વિશ્વમાં દર વર્ષે કયા દેશો કેટલા શસ્ત્રોની ખરીદી અને વેચાણ કરે છે તેના આંકડાઓ મેળવીને અહેવાલ તૈયાર કરતી સિપ્રી નામની એક શાંતિવાદી સંસ્થાનો આ વર્ષનો અહેવાલ એક ચોંકાવનારી વિગત રજૂ કરી ગયો અને તે એ કે છેલ્લા ચાર વર્ષમાં ભારત જેવા મોટા આયાતકાર દેશ નહીં કે સાઉદી અરેબિયા જેવા તેલ સમૃદ્ધ દેશ નહીં પણ પરાણે યુદ્ધમાં રોકાયેલ યુક્રેન દેશ વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ બની ગયો છે.
યુક્રેન, કે જે લાંબા સમયથી રશિયા સાથે સંઘર્ષમાં રોકાયેલું છે તે ૨૦૨૦થી ૨૪ દરમ્યાન વિશ્વનું સૌથી મોટું શસ્ત્ર આયાતકાર રહ્યું છે અને ૨૦૧૫થી ૧૯ના ગાળા કરતા આ ગાળામાં તેની શસ્ત્ર આયાતોમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે એમ આ નવો વૈશ્વિક અહેવાલ જણાવે છે. સમીક્ષાના આ જ સમયગાળા હેઠળ ભારત એ વિશ્વના બીજા ક્રમનું સૌથી મોટું શસ્ત્ર આયાતકાર રહ્યું છે, જેની આયાતો ચીન અને પાકિસ્તાન – બંને તરફથી પ્રવર્તતા ખતરાનું પ્રતિબિંબ પાડે છે.
અલબત્ત, ભારતની આયાતો ૨૦૧૫-૧૯ અને ૨૦૨૦-૨૪ વચ્ચે ૯.૩ ટકા જેટલી ઘટી છે એમ મુજબ સ્વતંત્ર ગ્લોબલ થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ(સિપ્રી) દ્વારા કરવામાં આવેલ એક નિવેદનમાં જણાવાયું છે જે આ અહેવાલ પ્રકાશિત કરે છે. યુરોપિયન દેશોની કુલ શસ્ત્ર આયાત આ જ સમયગાળા દરમ્યાન ૧૫૫ ટકા જેટલી વધી છે, જ્યારે આ દેશો યુક્રેન પર રશિયાના આક્રમણ પછી પોતાની સજ્જતા પણ વધારી રહ્યા હતા. યુક્રેનની શસ્ત્રોની મોટા ભાગની આયાત અમેરિકા(૪૫ ટકા), જર્મની(૧૨ ટકા) અને પોલેન્ડ(૧૧ ટકા)થી થઇ છે. પાકિસ્તાનની શસ્ત્ર આયાત ૨૦૧૫-૧૯ અને ૨૦૨૦-૨૪ વચ્ચે ૬૧ ટકા વધી છે.
શસ્ત્રોની નિકાસની બાબતમાં સ્વાભાવિક રીતે અમેરિકાનો દબદબો વધારે છે. શસ્ત્રોના નિકાસકાર તરીકે ચીનનો દબદબો વધ્યો છે જયારે યુદ્ધના સમયગાળામાં રશિયાની શસ્ત્રોની નિકાસ ઘટી છે. રશિયાએ ભારત, ચીન અને કઝાખસ્તાનને શસ્ત્રોની નિકાસ વધુ કરી છે. અમેરિકાની શસ્ત્રોની નિકાસ વધી છે અને તે પ્રથમ સ્થાને છે. રશિયા પાછળ હટીને ત્રીજા સ્થાને આવી ગયું છે જ્યારે ફ્રાન્સ બીજા સ્થાને પહોંચ્યું છે. જ્યારે શસ્ત્ર નિકાસકાર તરીકે ઇટાલીનું દસમુ સ્થાન હતું તે કૂદકો મારીને છેક છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.
