વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વિવાદ મામલે બંને દેશોની સરહદ પર સ્થિતિ બગડવાની આશંકા છે. એક તરફ રશિયન સેનાના ટ્રક યુક્રેન તરફ કૂચ કરવાના સમાચાર છે તો બીજી તરફ રાષ્ટ્રપતિ બિડેને સ્પષ્ટ કર્યું છે કે તેઓ નાટો બાલ્ટિક દેશોની મદદ માટે સેના મોકલી રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, રશિયન સેનાના 100થી વધુ ટ્રકનો કાફલો યુક્રેનની સરહદ તરફ જતો જોવા મળ્યો છે. રોયટર્સે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી આ સમાચાર આપ્યા છે. રોયટર્સ અનુસાર, બેલગોરોડ વિસ્તારમાં એક રશિયન સૈન્ય કાફલો યુક્રેનની સરહદ તરફ આગળ વધતો જોવા મળ્યો હતો. રશિયન સૈનિકો યુક્રેનની સરહદ તરફ આગળ વધવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનમાં સૈનિકો મોકલવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે અમે હજુ સુધી યુક્રેનમાં સૈનિકો મોકલવાનો આદેશ આપ્યો નથી. પુતિને કહ્યું છે કે પરિસ્થિતિને જોતા સૈનિકોની તૈનાતી અંગે નિર્ણય લેવામાં આવશે. સેનાની તૈનાતી કરાર મુજબ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેન સાથેના વિવાદને ઉકેલી શકાય છે જો યુક્રેન નાટોમાં સામેલ ન થાય.
અમેરિકી પ્રમુખ જો બાઇડને આજે એક વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન દ્વારા સ્વતંત્ર જાહેર કરાયેલા યુક્રેઇનનાં ભાગો માટે વ્યાપાર અને રોકાણ અવરોધવાનો આદેશ છે. વ્હાઇટ હાઉસ, કે જેણે રશિયન પગલાંઓને રશિયાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓના ચોખ્ખા ભંગ તરીકે ગણાવ્યા હતા, તેણે જણાવ્યું હતું કે આર્થિક પ્રતિબંધો પણ હવે આવવાની તૈયારીમાં છે. આ પગલું એના પછી આવ્યું છે જ્યારે પુટીને યુક્રેઇનમાંના રશિયા તરફી અલગતાવાદીઓના કબજા હેઠળના બે ભાગોને સ્વતંત્રક દેશ તરીકે માન્યતા આપીને યુક્રેઇનીયન કટોકટી વધુ વણસાવી છે. રશિયા તરફથી આ પ્રકારનું પગલું આવશે એની અમે આગાહી કરી જ હતી અને તેનો તત્કાળ પ્રતિભાવ આપવા તૈયાર છીએ એમ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ જણાવ્યું હતું.
બાઇડન દ્વારા જેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તે વટહુકમ યુક્રેઇનના કથિત ડીએનઆર અને એલએનઆર પ્રદેશો સાથે, માં અને તરફથી નવા રોકાણ, વ્યાપાર અને ધિરાણ પર મનાઇ મૂકે છે એમ તેમણે જણાવ્યું હતું. આ આદેશ યુક્રેઇનના આ વિસ્તારોમાં કામગીરી કરવા માગતી કોઇ પણ વ્યક્તિ પર પ્રતિબંધો લાદવાની પણ જોગવાઇ ધરાવે છે. સ્પષ્ટતા માટે કહેવામાં આવે છે કે આ પગલાંઓ ઝડપી અને તીવ્ર આર્થિક પગલાંઓ કરતા અલાયદા છે જે પગલાઓની અમે જો રશિયા યુક્રેઇનમાં વધુ આક્રમણ કરશે તો લાદવા માટે અમારા સાથીદારો અને ભાગીદારો સાથે સંકલનમાં તૈયારી કરી રહ્યા છીએ એમ તેમણે જણાવતા વધુમાં કહ્યું હતું કે અમેરિકા યુક્રેઇન સહિતના પોતાના સાથીઓ અને ભાગીદારો સાથે આગામી પગલાંઓ સાથે ગાઢ સલાહ મસલત કરી રહ્યું છે. બીજી બાજુ એક સંયુક્ત નિવેદનમાં અમેરિકી સંસદની વિદેશી બાબતોની સમિતિ અને સશસ્ત્ર સેવાઓને લગતી સમિતિના રિપબ્લિકન વડાઓએ રશિયા પર સખત પગલાઓની માગ કરી છે અને હાલના પગલાંઓને માત્ર પ્રતિકાત્મક પગલાંઓ ગણાવ્યા છે જ્યારે કે રશિયાએ જેને સ્વતંત્ર જાહેર કર્યા છે દોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશોમાં પુટિન શાંતિરક્ષકના નામે પોતાના દળો મોકલી રહ્યા છે.
