સુરક્ષા દળોએ નક્સલવાદી સંગઠનના સૌથી શક્તિશાળી દંતકથારૂપ નેતા માધવી હિડમાને ઠાર માર્યો છે. નકસલવિરોધી અભિયાનમાં સુરક્ષા દળોની આ સૌથી મોટી સફળતા છે. સુરક્ષા દળોએ એક ગુપ્ત યોજના બનાવી અને તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. માધવી હિડમા ઘણાં વર્ષોથી માઓવાદી પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન નંબર ૧ નું નેતૃત્વ કરી રહ્યો હતો. આ બટાલિયન દંડકારણ્યમાં માઓવાદી સંગઠનનું સૌથી મજબૂત લશ્કરી એકમ છે, જે છત્તીસગઢના બસ્તર તેમજ આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ફેલાયેલું છે.
સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે છત્તીસગઢમાં ચાલી રહેલા એન્કાઉન્ટરને કારણે કેટલાક ટોચના માઓવાદી નેતાઓ આંધ્ર સરહદ પર હાજર હતા. માહિતી મળ્યા પછી આશરે ૩૪ કલાકની દેખરેખ બાદ સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન સવારે ૬ વાગ્યે શરૂ થયું. લગભગ ચાર કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર દરમિયાન બંને બાજુથી ભારે ગોળીબાર થયો હતો. ગોળીબાર બંધ થયા પછી સૈનિકોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે ખબર પડી કે એન્કાઉન્ટરમાં દક્ષિણ બસ્તરના કમાન્ડર માધવી હિડમાનું મોત થયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી માઓવાદી સમસ્યાને નાબૂદ કરવા માટે ૩૧ માર્ચ, ૨૦૨૬ ની સમયમર્યાદા નક્કી કરી છે. સુરક્ષા સમીક્ષા બેઠકમાં શાહે નકસલવિરોધી કામગીરીમાં સામેલ ટોચના સુરક્ષા અધિકારીઓને ૩૦ નવેમ્બર પહેલાં હિડમાને ખતમ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આ સમયમર્યાદાના ૧૨ દિવસ પહેલાં જ તે માર્યો ગયો હતો. નકસલવાદીઓ સામે ચાલી રહેલા અભિયાનને કારણે આવતા વર્ષે ગૃહમંત્રી દ્વારા નિર્ધારિત ૩૧મી માર્ચની સમયમર્યાદા પહેલાં ડાબેરી ઉગ્રવાદનો નાશ થવાની સંભાવના છે. ૧૯૮૧ માં સુકમામાં જન્મેલો હિડમા પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) ની બટાલિયનના કમાન્ડર અને માઓવાદી સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો. આ પ્રતિબંધિત સંગઠનમાં જોડાનાર તે બસ્તરનો એકમાત્ર આદિવાસી સભ્ય હોવાનું માનવામાં આવે છે.
તે ૨૬ થી વધુ મોટા નકસલવાદી હુમલાઓમાં સીધો સંડોવાયેલો જોવા મળ્યો હતો, જેના કારણે તેના માથે એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. હિડમાનો જન્મ ૧૯૮૧માં છત્તીસગઢના સુકમા જિલ્લાના પૂર્વવર્તી વિસ્તારમાં થયો હતો. નાની ઉંમરે જ તે માઓવાદી સંગઠનમાં જોડાયો અને કમાન્ડર બન્યો. ૨૦૧૩માં તે છત્તીસગઢમાં દરભા ખીણ હત્યાકાંડનો મુખ્ય કાવતરાખોર હતો, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત ૨૭ લોકો માર્યા ગયાં હતાં. તેણે ૨૦૧૭માં સુકમામાં CRPF પર થયેલા ઘાતક હુમલામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં ૨૫ સૈનિકો માર્યા ગયા હતા. આંધ્રપ્રદેશ પોલીસ અને વિશેષ દળોને તેની પ્રવૃત્તિઓ વિશે લાંબા સમયથી માહિતી મળી રહી હતી.
