્સામાં રિવાજોનું પાલન કરવાના પુરાવા રજૂ કરવા જરૂરી છે. સુપ્રીમ કોર્ટે હિંદુ મેરેજ એક્ટ, 1955 હેઠળ હિંદુ લગ્નની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતાને સ્પષ્ટ કરી છે.

જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે કહ્યું કે, પરંપરાગત વિધિઓ અથવા સપ્તપદી જેવા ધાર્મિક વિધિઓ વિના કરવામાં આવેલા લગ્નને હિન્દુ લગ્ન ગણવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કાયદા હેઠળ માન્ય લગ્ન માટે જરૂરી ધાર્મિક વિધિઓનું પાલન કરવું પડશે. આમ કરવામાં નિષ્ફળતા અધિનિયમની કલમ 7 મુજબ હિંદુ લગ્નની રચના કરશે નહીં. કોર્ટે કહ્યું કે, હિંદુ લગ્ન અધિનિયમની કલમ 8 હેઠળ લગ્નની નોંધણી લગ્નના પુરાવાની સુવિધા આપે છે, પરંતુ તે કાયદાની કલમ 7 અનુસાર લગ્ન કર્યા સિવાય તેને માન્યતા આપતું નથી. 

બેન્ચે કહ્યું કે, જો હિંદુ લગ્ન રિવાજ મુજબ ન થાય તો નોંધણી થઈ શકે નહીં. માન્ય હિંદુ લગ્નની ગેરહાજરીમાં, નોંધણી અધિકારી કાયદાની કલમ 8 ની જોગવાઈઓ હેઠળ આવા લગ્નની નોંધણી કરી શકતા નથી. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યુવક-યુવતીઓને વિનંતિ છે કે લગ્ન કરતા પહેલા તેઓ જાણી લે કે ભારતીય સમાજમાં લગ્ન કેટલા પવિત્ર છે. લગ્ન એ ગીત-નૃત્ય કે પીવા-ખાવાની ઘટના નથી. તે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધને સ્થાપિત કરવા માટે ઉજવવામાં આવે છે, જેઓ પતિ અને પત્નીનો દરજ્જો પ્રાપ્ત કરે છે.

શું હતો કેસ?
એક મહિલા દ્વારા છૂટાછેડાની કાર્યવાહી ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન પતિ-પત્નીએ તેમના લગ્ન માન્ય ન હોવાનું જાહેર કરવા માટે સંયુક્ત અરજી દાખલ કરી હતી. તેમના દ્વારા કોઈ રિવાજો, સંસ્કારો અથવા ધાર્મિક વિધિઓ કરવામાં આવી ન હતી તેથી તેમના લગ્ન માન્ય નથી. પતિ-પત્નીની દલીલ સાંભળ્યા બાદ બેન્ચે જાહેર કર્યું કે તે માન્ય લગ્ન નથી. કોર્ટે નોંધાયેલા કેસો પણ રદ કર્યા હતા.

Most Popular

To Top