નવી દિલ્હી (New Delhi): આજે નાણમંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) જે બજેટ (Budget 2021) બહાર પાડ્યુ છે, બધાની નજર આ બજેટ પર હતી. જો કે આ વર્ષના બજેટમાં કોઈ નવા ટેક્સ સ્લેબની ઘોષણા કરવામાં આવી નથી. સોમવારે સંસદમાં રજૂ કરાયેલું બજેટ મોદીના કાર્યકાળનું 9મું બજેટ હતું. આજે બજેટ પછી માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
BSE સેન્સેક્સ 2,332 અંકના વધારા સાથે 48,618.57 પર બંધ થયુ છે. બેન્કિંગના શેર બજારમાં તેજીમાં મોખરે છે. નિફ્ટીનો બેંક ઈન્ડેક્સ 7.90% ની મજબૂતી સાથે 32,979.55 પર બંધ થયો છે. આમાં ઈન્ડસઇન્ડ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેંકની 12-12% લીડ છે. એ જ રીતે નિફ્ટી ઈન્ડેક્સ 643 અંકના વધારા સાથે 14,278.10 પર બંધ થયુ છે. બીએસઈ 3,060 શેરો પર કારોબાર કરી રહ્યો છે. આજે બજેટ આવ્યા પછી લગભગ 1,844 શેરોના ભાવ વધ્યા છે, જ્યારે 1,027 શેરના ભાવ ઘટ્યા છે. સૂચિબદ્ધ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને રૂ. 192.36 લાખ કરોડ થઈ છે, જે શુક્રવારે રૂ. 186.13 લાખ કરોડ હતી. અગાઉ બજાર સતત 6 સત્ર માટે બંધ રહ્યું હતું.
ફિક્કીના અધ્યક્ષ ઉદય શંકરે કહ્યું કે ખરાબ અર્થતંત્રને અસર થવા છતાં સરકારે કોઈ નવા ટેક્સની જાહેરાત કરી નથી. તે બતાવે છે કે સરકારે બજેટમાં તમામ ક્ષેત્રોની કાળજી લીધી છે. જોકે, નવા સેસનો ચોક્કસપણે બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીઆઈડબ્લ્યુ પ્રાઈવેટ ઇક્વિટીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર મોહિત રલ્હને જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થામાં સુધારો લાવવાના લક્ષ્ય સાથે તે નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, વીમા કંપનીઓમાં FDI 49% થી વધારીને 74% કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે સરકારે આમાં કોઈ નવા ટેક્સની જાહેરાત કરી નથી.
સરકારે જણાવ્યું હતું કે 2020-21 માટે નાણાકીય ખાધ જીડીપીના 9.5% રહેશે. 2021-22 માટે તે 6.8% હોવાનો અંદાજ છે. સરકાર વીમા અધિનિયમ 1938 માં સુધારો કરશે. આ અંતર્ગત વીમા કંપનીઓમાં એફડીઆઈ મર્યાદા 49% થી વધારીને 74% કરવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ, વીમા કંપનીઓમાં એફડીઆઈ માર્ચ 2016 માં 26% થી વધારીને 49% કરવામાં આવી હતી. એચડીએફસી લાઇફના શેરમાં 5.2 %, એસબીઆઈ લાઇફમાં 8.8% અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યુરન્સના શેરમાં 1.8% નો વધારો જોવા મળી રહ્યો છે.
નાણાં પ્રધાને કહ્યું કે સરકાર સિટી ગેસ વિતરણ અંતર્ગત દેશના 100 અન્ય શહેરોને જોડશે. આ જાહેરાત સાથે જ ઇન્દ્રપ્રસ્થ ગેસનો શેરમાં 2.5% અને મહાનગર ગેસનો શેરમાં 1.8%નો વધારો જોવા મળ્યો હતો. સરકાર સિક્યોરિટીઝ માર્કેટ કોડ (Securities Market Code) લાવશે. આમાં સેબી એક્ટ (SEBI Act), સરકારી સિક્યોરિટીઝ એક્ટ અને ડિપોઝિટરીઝ એક્ટનો (Securities and Depository Act) સમાવેશ કરવામાં આવશે. સેબી સોનાના નિયમનકાર પણ બનશે.