સુરત શહેર પણ હવા પ્રદૂષણના મામલે દિલ્હીને ટપારી આગળ નીકળી જાય તો નવાઇ નહીં. કારણ કે, ગયા સપ્તાહમાં પ્રદૂષણ ઓકતાં જીપીસીબીની અડફેટે ચઢેલી પાંડેસરા જીઆઇડીસીની પારસ પ્રિન્ટ્સ અને ભાગ્યલક્ષ્મી ડાઇંગ મિલમાંથી ઘણી ગેરરીતિ બહાર આવી શકે તેમ છે. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં સાંજે અને વહેલી સવારે કેટલીક મિલોની ચીમનીઓમાંથી ખુલ્લેઆમ કાળો ધુમાડો છોડવામાં આવી રહ્યો છે.
સુરત શહેરમાંથી રોજબરોજ પ્રદૂષણની સમસ્યા વકરી રહી છે. તાજેતરમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પાંડેસરા જીઆઇડીસીની પારસ પ્રિન્ટ્સ તેમજ ભાગ્યલક્ષ્મી ડાઇંગ મિલમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસનો રિપોર્ટ આજ સુધી જાહેર કરાયો નથી. તપાસ દરમિયાન જીપીસીની ટીમે સ્થળ ઉપર બળતણનો જ્યાં સ્ટોક રખાતો હતો. એ સ્થળ તેમજ ચીમનીમાંથી વછૂટતા ધુમાડાનાં સેમ્પલ લીધાં હતાં. જેના પગલે આ મિલમાલિકોના હાંજા ગગડી ગયા છે.
જીઆઇડીસી એરિયાનાં સૂત્રોનું માનીએ તો પાંડસેરા જીઆઇડીસીમાં ચીંધીનો બળતણ તરીકે વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે. પાંડેસરામાં પારસ અને ભાગ્યલક્ષ્મી ડાઇંગ સામે પણ બળતણમાં ચીંધી વાપરવાની રાવ હતી. જેના પગલે જીપીસીબી દોડતી થઇ ગઈ હતી. પાંડેસરા વિસ્તારમાં સસ્તી ચીંધીના વેપારીઓની સંખ્યા પણ વધી છે. પાંડેસરામાં બબલુ નામના એક વેપારી દ્વારા ખુલ્લેઆમ ચીંધીનો વેપાર કરવામાં આવે છે. કહે છે કે તેને મસમોટુ ગોડાઉન પણ બનાવી દીધું છે. જેમાંથી પાંડેસરાની કેટલીક મિલોમાં તે ચીંધી આપી શહેરવાસીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે.
પાંડેસરા જીઆઇડીસી એરિયામાં જે રીતે ચીંધીનો બળતણ તરીકે વપરાશ વધી રહ્યો છે. તે જોતાં અનેક એકમોમાં મોટાપાયે ગરબડી હોવાની શક્યતા નકારી શકાય નહીં. પાંડેસરા અને સચિન જીઆઇડીસી વિસ્તારમાં સેંકડો એકમો વગર પરવાનગીએ પણ ચાલતાં હોય તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં. આગામી દિવસોમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાંડેસરાની ભાગ્યલક્ષ્મી અને પારસ પ્રિન્ટ્સમાં શું તપાસ કરી છે તેનો અહેવાલ જાહેર કરશે. પછી ઘણી મિલો શંકાના દાયરામાં આવશે.
કેમ કે, રોજ સવાર અને સાંજ આ સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણની રામાયણ છે. પાંડેસરા જીઆડીસી નજીકના હાઉસિંગ એરિયા તેમજ આસપાસનાં ગામોમાં પણ કાળી મેશની ફરિયાદ છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તરફથી શહેરની આટલી ભયાનક હાલત છતાં કોઇ ચોક્કસ કાર્યવાહી હાથ નહીં ધરાતાં સુરત શહેરવાસીઓના જીવના માથે સંકટ ઊભું થયું છે.
સચિન જીઆઈડીસીની પ્રદૂષણ બાબતે સૌથી બદતર સ્થિતિ
સચિનથી ગભેણી ચોકડી સુધીના રસ્તામાં બપોરથી લઈ વહેલી સવાર સુધી જો એક આંટો મારશો તો તમને 100 મીટરથી વધારે વિઝિબિલિટી નહીં મળશે. હિલ સ્ટેશન ઉપર આ પ્રકારનું વાતાવરણ ધુમ્મસ હોય છે. પરંતુ સચિન જીઆઈડીસીમાં આ વાતાવરણ પ્રદૂષણ છે. જે એટલું હાનિકારક છે, જેની કલ્પના પણ કરી શકાય નહીં. છેલ્લા એકાદ મહિનાથી તો 24 કલાક આ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. આટલી ખરાબ સ્થિતિ છતાં જીપીસીબીને ક્યાંય પણ પ્રદૂષણ દેખાઈ રહ્યું નથી. અને માત્ર તપાસનું નાટક કરી કરી શૂન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જીપીસીબી કચેરીનું પણ ભેદી મૌન
સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસી, કડોદરા જીઆઈડીસીમાં પ્રદૂષણના પાપનો ઘડો હવે ઊભરાઈ રહ્યો છે. સ્થાનિક લોકો કાળી ઊડતી મેશથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. કેટલીક સંસ્થાઓ દ્વારા સ્થાનિક જીઆઈડીસીથી લઈ ગાંધીનગર સુધી ફરિયાદો કરી છે. પરંતુ પ્રદૂષણ ફેલાવતા આવા ઉદ્યોગો સમયાંતરે પ્રસાદ પૂરો પાડતા હોવાથી તંત્ર જાણે તેમના ઘૂંટણીએ પડી રહ્યું છે. સ્થાનિક કચેરી ઉપર તો લોકોને ભરોસો રહ્યો નથી. પણ ગાંધીનગર કચેરીનું ભેદી મૌન પણ ઘણું બધું સૂચવી જાય છે