તાજેતરના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે જંગલને ઘેરી લઈને ઓપરેશન શરૂ કર્યું. ત્યાર બાદ થયેલા ગોળીબારમાં હિડમા અને તેની પત્ની માર્યા ગયાં હતાં. તેની પત્નીએ નકસલવાદી સંગઠનમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને અનેક કામગીરીમાં સક્રિય હતી. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે હિડમાના મૃત્યુથી માઓવાદી સંગઠનને મોટો ફટકો પડશે. તે માત્ર એક મુખ્ય રણનીતિકાર જ નહોતો પણ દક્ષિણ બસ્તરમાં સંગઠનની પકડ જાળવી રાખવામાં પણ તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
છત્તીસગઢના સુકમા જિલ્લાના પૂર્વવર્તી વિસ્તારમાં જન્મેલો આ છોકરો ગામના અન્ય છોકરાઓ જેવો જ હતો. એ ગામના ઓછામાં ઓછા બે ડઝન યુવાનો માઓવાદી સંગઠનમાં જોડાયા હતા. ગામડાંના રસ્તાઓ પર ઉછરેલો માધવી હિડમા એક એવા રસ્તે નીકળી પડ્યો જ્યાંથી પાછા ફરવાની શક્યતા ખૂબ જ ઓછી હતી. તે ટૂંક સમયમાં માઓવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિનો સભ્ય બન્યો હતો. હિડમા સાથે કામ કરનારા અને પછીથી આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ કહે છે કે તે બહુ ઓછું બોલનારો માણસ હતો. તે શાંત, છતાં અત્યંત સતર્ક અને જિજ્ઞાસુ હોવાનું કહેવાય છે.
તેને નવી નવી વસ્તુઓ શીખવાનો શોખ હતો. ગોંડી અને હલબી ભાષી હિડમાએ સાતમા ધોરણ સુધી શાળાનો અભ્યાસ કર્યો હતો, પછી તેણે વર્ષોની પ્રેક્ટિસ દ્વારા હિન્દી અને પછી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું. સૌથી ઉપર, સ્થાનિક હોવાને કારણે, તેના અનુભવ અને વ્યૂહરચનાએ તેને બીજા ડિગ્રીધારકો કરતાં ઘણો આગળ રાખ્યો હતો. કેટલાક નકસલીઓના મતે વર્ષ ૨૦૦૦ ની આસપાસ હિડમાને માઓવાદીઓ માટે શસ્ત્રો બનાવતી સંસ્થાની શાખામાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં જ હિડમાએ પોતાની સાચી પ્રતિભા બતાવવાનું શરૂ કર્યું હતું.
તેણે શસ્ત્રો બનાવવાની નવી રીતો શોધી કાઢી. તે બંદૂકો એસેમ્બલ અને રિપેર કરતો અને સ્થાનિક રીતે ગ્રેનેડ અને લોન્ચર મેળવતો હતો. શરૂઆતમાં હિડમા ફક્ત માઓવાદી સંગઠનનો એક સામાન્ય સભ્ય લાગતો હતો. એક સામાન્ય આદિવાસી છોકરો ધીમે ધીમે ટેક-સેવી ગેરિલા કમાન્ડરમાં પરિવર્તિત થઈ ગયો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ૨૦૦૧-૨૦૦૨ દરમિયાન તેને દક્ષિણ બસ્તર જિલ્લા પ્લાટૂનમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. પછી તે પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) ની સશસ્ત્ર ટુકડીમાં જોડાયો હતો.
