રૂદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ પાસે રંટોલી ખાતે બદ્રીનાથ હાઈવે પર મુસાફરોને લઈ જતો એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડ્યો હતો. આ અકસ્માતમાં 14 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાની આશંકા છે. 7 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જો કે, હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
આ ઘટનાની જાણકારી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના રુદ્રપ્રયાગ પહેલા બની હતી. અહીં વાહન સીધું ઊંડી ખાઈમાં પડ્યા બાદ અલકનંદા નદીમાં ખાબક્યું હતું. વાહન નીચે પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજુબાજુના લોકોએ જ્યારે તેની જાણ કરી તો તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
જે વાહનને અકસ્માત થયો તે દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહ્યું હતું. આ લોકો દિલ્હીથી ચોપટા તુંગનાથ જઈ રહ્યા હતા. આ કારમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. આશંકા છે કે આ ઘટનામાં ઘણા લોકોના મોત થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
ઘટના અંગે રુદ્રપ્રયાગના એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે, રુદ્રપ્રયાગના રંટોલી પાસે હાઈવે પરથી એક ટેમ્પો ટ્રાવેલર ખાઈમાં પડી જવાની માહિતી મળી છે. માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. હાલમાં સ્થાનિક લોકો, જિલ્લા પોલીસ, એસડીઆરએફ, ફાયર સર્વિસ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વોટર પોલીસ દ્વારા સંયુક્ત રીતે બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું- રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માત અંગે દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે.
સીએમ ધામીએ આગળ લખ્યું – ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.