પેલી ‘અંધેરી નગરી ને ગંડુ રાજા’વાળી કથા યાદ છે? તેમાં ગંડુ રાજા સાચા ચોરને પકડી ન શક્યો ત્યારે ભિક્ષા લેવા નીકળેલા હટ્ઠાકટ્ઠા બ્રાહ્મણને પકડીને શૂળી પર ચડાવી દેવામાં આવ્યો હતો, કારણ કે તે શૂળી પર શોભે તેવો હતો. પહેલગામમાં આતંકવાદી હુમલો અને તેના પ્રત્યાઘાત સ્વરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં પણ ગંડુ રાજા જેવો ઘાટ ઘડાયો છે. કાશ્મીર જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં જ્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં એકઠાં થવાનાં હોય ત્યાં આતંકવાદી હુમલો થવાનો છે, તેવી આપણા ગુપ્તચર તંત્રને કોઈ બાતમી જ નહોતી મળી તે જેવી તેવી ભૂલ ન ગણાય. આ મુદ્દા પર તો ભારતના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે રાજીનામું આપવું પડે તેવી ગંભીર તે ભૂલ હતી.
બીજી ભૂલ એ હતી કે પહેલગામ નજીકની બૈસરણ ખીણમાં ૨૨ એપ્રિલના રોજ બે હજાર જેટલાં પર્યટકો ભેગાં થયાં હતાં, પણ ત્યાં સોગંદ ખાવા પૂરતો એક પણ સુરક્ષા કર્મચારી હાજર નહોતો. આ કારણે આતંકવાદીઓ ત્યાં સહેલાઈથી આવ્યા, તેમણે લોકોનો ધર્મ પૂછ્યો, હત્યાઓ કરી અને કોઈ પણ જાતની રોકટોક વગર તેઓ સહીસલામત પાછા પણ ચાલ્યા ગયા હતા. તેમની આ કાર્યવાહી ૪૦ મિનિટ ચાલી ત્યાં સુધી કોઈ સુરક્ષા ટુકડી ત્યાં પહોંચી નહોતી અને ત્રીજી મોટી ખામી એ કે આ હુમલાને નવ દિવસ થયા પછી પણ આ આતંકવાદીઓને પકડી લેવામાં સરકારને કોઈ સફળતા મળી નથી. જો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોય તો તેઓ સરહદ પાર કર્યા પછી આશરે ૩૦૦ કિ.મી. મુસાફરી કરીને આવ્યા હશે.
કાશ્મીર ખીણમાં આટલું બધું અંતર કાપતાં તેમણે અનેક ચોકીઓ વટાવી હશે. શસ્ત્રોના આટલા જંગી જથ્થા સાથે તેઓ ચોકીઓ કેવી રીતે વટાવી શક્યા હશે? તેઓ ક્યા રસ્તે આવ્યા હશે? ક્યા રસ્તે પાછા ગયા હશે? રાતના ક્યાં રોકાયા હશે? તેમને સ્થાનિક સ્તરે કોનો સાથ મળ્યો હશે? આ બધી બાબતોમાં પણ આપણી સુરક્ષા સંસ્થાઓ અંધારામાં આથડી રહી છે. પહેલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓ કે કાશ્મીરમાં ઘૂસી ગયેલા આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયેલી આપણી સરકાર હવે કથિત પાકિસ્તાની અને બાંગ્લા દેશી નાગરિકો સામે કાર્યવાહી કરીને બહાદુરીનું પ્રદર્શન કરી રહી છે.
પહેલગામ હુમલા પછી અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ તથાકથિત વિદેશી નાગરિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં મુખ્ય નિશાન ભારતમાં દાયકાઓથી ગેરકાયદે વસવાટ કરતાં ગરીબ બાંગ્લા દેશી નાગરિકોને બનાવવામાં આવી રહ્યાં છે. સરકારનું નિશાન ભલે બાંગ્લા દેશી મુસ્લિમો કે પાકિસ્તાની મુસ્લિમો હોય; પણ તેમાં બંગાળી મુસ્લિમો કે ભારતના અન્ય પ્રાંતોના મુસ્લિમો પણ હેરાન થઈ રહ્યાં છે.
