ઉત્સવને બાદ કરતાં આપણે ત્યાં ચારે બાજુ ચકાચૌંધ લગ્નની સિઝીનમાં દેખાય છે. મેરેજની વાઇબ્રન્સીથી કોઈ વર્ગને બાકાત કરી શકાતો નથી. ચાહે તે તવગંર હોય કે ગરીબ. લગ્નમાં ધૂમધામ કરવાથી ભાગ્યે કોઈ બચી શકે છે. અને એટલે મેરેજનું માર્કેટ નિર્માણ પામ્યું છે. એક અંદાજ પ્રમાણે આ વર્ષે દેશમાં પચ્ચીસેક લાખ લગ્ન થવાના છે અને ‘કન્ફેડેરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ’ના મુજબ આ લગ્નોમાં ત્રણ લાખ કરોડનું ટર્નઓવર થશે. આ માર્કેટ અગાઉ પણ અસ્તિત્વમાં હતું, પરંતુ હવે તે માર્કેટ આયોજનબદ્ધ રીતે કામ કરી રહ્યું છે. તેની શરૂઆત તો લગ્ન માટેના પસંદગીના મેળાવડા અને મેરેજ બ્યૂરોથી થાય છે; જ્યાં યુવાન-યુવતીઓ પોતાના જીવનસાથી શોધ આદરે છે.
એક સમયે જીવનસાથી પસંદ કરવાની પ્રક્રિયા પરસ્પર પરિવારની સમજણ કે જ્ઞાતિના મેળાવડામાં થતી. હવે આ પ્રક્રિયા બિઝનેસ તરીકે વિસ્તાર પામી છે અને તેમાં મેરેજ બ્યૂરોની ભૂમિકા મોટી થતી જાય છે. આ ભૂમિકા એટલી મોટી થઈ ચૂકી છે કે મેરેજ બ્યૂરોની એડ સુદ્ધાં ટેલિવિઝન પર જોવા મળે છે. મેરેજની આ પ્રક્રિયામાં ક્યાંય બિઝનેસ આવી શકે એવી શક્યતા નહોતી. આજે તેના અધધ આંકડા જોઈએ તો તેના બિઝનેસનો ખ્યાલ આવી શકે. યુવક-યુવતીઓની લગ્ન માટે પાત્ર પસંદગીના એક માત્ર ‘મેટ્રોમોની.કોમ’ની જ વાત કરીએ જે ‘ભારતમેટ્રોમોની’ નામનું પ્લેટફોર્મ ચલાવે છે.
આ કંપનીનો 2021ના વર્ષમાં જુલાઈથી-સપ્ટેમ્બરનો નફાનો આંકડો દસ કરોડે પહોંચ્યો છે! ઇન્ટરનેટ આવ્યું અને જે કંપનીઓ આમાં પહેલીવહેલી મેચમેકિંગ બિઝનેસમાં પ્રવેશી તેમાં એક મેટ્રોમોની પણ હતી. તેની રેવન્યૂ સતત વધતી રહી છે અને ગત વર્ષ કરતાં આ વર્ષે તેમનો નફો નેવું કરોડ કરતાં વધુ છે. મેટ્રીમોની સાથે ‘શાદી.કોમ’ અને ‘જીવનસાથી.કોમ’ પણ સ્પર્ધા કરી રહી છે. મેરેજની આ અન્ય કંપનીઓ પણ કરોડોમાં પોતાનું ટર્નઓવર કરી રહી છે.
સ્થાનિક સ્તરે પણ મેચમેકિંગમાં આર્થિક ગણિત ગોઠવાયું છે. જ્ઞાતિ સમૂહ, રાજ્યવાર અને પ્રદેશમાં પણ આ રીતે મેચમેકિંગથી લોકો પૈસા રળી રહ્યાં છે. આ બિઝનેસ સતત વધી રહ્યો છે અને તેનું એક અગત્યનું કારણ રોયલ ‘મેટ્રીમોની’ના CEO ગૌરવ છાબરા આપે છે. તેમનું કહેવું છે કે આજે વ્યસ્ત જીવનમાં પાર્ટનરની શોધ કરવી અને તેના વિશે ઝીણામાં ઝીણી બાબત તપાસવી મુશ્કેલ છે. ઇવન, એકબીજાને ટૂંકા ગાળામાં ઓળખવા પણ મુશ્કેલ છે. આ ઉપરાંત, મેચમેકિંગ દરમિયાન બે પરિવાર પણ મજબૂત તંતુથી જોડાય છે. હવે જ્યારે આટલાં બધાં આસ્પેક્ટ જોવાના આવે ત્યારે સ્વાભાવિક છે કે મેટ્રોમોની જેવી કોઈ મધ્યસ્થી ન હોય તો તે સંબંધમાં સ્પષ્ટતા આવવામાં સમય લાગે.
