ગાંધીનગર: દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’નો (Mari mati maro desh ) પ્રારંભ તા.૦૯મી ઓગષ્ટ-૨૩થી શરૂ કરાયો હતો. જેમાં આજ દિન સુધી આ અભિયાનમાં ૧૩,૬૯,૨૦૧ થી વધુ રાષ્ટ્રભક્તો જોડાઇ વીરોને (Soldier) શ્રદ્ધાંજલિ આપી હતી. આ અભિયાન અંતર્ગત પાંચ થીમ આધારીત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં ચોથા દિવસે રાજ્યના ૧૦૭૪ ગામોમાં મહાનુભાવો-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત ૧,૩૧,૧૪૭ દેશવાસીઓએ સહભાગી થયા હતા.
- ચાર દિવસમાં ૧૧ હજારથી વધુ ગ્રામ પંચાયતો જોડાઇ
- રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી પંચપ્રણની ૮,૮૪,૬૨૬ સેલ્ફીઓ અપલોડ
આ અભિયાનના ચાર દિવસો દરમિયાન ૧૧,૯૧૦ ગ્રામ પંચાયતોમાં પાંચ થીમ આધારીત કાર્યક્રમો ગ્રામીણ કક્ષાએ યોજાયા હતા. જેમાં ૧૧,૩૭૯ શીલાફલકમની સ્થાપના કરાઈ છે. જ્યારે વસુધાવંદનમાં ૮,૮૫,૮૫૫ રોપાઓનું વાવેતર કરાયું છે. દેશની આઝાદી માટે શહાદત વહોરનાર ૨૯,૩૭૪ શહિદ વીરો અથવા તેમના પરીવારોનું સન્માન કરાયું છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી પંચપ્રણની ૮,૮૪,૬૨૬ સેલ્ફીઓ અપલોડ થઇ છે.