ગુજરાત સરકારે છેલ્લા ચાર દિવસમાં ૧,૨૦૦ થી ૧,૫૦૦ લોકોને પકડ્યાં છે પણ તેમાંથી ૯૦ ટકા લોકોને છોડી દીધાં છે, કારણ કે તેઓ ભારતનાં મુસ્લિમ નાગરિકો છે. છોડી દેવામાં આવેલાં આ ૯૦ ટકા મુસ્લિમ નાગરિકો સાથે પણ તેઓ ગુનેગાર હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું. હવે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલાં તેમનાં મકાનો તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ મકાનો ગેરકાયદેસર હોવાનું કહીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાંક મકાનોમાં તો લોકો ત્રણ-ચાર દાયકાથી રહેતાં હતાં. જો આ મકાનો ગેરકાયદે હતાં તો તેમની પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં નહોતી આવી? શું આ મકાનોમાં રહેતાં લોકો આતંકવાદીઓ સાથે સંકળાયેલાં છે?
આ વિસ્તારમાં રહેતાં કેટલાંક લોકોએ આ તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે સરકારને કહ્યું છે કે જો ભારતીય નાગરિકતા ધરાવતા લોકો સરકારને વિનંતી કરે તો તેમને ઘર આપવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. ચંડોળા તળાવના તોડકામે ગુજરાત મોડેલની પોલ ખોલી કાઢી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતાં ગરીબ ભારતીય નાગરિકોને સ્વતંત્રતાનાં ૭૮ વર્ષ પછી પણ પાકાં મકાનો આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.
હવે અચાનક તેમને બાંગ્લા દેશી ઠરાવીને તેમને વૈકલ્પિક રહેઠાણ આપ્યા વિના તેમનાં માથાં ઉપરનું છાપરું ઝૂંટવી લેવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરતમાં સ્થાનિક પોલીસે શનિવારે સવારે ૫૦૦ થી વધુ લોકોની અટકાયત કરી હતી, જેમાં કથિત બાંગ્લા દેશીઓનો પણ સમાવેશ થાય છે, જેમના પર પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો આક્ષેપ કર્યો હતો. તેમાંનાં કેટલાં બાંગ્લા દેશી છે અને કેટલાં બંગાળનાં મુસ્લિમ છે, તેની પોલીસને પણ ખબર નથી. અમદાવાદમાં સિયાસતનગરનાં ૨૬ પરિવારો ૪૦ વર્ષથી ગુજરાતમાં ચંડોળા તળાવ પાસે રહે છે.
તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જો અમે તળાવ કિનારે ગેરકાયદેસર રીતે રહેતાં હોઈએ તો પણ અમને નોટિસ આપવી જોઈએ અને વાજબી સમયગાળા પછી અમારાં મકાનો તોડી પાડવાં જોઈએ. અમને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. આ અરજી પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. જે ભારતીય મુસ્લિમો પોલીસના ડરના કારણે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ભાગી ગયાં છે, તેમનાં બંધ ઘરોને પણ તોડી પાડવામાં આવી રહ્યાં છે.
અમદાવાદમાં પોલીસે અચાનક રાત્રે શાહઆલમ, ચંડોળા તળાવ, નરોડા વગેરે વિસ્તારોમાં કૂચ કરી અને સવાર પડતાં પહેલાં કથિત બાંગ્લા દેશી અને વિદેશી શંકાસ્પદોની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અટકાયત કરાયેલાં લોકોને પહેલાં અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ફૂટબોલ મેદાનમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી તેમને જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી સ્થિત ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં લઈ જવામાં આવ્યાં.
સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યા સુધી તેમને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યાં હતાં અને પછી તેમને પૂછપરછ માટે કતારમાં ઓફિસ લઈ જવામાં આવ્યાં હતાં. આ દરમિયાન, અટકાયતીઓનાં સંબંધીઓ મોટી સંખ્યામાં ક્રાઈમ બ્રાન્ચના મુખ્ય દરવાજાની બહાર એકઠાં થયાં હતાં. કેટલીક સ્ત્રીઓ પોતાનાં નાનાં બાળકોને પણ સાથે લાવી હતી. ૨૬ એપ્રિલના રોજ બપોરે લગભગ ૧ વાગ્યે જ્યારે પોલીસ કેટલાંક કેદીઓને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસથી વાહનમાં બીજી જગ્યાએ લઈ જઈ રહી હતી, ત્યારે ગેટની બહાર બેઠેલાં સંબંધીઓ રડવા લાગ્યાં હતાં. મહિલાઓ રસ્તા પર બેસીને રસ્તો રોકી રહી હતી. તેમને દૂર કરવા માટે પોલીસે ખૂબ જ મહેનત કરવી પડી હતી. કેટલીક મહિલાઓએ મહિલા પોલીસ અધિકારીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી.
આ ઝુંબેશમાં સૂકાં ભેગું લીલું પણ બળી જાય છે. ઝૈબુન્નિસા ફરઝાનાના ઘરે લગ્નમાં હાજરી આપવા આવી હતી. તેણે કહ્યું કે અમે મહારાષ્ટ્રના અકોલાથી એક લગ્નમાં હાજરી આપવા આવ્યાં હતાં. અમારા ઘરે લગ્નનો વરઘોડો આવ્યો હતો. અમારું ઘર ખૂબ નાનું છે, તેથી અમે લગ્નની પાર્ટીને ચંડોલા વિસ્તારમાં એક સંબંધીના ઘરે મોકલી હતી. પોલીસ તેમને બાંગ્લા દેશી સમજીને ત્યાંથી પકડી ગઈ છે. મારા દીકરા અને સાળાને પોલીસ લઈ ગઈ છે. અમારી પાસે તેમના જન્મનાં પ્રમાણપત્રો અને આધાર કાર્ડ છે. અમે મારા ભાઈનું જન્મ પ્રમાણપત્ર અને અન્ય સરકારી દસ્તાવેજો બતાવ્યા, ત્યારે છેક રાત્રે ૧૦.૩૦ વાગ્યે તેમને છોડી દેવામાં આવ્યા હતા.
અલમરા પઠાણ નામની એક મહિલાની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. તેણે કહ્યું કે હું વટવામાં સૈયદવાડી મોહમ્મદી મસ્જિદ પાસે રહું છું. અમે છેલ્લાં ૨૩ વર્ષથી અમદાવાદમાં રહીએ છીએ. મારા દીકરા રિયાઝના સસરાનું ઘર ચંડોળા તળાવ પાસે છે. તે રાત્રે તે તેના સસરાના ઘરે રોકાયો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસ મારી વહુને પણ લઈ ગઈ છે. અમારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર કાર્ડ, પાન કાર્ડ, વીજળી બિલ વગેરે બધા દસ્તાવેજો છે. પોલીસે મને કહ્યું કે આધાર પ્રૂફ લાવો, પછી અમે તમારા દીકરા અને વહુને છોડી દઈશું. હું સવારે ૧૦ વાગ્યાથી દસ્તાવેજો લઈને ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની બહાર ફરતી હતી, પછી આખરે તેમને રાત્રે ૧૦ વાગ્યે છોડી દેવામાં આવ્યાં. અમે બાંગ્લા દેશથી આવ્યાં નથી કે ગુનેગાર નથી. તેમ છતાં મને સમજાતું નથી કે મારા દીકરા અને પુત્રવધૂની ધરપકડ કેમ કરવામાં આવી?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.