નવી દિલ્હી: કેટલાક લોકો જેમને ભારતના (India) સૌથી લાયક ‘બેચલર’ તરીકે જોય છે તે કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે જ્યારે યોગ્ય છોકરી મળશે ત્યારે તેઓ લગ્ન (Marriage) કરશે અને સમસ્યાનો એક ભાગ એ છે કે તેમના માતા-પિતાના ‘પ્રેમભર્યા લગ્ન’એ માપદંડોને ખૂબ જ ઊંચા રાખ્યા છે. યુટ્યુબ પર ફૂડ અને ટ્રાવેલ પ્લેટફોર્મ ‘કર્લી ટેલ્સ’ પર મુક્તપણે, હળવા દિલની વાતચીતમાં રાહુલે ‘માત્ર રાજકારણ’થી અલગ થઈને તેમના મોટા થયાના વર્ષો, તેમની ભોજનની પસંદગીઓ અને તેમની કસરતની પદ્ધતિ સહિત વ્યક્તિગત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
52 વર્ષીય પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેઓ લગ્નની વિરુદ્ધ નથી. ‘સમસ્યાનો એક ભાગ એ છે કે મારા માતા-પિતાના પ્રેમભર્યા લગ્ન હતા અને તેઓ સંપૂર્ણપણે એકબીજાના પ્રેમમાં હતા તેથી મારી અપેક્ષાનો દર ઘણો ઊંચો છે’, એમ તેમણે તેના માતા-પિતા રાજીવ અને સોનિયા ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું. ‘જ્યારે યોગ્ય છોકરી આવશે. હું લગ્ન કરીશ. મારો મતલબ જો તે સાથે આવશે. તે સારું રહેશે.’ તે કેવી યુવતી સાથે લગ્ન કરવા માગે છે તે માટે તેની પાસે કોઈ ચેકલિસ્ટ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાહુલે કહ્યું હતું, ‘ના, માત્ર એક પ્રેમાળ વ્યક્તિ જે બુદ્ધિશાળી હોય.’
પોતાની ભોજનની પસંદગી અંગે રાહુલે કહ્યું હતું તે ભોજન અને ખાદ્ય પદાર્થો માટે બહુ કંઈ ખાસ પસંદગી અથવા નાપસંદગી નથી ધરાવતા પણ જ્યારે તેઓ ઘરે હોય છે તો તેઓ ‘વટાણા અને કટહલ’ ખાવાથી બચે છે. ઘરમાં બપોરે દેશી ભોજન હોય છે અને રાત્રે કોન્ટીનેન્ટલ, હું વધું પડતું ગળયુ નથી ખાતો. મને માંસાહાર પસંદ છે જેમાં ચિકન ટીક્કા, સીખ કબાબ અને સારું બનાવેલું ઓમલેટ વિગેરે પસંદ છે. પોતાના મૂળ વિશે રાહુલે કહ્યું હતું હું કાશ્મીરી પંડિત પરિવારથી આવું છે જેઓ ઈલાહાબાદ (ઉ.પ્ર.) સ્થળાંતર થયા હતા. મારા દાદા પારસી (ફિરોઝ ગાંધી) હતાં, એટલે હું પૂર્ણ રીતે મિશ્રીત છું.