યુરોપિયન યુનિયનના પણ રશિયા પર આર્થિક પ્રતિબંધો
યુરોપિયન યુનિયનના 27 સભ્યો રશિયન અધિકારીઓને નિશાન બનાવતા પ્રારંભિક પ્રતિબંધો પર એકમત થયા હતાં, એમ ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન-યુવ્સ લે ડ્રીઆનેન્સે કહ્યું હતું. યુક્રેન મુદ્દે રશિયા પર આ પ્રતિબંધો લગાવવામાં આવશે. યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના પ્રમુક જોસેફ બોર્રેલે કહ્યું હતું કે આ પ્રતિબંધોના પેકેજને મંગળવારે મંજૂરી અપાઈ હતી, ‘અમે રશિયાને નુકસાન પહોંચાડીશું અને તેનાથી તેને મોટું નુકસાન થશે.’ જોસેફે કહ્યં હતું આ પ્રતિબંધોની અસર રશિયાના નીચલા ગૃહના સભ્યો અને અન્ય વ્યક્તિઓ પર પડશે જેઓ અલગતાવાદી પ્રદેશશોમાં રશિયાના જવાનોની તૈનાતીમાં સામેલ હતાં. તેમણે કહ્યું હતું આ પ્રતિબંધો રશિયાની નાણાકીય નીતિ પર અસર નાંખશે તેમાં રશિયાને યુરોપિયન યુનિયનના બજારોમાં પ્રવેશને મર્યાદીત કરશે. ‘હજી વાર્તા સમાપ્ત નથી થઈ’, એમ બોર્રેલે યુક્રેનમાં રશિયાની કાર્યવાહી પર કહ્યું હતું
અમેરિકાના 5 રશિયન બેંકો અને ૩ ધનકુબેરો પર પ્રતિબંધો
યુકે સરકારે આજે પાંચ રશિયન બેન્કો અને રશિયાના ત્રણ અતિ-ધનિક અબજપતિઓ પર યુક્રેનિયન સરહદે પુટિનના આક્રમક પગલાઓ અંગે કડક પ્રતિબંધો લાદી દીધાં છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસને સંસદની આમસભાને જણાવ્યું હતું કે રશિયન દળો યુક્રેઇનના બે અલગતાવાદી પ્રદેશોમાં પ્રવેશ્યા તેના જવાબમાં પગલાઓનો આ પ્રથમ હપ્તો છે. જેમના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તે બેંકોમાં રોસ્સીયા, આઇએસ બેન્ક, જનરલ બેન્ક, પ્રોમસ્વાયાઝબેન્ક અનેક બ્લેક સી બેન્કનો સમાવેશ થાય છે, આ ઉપરાંત અબજપતિઓ ગેનેડી ટિમચેન્કો, બોરિસ રોટેનબર્ગ અને ઇગોર રોટેનબર્ગનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખૂબ ઉંચી નેટ વર્થ ધરાવતા લોકો છે અને ત્રણેય પુટિન સાથેના તેમના સંબંધો બદલ અનેક વર્ષોથી અમેરિકાના પ્રતિબંધોની યાદીમાં રહ્યા છે. યુકેમાં તેઓ જે પણ મિલકતો ધરાવતા હોય તે ફ્રીઝ કરી દેવામાં આવશે. લાગતા વળગતા લોકોને અહીં પ્રવાસ કરવાની મનાઇ ફરમાવવામાં આવશે અને અમે યુકેના વ્યક્તિઓ અને સંસ્થાઓને તેમની સાથે કોઇ પણ વ્યવહાર કરવાની મનાઇ કરીશું એમ જહોનસને સંસદને જણાવ્યું હતું. અમે જે કરવા માટે તૈયાર છીએ તેનો આ પ્રથમ હપ્તો છે. જો સ્થિતિ વધુ વણસશે તો અમે અમેરિકા તથા યુરોપિયન યુનિયનની સાથે મળીને વધુ પ્રતિબંધો લાદવા માટે તૈયાર છીએ એ મુજબ તેમણે કહ્યું હતું. રશિયાએ યુક્રેઇનના બે પ્રદેશો દોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશો તરીકે જાહેર કર્યા તેને જહોનસને મિન્સ્ક શાંતિ કરારના ભંગ તરીકે ગણાવ્યા હતા.