એ સમય હતો જ્યારે બસ્તરનાં ગામડાંઓમાં સલવા જુડુમનું તોફાન ફેલાઈ રહ્યું હતું. માઓવાદીઓ સામે સરકારી રક્ષણ હેઠળ શરૂ કરાયેલા સલવા જુડુમ આંદોલનને કારણે અવિભાજિત દાંતેવાડાનાં ૬૪૪ ગામડાંઓ ખાલી કરાવવામાં આવ્યાં હતાં. માઓવાદીઓએ ઘણી વાર તેમના ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે સલવા જુડુમ સામે લોકોમાં બદલાની ભાવનાએ બસ્તરમાં માઓવાદી સંગઠનને નવું જીવન આપ્યું. ૧૯૯૦ના દાયકાના મધ્યમાં પોતાની તાકાત ગુમાવી રહેલું આ આંદોલન ફરી એક વાર જોર પકડવા લાગ્યું. એવું માનવામાં આવે છે કે આ તે સમય હતો જ્યારે હિડમા જેવા યુવાનોને સંગઠનમાં ઝડપથી આગળ વધવાની તકો મળી હતી. માર્ચ ૨૦૦૭માં ઉર્પલ મેટ્ટા વિસ્તારમાં થયેલા હુમલામાં ૨૪ CRPF જવાનો માર્યા ગયા હતા. આ હુમલો હિડમા દ્વારા કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે સામસામે લડાઈ ટાળતા માઓવાદીઓએ પહેલી વાર સામસામે લડાઈ શરૂ કરી હતી. હિડમાની ટીમે માઓવાદીઓને લેન્ડમાઈન્સની દુનિયામાંથી બહાર કાઢ્યા હતા અને બંદૂકો વડે સામસામે યુદ્ધ તરફ ધકેલી દીધા. ૨૦૦૮-૨૦૦૯ ની આસપાસ તેને પ્રથમ બટાલિયનના કમાન્ડર બનાવવામાં આવ્યો અને ૨૦૧૧ માં તે દંડકારણ્ય સ્પેશ્યલ ઝોન કમિટીનો સભ્ય બન્યો, જે માઓવાદી માળખામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારી હતી. હિડમાનું નામ ફક્ત સંગઠનાત્મક જવાબદારીઓ સુધી મર્યાદિત નહોતું. તેના પર ઓછામાં ઓછા ૨૬ મોટા સશસ્ત્ર હુમલાઓનો આરોપ છે, જેના કારણે છત્તીસગઢમાં વ્યાપક હિંસા અને મૃત્યુ થયાં.
એપ્રિલ ૨૦૧૦ માં તાડમેટલા હુમલામાં ૭૬ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. માર્ચ ૨૦૧૭ માં ૧૨ CRPF જવાનો શહીદ થયા હતા. છત્તીસગઢના પોલીસ અધિકારીઓના મતે આ બંને હુમલા પાછળ હિડમાનું મગજ કામ કરી રહ્યું હતું. આ કારણે સુરક્ષા એજન્સીઓની ફાઇલોમાં હિડમાનું નામ મોસ્ટ વોન્ટેડ બની ગયું હતું. એક જૂના માઓવાદીના મતે હિડમાની લડાઈશૈલી ખૂબ જ આક્રમક હતી. તેણે ઘણી જમીની લડાઈઓમાં ભાગ લીધો હતો. તે ક્યારેય પોતાનાં માણસોને યુદ્ધના મેદાનમાં એકલા છોડીને પાછળ હટ્યો નહીં, છતાં તે એટલો નસીબદાર હતો કે ઘણી લડાઈઓમાં સામેલ હોવા છતાં તેને નાની ઈજા પણ થઈ ન હતી.
એક તરફ તે CRPF અને પોલીસ દ્વારા વોન્ટેડ હતો અને બીજી તરફ તે માઓવાદીઓમાં સૌથી લોકપ્રિય ચહેરો હતો. નિરક્ષરતા અને ગરીબીને કારણે માઓવાદીઓ યુવાનોને ઉશ્કેરતા હતા અને આ ઉશ્કેરણીમાં હિડમાને એક રોલ મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. હિડમાની હત્યા સુરક્ષા એજન્સીઓ માટે એક મોટી સફળતા છે, પરંતુ બસ્તરનાં ગામોના ધૂળિયા રસ્તાઓ પર આ સમાચાર ફક્ત માઓવાદી કમાન્ડરની હત્યાના સામાચાર નથી પણ તે એક યુગનો અંત દર્શાવે છે. સરકારની દૃષ્ટિએ માધવી હિડમા ફક્ત વોન્ટેડ માઓવાદી કમાન્ડર હતો, પરંતુ બસ્તરમાં તે હંમેશા માટે લોકોનો હીરો બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.