લગ્નમાં પાર્ટનર નક્કી થયા બાદ લગ્નની તૈયારી અર્થે માર્કેટમાં અનેક બિઝનેસ છે જેથી લગ્ન સારી રીતે પાર પાડી શકાય. સૌપ્રથમ તેનો એક પડાવ વેડિંગ કાર્ડ છે. વેડિંગ કાર્ડ આજકાલ અલગ રીતે બનાવવાનો ટ્રેન્ડ છે. સેલિબ્રિટિઝના આવાં વેડિંગ કાર્ડ ન્યૂઝમાં ચમકતાં હોય છે; પરંતુ જેઓ ઠીકઠીક રીતે ખર્ચ લગ્નપ્રસંગે કરે છે તેઓ પણ વેડિંગ કાર્ડ વિશેષ બનાવવા માટે સારી કિંમત ચૂકવે છે. લગ્નના પરિવાર ઇચ્છે તેવાં વેડિંગ કાર્ડ આજે ટેક્નોલોજીના કારણે બનાવવા સરળ બન્યાં છે. દરેક શહેરમાં વેડિંગ કાર્ડનું માર્કેટ આપણને મળી રહે છે અને તે એટલું મોટું હોય છે કે લાખોની સંખ્યામાં લોકો તેના પર નભતા હોય છે. જોકે આ બિઝનેસના આંકડા છૂટાછવાયા મળે છે, કારણ કે હજુ પણ અનઓર્ગેનાઇઝ્ડ રીતે આ બિઝનેસ ચાલી રહ્યો છે.
કેટલાંક બિઝનેસ એવાં છે કે તેને આમ કોઈ બિઝનેસ તરીકે જોતું નથી, જેમ કે ફોટોગ્રાફી. સામાન્ય રીતે ફોટોગ્રાફી શોખ ખાતર થાય છે અને અત્યાધુનિક મોબાઈલ આવ્યા બાદ ફોટોગ્રાફીના બિઝનેસ ગ્રહણ લાગશે તેવી શક્યતા પણ હતી. પરંતુ હજુય આ સારાં ફોટોગ્રાફર્સની ડિમાન્ડ લગ્ન સિઝન દરમિયાન થાય છે અને તેઓ લાખોમાં આવક રળે છે. લગ્નમાં આવેલાં નવા ટ્રેન્ડમાં પ્રિ-વેડિંગ અને પોસ્ટ વેડિંગ એવાં ફોટોશૂટ થાય છે. આ શૂટ હિલસ્ટેશન, રિસોર્ટ, દરિયાકાંઠે કરવાનો ટ્રેન્ડ છે.
આવાં શૂટનો ખર્ચ લાખોમાં પહોંચે છે અને તેમાં ફોટોગ્રાફર્સની સ્કીલ અને લગ્નગાળાની ડિમાન્ડ મુજબ કિંતમ નક્કી થાય છે. અને એમ કહેવાય છે કે જેઓ થોડી પણ સારી સ્કીલ આ ક્ષેત્રમાં ધરાવતાં હોય તેવાં ફોટોગ્રાફર્સ લગ્ન સિઝનમાં એટલી આવક મેળવી લે કે પછીના સમયમાં તેઓ નિશ્ચિંત રહી શકે. ઇન્ટરનેટ પર મેરેજ ફોટોશૂટની થોડી ઝલક જોવા માત્રથી તેની પાછળ થતાં ખર્ચનો અંદાજ લગાવી શકીએ. આ ફોટોશૂટ માટે વધૂ-વરરાજાને પ્રસંગ અનુરૂપ તૈયાર થવાનુયેય આવે, એટલે બ્યૂટીનેસ ક્ષેત્રનો ખર્ચ પડે છે. આ ખર્ચમાં હવે હિસ્સો માત્ર વધુ-વરરાજાનો જ નથી હોતો, બલકે જાનૈયાયાઓ પર મેક-અપનો હાથ ફરે તેવી વ્યવસ્થા હોય છે.
મતલબ કે આ બજેટ પહેલાં કરતાં ડબલ થઈ ચૂક્યું છે અને બ્યૂટીનેસના બિઝનેસની ચાંદી થઈ રહી છે. મેરેજમાં એ પછી સૌથી અગત્યનો પાર્ટ છે તે મેરેજનાં લોકેશનનો. હવે જેઓને ખર્ચ કરવો છે તેઓ મેરેજ ઘરઆંગણે કે સોસાયટી, પોળના મેદાનમાં પ્લાન નથી કરતાં. આમેય શહેરોમાં આવાં મેદાનોની સંખ્યા જૂજ બચી છે, જ્યાં પાર્કિંગની વ્યવસ્થા હોય કે ટ્રાફિકની સમસ્યા વિના સરળતાથી આવવા-જવાની શક્યતા હોય. આ કારણે હવે પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ પાર્ટી પ્લોટનું ભાડું જંગી હોય છે. લાખોમાં ભાડું ચૂકવ્યા બાદ પણ તેમાં શણગાર અર્થે બીજોય ખર્ચ છે.
