સુરત: અંગદાન મહાદાન, બ્રેઈનડેડ બાદ અંગદાન થઇ શકે છે. હું બચાવીશ નવ જિંદગીને જીવનદીપની સંગાથે, એક ડગલું અંગદાન તરફ, ચાલો સૌ સાથે મળીને અંગદાન (Organ Donation) માટે સંકલ્પ કરીએ… આ સૂત્રો કોઈ પાલિકાની દીવાલ કે ફેસબુકની વોલ પર નથી લખાયા. પરંતુ લગ્નની કંકોતરી (MarrigeInvitationCard) પર પણ લખાયા છે. જી હા, સુરતના એક યુગલે પોતાની લગ્નની કંકોત્રી દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશ (Message) વહેતો કર્યો છે. જેની ચોતરફ પ્રશંસા થઇ રહી છે.
- સુરતમાં યુગલે છપાવી લગ્નની અનોખી કંકોત્રી
- યુગલે લગ્ન કંકોતરીમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપ્યો
- તા 1-12-2023 ના રોજ થશે આ યુગલના લગ્ન
- યુગલે કંકોત્રી છપાવી પોતે પણ અંગદાનનો સંકલ્પ લીધો
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચમાં રહેતા પાર્થ જગદીશભાઈ વાડદોરિયાના લગ્ન મોટા મુંજીયાસરની અમીષા મુકેશભાઈ ગોંડલિયા સાથે તા 1-12-2023 ના રોજ નિર્ધારિત થયા છે. લગ્નમાં કંકોતરી એક એવું માધ્યમ છે જે શેરી, મહોલ્લા, ગામ અને શહેરની સફર કરે છે. જેનો ફાયદો ઉઠાવી આ દંપતીએ કંકોત્રીના માધ્યમથી સામાજિક દાયિત્વ નિભાવવાના ભાવ સાથે કંકોત્રીમાં અંગદાન જાગૃતિ મેસેજ પ્રસ્તુત કર્યો છે.
દંપતીએ કહ્યુ હતું કે જો અમારા આ કાર્યથી પાંચ લોકો પણ અંગદાન માટે સંકલ્પ લેશે તો ઘણી જીંદગીઓને નવી રોશની મળશે. જે માટે અમને નિમિત્ત બન્યાનો અમને ગર્વ રહેશે. અમે માત્ર સંદેશ નથી આપી રહ્યા પરંતુ સૌથી પહેલા અમે જ અંગદાનનો સંકલ્પ લીધો છે.
આ સાથે જ લગ્નમાં અમારી સાથે ઘણા પરિચીતો અંગદાનનો સંકલ્પ લેશે. બ્રેઈનડેડ પછી આપણા અંગો થકી બીજાના જીવનમાં ખુશી આવે તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? અંગદાનનો સંકલ્પ દરેકે લેવો જોઈએ એ આ સમયની માંગ અને જરૂરિયાત પણ છે.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનથી વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે આ યુગલે કંકોતરીમાં અંગદાનનો મેસેજ આપીને તેમજ જાતે પણ આ સંકલ્પ લઇને સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ ઉભું કર્યું છે. આપણા એકના અંગદાન થકી અનેક જીવનમાં ખુશહાલી આવે છે. તેથી અમારું ફાઉન્ડેશન પણ લોકોના ચહેરા પર ખુશી લાવવાનું કાર્ય કરે છે. વધુમાં વધુ લોકો અંગદાનનો સંકલ્પ લે એ ભારતના ઉજ્જવળ ભવિષ્યની નિશાની પણ છે.