જર્મનીનો નોર્ડ સ્ટ્રીમ – ૨ ગેસ પાઈપલાઈન પર પ્રતિબંધ
જર્મનીએ રશિયામાંથી આવતી ગેસ પાઈપલાઈન નોર્ડ સ્ટ્રીમ-2નું પ્રમાણીકરણની પ્રક્રિયાને અટકાવી હતી, એમ ચાંસલર ઓલાફ સ્કોલ્ઝે મંગળવારે કહ્યું હતું. યુક્રેન કટોકટી પર પશ્ચિમી દેશોએ મોસ્કો વિરૂદ્ધ પગલાં લેવાના શરૂ કર્યા છે. આ નિર્ણયની મોસ્કોએ ટીકા કરી હતી, જર્મન સરકાર માટે આ નોંધનીય પગલું છે. સ્કોલ્ઝે કહ્યું હતું કે રશિયા પ્રમુખ વ્લાદીમીર પુતિને પૂર્વી યુક્રેનમાં બે અલગતાવાદી ક્ષેત્રોની સ્વતંત્રતાને માન્યતા આપી તેના જવાબમાં તેમની સરકારે આ નિર્ણય લીધો હતો. ‘હવે આ આંતરરાષ્ટ્રીય સમુદાયની ઉપર છે કે રશિયા દ્વારા આ એક તરફી અને અન્યાયી પગલા પર પ્રતિક્રિયા આપે’, એમ તેમણે પત્રકારોને બર્લિનમાં કહ્યું હતું. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ‘મોસ્કોને સ્પષ્ટ સંદેશ આપવો જરૂરી છે કે આ પ્રકારના પગલાંઓના પરિણામ આવે જ છે.’ અમેરીકા અને અમુક યુરોપિયન દેશો દ્વારા આમ કરવા માટેના દબાણ હોવા છતાં અત્યાર સુધી બર્લિન આ પ્રોજેક્ટને અટકાવવાનો વિરોધ કરી રહ્યું હતું. સ્કોલ્ઝના પૂર્વવતી એન્જેલા મર્કેલે આ પ્રોજેક્ટનો બચાવ કર્યો હતો.
નોર્ડ સ્ટ્રીમ 2 શું છે?
નોર્ડ સ્ટ્રીમ 2 એ 750-માઇલ, $10 બિલિયનની કુદરતી ગેસ પાઈપલાઈન છે જે બાલ્ટિક સમુદ્રની નીચે રશિયાથી જર્મની સુધી જાય છે, જેનું નિર્માણ ગયા વર્ષે જ પૂર્ણ થયું હતું – મતલબ કે ગેસ પમ્પિંગ શરૂ કરવા માટે તેને માત્ર જર્મનીની મંજૂરીની જરૂર છે. અમેરિકાએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો, વોશિંગ્ટન વર્ષોથી એવી દલીલ કરી રહ્યું હતું કે રશિયાથી જર્મની સુધી કુદરતી ગેસ લાવતી બીજી પાઈપલાઈન બાંધવાથી, ખાસ કરીને યુક્રેનથી થઈને આવતી પાઈપલાઈન બાંધવાથી રશિયન ઊર્જા પુરવઠા પર યુરોપની નિર્ભરતામાં વધારો થશે. પરંતુ યુરોપ માટે, અને ખાસ કરીને જર્મની માટે, જેની અર્થવ્યવસ્થા મોટાભાગે અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર છે, પાઇપને મૂલ્યવાન સંસાધન તરીકે જોવામાં આવે છે – જે રશિયન ભૂમિ હેઠળ આવેલા સસ્તા ગેસના વિશાળ ક્ષેત્રોમાં પ્રવેશ પ્રદાન કરે છે.
અમેરિકા બાદ કેનેડાએ પણ લગાવ્યા પ્રતિબંધો
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રશિયા પર આર્થિક પ્રતિબંધોના પ્રથમ રાઉન્ડની જાહેરાત કરી હતી જ્યારે મોસ્કોએ યુક્રેનના અલગતાવાદી વિસ્તારો ડોનેટ્સક અને લુહાન્સ્કને સ્વતંત્ર તરીકે માન્યતા આપી હતી.