વૈશ્વિક સ્તરે શસ્ત્રોના ટ્રાન્સફરનું એકંદર પ્રમાણ 2015-19 અને 2010-14 જેટલું જ રહ્યું (પરંતુ 2005-2009 કરતાં 18 ટકા વધુ), કારણ કે યુરોપ અને અમેરિકામાં વધતી જતી આયાત અન્ય પ્રદેશોમાં થયેલા ઘટાડાથી સરભર થઈ ગઈ. 2022માં રશિયાના સંપૂર્ણ પાયે આક્રમણ પછી ઓછામાં ઓછા 35 દેશોએ યુક્રેનને શસ્ત્રો મોકલ્યા, અને નોંધપાત્ર પ્રમાણમાં વધુ ડિલિવરી પાઇપલાઇનમાં છે. 2020-24માં યુક્રેનને વૈશ્વિક શસ્ત્રોની આયાતનો 8.8 ટકા મળ્યો. 2020-24 માં ટોચના 10 આયાતકારોમાં યુક્રેન એકમાત્ર યુરોપિયન રાજ્ય હતું, જો કે ઘણા અન્ય યુરોપિયન રાજ્યોએ આ સમયગાળા દરમિયાન તેમના શસ્ત્રોની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો હતો.
નવા શસ્ત્ર ટ્રાન્સફરના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે રશિયાના ખતરાનો જવાબ આપવા માટે યુરોપના દેશોમાં ફરીથી શસ્ત્રીકરણ થઈ રહ્યું છે,’ એ મુજબ SIPRI આર્મ્સ ટ્રાન્સફર પ્રોગ્રામના પ્રોગ્રામ ડિરેક્ટર મેથ્યુ જ્યોર્જે જણાવ્યું હતું. ‘જો કે, સાઉદી અરેબિયા, ભારત અને ચીન સહિતના કેટલાક મુખ્ય શસ્ત્ર આયાતકારોએ તેમના પ્રદેશોમાં ઉચ્ચ ખતરા હોવા છતાં, વિવિધ કારણોસર આયાતના જથ્થામાં મોટો ઘટાડો જોયો છે. આ ઘટાડાના જુદા જુદા કારણો હોઇ શકે છે. સાઉદી અરેબિયા અને ભારત પોતાના શસ્ત્રો હાલના સમય માટે તો પુરતા હોવાનું માનતા હોય તે શક્ય છે. ચીન શસ્ત્રોના ઉત્પાદક અને નિકાસકાર તરીકેની ભૂમિકામાં આવવા માંડ્યું છે એટલે તેની શસ્ત્રોની આયાત ઘટે તે પણ સ્વાભાવિક છે.
મહાકાય લશ્કરો અને ઘાતક શસ્ત્રો અને લશ્કરી સરંજામ પાછળ જંગી ખર્ચ એ આજના યુગની વરવી વાસ્તવિકતા છે. કરોડો નહીં પણ અબજો ડોલરના શસ્ત્રો નાના અને ગરીબ દેશો પણ ખરીદે છે તે વિધિની કેવી વક્રતા છે? અસુરક્ષાની ભાવના અને વધેલા સંઘર્ષોને કારણે પશ્ચિમ આફ્રિકાના ગરીબ દેશોના શસ્ત્રોની ખરીદીમાં પણ મોટો ઉછાળો આવ્યો હોવાનું અહેવાલ જણાવે છે. યુક્રેન જેવા દેશને પરાણે અબજો ડોલરના શસ્ત્રો ખરીદવા પડ્યા છે અને યુદ્ધ પૂરું થયા બાદ પણ તે લાંબા સમય સુધી દેવાના બોજ હેઠળ રહેશે તે સ્વાભાવિક છે.
ખરેખર તો મહાકાય લશ્કરો અને અઢળક શસ્ત્રો પાછળ થતો જંગી ખર્ચ એ તદ્દન નિરર્થક અને બિનજરૂરી ખર્ચ છે, પણ વિવિધ દેશોના એકબીજા પરના અવિશ્વાસ અને શત્રુતાની ભાવના તથા એકબીજા કરતા બળુકા બની જવાના અભરખાને કારણે શસ્ત્રોનું બજાર ગરમ રહે છે. પ્રજા ભલે ભૂખે મરતી હોય પણ લશ્કર મજબૂત રાખવું એવી નીતિ અનેક દેશો અપનાવે છે કે તેમને અપનાવવી પડે છે. બીજી બાજુ શસ્ત્ર નિકાસકાર દેશોને શસ્ત્રોના વેચાણમાંથી અઢળક આવક થાય છે અને અમેરિકા જેવા દેશો તો ઘણી વખત પોતાના શસ્ત્રોની નિકાસ વધી શકે તે માટે જ અનેક સ્થળે સંઘર્ષ વકરાવવાના નિમિત્ત બન્યા હોવાના આક્ષેપો પણ થયા છે. જયાં સુધી વિશ્વના દેશોની પરસ્પરની શત્રુતા અને અવિશ્વાસ ઓછા નહીં થાય ત્યાં સુધી શસ્ત્રોનો આ અનિચ્છનીય વેપલો ચાલુ રહેશે એ સ્પષ્ટ છે.