લાઈટિંગ, મ્યૂઝિક સિસ્ટમ, સેટ ડિઝાઈનિંગ અને ડાન્સ પર્ફોમન્સ જેવી અનેક બાબતો તેમાં જોડાય છે. આ પૂરા આયોજન માટે પૈસેટકે હાથ જરા પણ કરકસાઈવાળો હોય તો તેની અસર બધે જ દેખાય. મતલબ હાથ છૂટો રાખવો જરૂરી છે અથવા તો આ રીતે આયોજનથી અલગ રહેવું જ બહેતર છે. એક વાર આ પ્રકારના આયોજનમાં ગયા તો તેનું આખું નેટવર્ક છે જેમાં લગ્ન લઈને બેઠેલા પરિવાર ઉત્સાહમાં ‘ના’ કહી શકતો નથી. મહેંદી સેરેમની, ગરબા, મ્યૂઝિકલ નાઇટ્સ, ભોજન સમારંભ અને વિદાય એવાં અલગ અલગ હેડ હેઠળ એક જ લગ્નમાં એટલાં બધાં કાર્યક્રમ થાય છે કે તેમાં જમણવાર એક વાર નહીં બલકે અનેક વાર થાય.
લગ્નનો જમણવાર સ્વાભાવિક અલગ અને વધુ સારો હોય, પણ અન્ય દિવસોમાં પણ આવાં લગ્નોમાં જયાફત ઉડે છે અને ખર્ચ બેવડાય છે. આ બધાં ખર્ચની પણ કોઈ નિશ્ચિત રકમ નથી, પણ તે લાખોમાં છે અને તેમાં દરેકની ચોઈસ, સમય સંજોગો પ્રમાણે ભાવ વધેઘટે છે. જોકે બજેટમાં બચત કરો તેમ છતાં મન મનાવા પૂરતી જ થાય છે. લગ્નની આ પૂરી કવાયતમાં હવે ટ્રાન્સપોર્ટેશન પણ ઉમેરાયું છે. એક સમયે માત્ર લક્ઝરી બસ કે સામાન્ય ગાડીમાં આવવા-જવાની વ્યવસ્થા પૂરતી ગણાતી. પરંતુ હવે તેમાં પણ કંઈ ગાડી રાખવી અને તે ગાડીઓને કેવી રીતે શણગારવી તે વિષય ઉમેરાયો છે. જાનૈયાઓના નિવાસ અર્થે પણ હોટલ અને અન્ય વ્યવસ્થામાં વિશેષતા ઝળકે તેવું ઇચ્છનારા છે.
આ બધું બરોબર ગોઠવાય એટલે લગ્ન વિધિ અને તે લગ્ન વિધિ કેવી રીતે થાય તે વિષય લગ્ન આયોજકો સામે ઊભો રહે છે. હવે જ્યાં બધું જ વિશેષ હોય ત્યાં આ લગ્નની પૂરી પ્રક્રિયા પણ અતિવિશેષ ખાનામાં મૂકી શકાય તેવી હોવી જોઈએ. આ માટે વર વધૂની ચોરીમાં એન્ટ્રી માટે પણ અનેક અવનવા આઇડિયા ઇમ્પ્લિમેન્ટ થાય છે. લગ્નમાં બધું જ પરફેક્ટ હોય અને જમણવાર ધાર્યા મુજબનો ન હોય તો મહેમાનોની ખુશી બેવડાતી નથી એટલે જમણવારમાં આમંત્રિતોને સંતોષ થાય તે અર્થે અનેક પ્રકારની વાનગીઓ પિરસાય છે, તેમાં પંજાબી ભાણું તો હવે કોમન થઈ ચૂક્યું છે. હવે તેમાં પરંપરાગત ભાણું પીરસવાનો પણ ટ્રેન્ડ વધ્યો છે. આમાં પણ વિવિધતાનો અને ખર્ચાનો પાર નથી. અંતે બધું પૂર્ણ થાય પછી હનીમૂન પેકેજની વાત આવે છે. આ ખર્ચને લગ્નમાં ન સમાવાય પરંતુ અલ્ટિમેટલી તે લગ્ન પછીનો જ ખર્ચ છે. તેમાં હવે વિદેશોની ટૂર ગોઠવાય છે. મતલબ લગ્ન કરતાં અને કરાવતાં હવે હજાર વાર વિચારવા જેવું છે.