વાંચવામાં ઘણું સારું લાગે છે. વિશ્વમાં 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઠેર ઠેર મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાશે અને મહિલાઓની ભારોભાર પ્રશંસા થશે. આજે વિશ્વમાં મહિલાએ દરેક ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે, એનું ગૌરવ છે અને રહેશે. દરેક મહિલાને પ્રભુએ એક અલૌકિક શક્તિ અર્પી છે કે જેને લીધે એ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. આ તો થઇ વિશ્વ મહિલા દિવસની વાત પણ મારું મન કાંઇ જુદું જ વિચારે છે અને એ છે આજ મહિલા સુરક્ષિત છે ખરી?
બસ ડેપો જેવા જાહેર સ્થળે એક એકલી મહિલા પોતે જ્યાં જવાની હતી એ સ્થળ વિશે પૂછપરછ કરી રહી હતી ત્યાં જ એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા એક માણસ આવે છે અને એને પોતાની વાતમાં વિશ્વાસમાં લઇને ડેપોમાં પડેલી બંધ બસમાં લઇ જઇને દુષ્કર્મ કરે છે અને એક વાર નહીં અનેકવાર આ બનાવ તાજેતરમાં જ બન્યો છે. કેટલી શરમજનક કહી શકાય તેવી ઘટના છે. આવા અનેક બનાવો રોજ દૈનિકપત્રમાં આપણે બધા વાંચીએ છીએ. આવા બનાવો બનતાં બંધ થઇ જાય અને દરેક મહિલા નિડરપણે એકલી હરી ફરી શકે અને આવું થશે ત્યારે વિશ્વ મહિલા દિવસની ઉજવણી સાર્થક થઇ કહેવાશે.
અડાજણ – શીલા ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુવાચન, સુરુચિ માટે પુસ્તકાલય
હોટલો વધતી જાય છે, લાઈબ્રેરીની સંખ્યા ઘટતી જાય છે. કદાચ એટલે જ પેટ મોટાં અને મગજ નાનાં થતાં જતાં હશે?! સુવાચન, સુરુચિ તેમજ સંસ્કાર ઘડતરનું કાર્ય (પુસ્તકાલયો) સહજતાપૂર્વક કરતાં હોય છે. ચારિત્ર્યનું ઘડતર કરનાર લાઈબ્રેરી ગામડે-ગામડે હોવી જોઈએ. સ્કૂલ-કોલેજોની લાઈબ્રેરી એક ભાવિ પેઢીના આશાસ્પદ યુવાનો પેદા કરે છે. નવસારીની સયાજી લાઈબ્રેરી ઉત્તમ સંસ્કારોનું સિંચન અને સર્જન કરાવનારી વિવિધ પ્રવૃત્તિલક્ષી સંસ્થા ગણાય છે.
પોતાનું પુસ્તકાલય હોવું એ સાંસ્કારિક ગૌરવની બાબત કહેવાય. ડૉ. ગુણવંત શાહ કહે છે તેમ, ‘સુરુચિની કેળવણી તો સુરુચિ ધરાવનાર શિક્ષકો જ આપી શકે, એ માટે શિક્ષકોએ પણ પુસ્તકો વાંચીને પચાવવાં પડે. એક નબળો શિક્ષક ત્યાં સેંકડો વિદ્યાર્થીઓનાં જીવન બગાડી શકે છે. અવારનવાર એકાદ સારું પુસ્તક કોઈ સ્નેહીને ભેટ આપવાથી બંનેને આનંદ મળશે. સોનરી પ્રકાશ પાથરનાર પ્યારા પુસ્તકને પસ્તીમાં જતું અટકાવીએ. દુનિયામાં એક પણ બાળક નિરીક્ષણ અને દુખિયારું હોવું જોઇએ નહીં.
ચીખલી – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
