નવી દિલ્હી: દિવાળી પછી દેશના અનેક રાજ્યોમાં બટરની (Butter) અછત વર્તાય રહી છે. ડેરી કંપનીઓ પાસે બટરની અછત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળીના તહેવાર દરમિયાન દૂધનો વપરાશ વધવાને કારણે ડેરી કંપનીઓ મોટા પાયે બટર તૈયાર કરી શકી નથી. બીજી તરફ પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ રોગના કારણે દૂધના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના કારણે બટરના ઉત્પાદનને અસર થઈ છે. લોકોને દુકાનો પર બટર મળતું નથી અને તેના કારણે ડેરી કંપનીઓના ધંધા પર પણ અસર પડી રહી છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બટરનો વપરાશ ઓછો રહે છે. પરંતુ શિયાળામાં તેનો ઉપયોગ વધી જાય છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં અછત
એક અહેવાલ અનુસાર, ઘણા રાજ્યોમાં સુપરમાર્કેટ, ગ્રોસરી સ્ટોર્સ અને ડિલિવરી એપ્સે ‘અમૂલ’ બ્રાન્ડના બટરના સપ્લાયમાં ઘટાડો દર્શાવ્યો છે. માખણની અછત સૌથી વધુ દિલ્હી, પંજાબ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં 35થી 50 ટકા માખણની અછત છે. દિલ્હીના વિક્રેતાઓનું કહેવું છે કે અમૂલ બ્રાન્ડના બટરનો પુરવઠો થોડા અઠવાડિયાથી બજારમાં નથી પહોંચી રહ્યો. જેના કારણે લોકોને માખણ મળતું નથી.
જેના કારણે અછત વધી છે
બટરની અછતની પુષ્ટિ કરતા, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ કહ્યું કે ‘કદાચ દિવાળીના તહેવાર દરમિયાન વધુ માંગને કારણે આ સ્થિતિ ઊભી થઈ હોય. તેમણે કહ્યું કે પુરવઠો હવે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે હાલમાં અમૂલમાં બટરનું ઉત્પાદન સામાન્ય કરતાં વધુ છે. બજારમાં અમૂલ બટરનો પુરવઠો અને ઉપલબ્ધતા 4-5 દિવસમાં સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે.
લખનઉમાં બટરનો વપરાશ
અહેવાલો અનુસાર, લખનઉ ડિવિઝનમાં દરરોજ 30 ટન બટરનો વપરાશ થાય છે. પરંતુ દિવાળી બાદ રોજનું માત્ર 20 ટન બટર સપ્લાય થઈ રહ્યું છે. પશુઓમાં લમ્પી વાયરસના ફેલાવાથી દૂધ ઉત્પાદનને અસર થઈ હતી. જેના કારણે પણ બટરની અછત હોવાની ચર્ચા રહ્યું છે. યુઝર્સે ટ્વિટર પર બટરની કમીનો પણ ઉલ્લેખ કર્યો છે.
ભારત દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે
ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. સરકારી આંકડા મુજબ ભારતમાં વર્ષ 2018-19માં 188 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું. 2019-20માં 198 ટન દૂધનું ઉત્પાદન થયું હતું. જોકે, 2020-21માં કોરોના રોગચાળાને કારણે દૂધના ઉત્પાદન પર પણ અસર પડી હતી.