સુરત: અમેરિકા સહિત યુરોપમાં નબળી માંગને લીધે સુરતની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને પૂરતા ઓર્ડર નહીં મળતાં એક અઠવાડિયાનું વેકેશન લંબાવી 15 દિવસનું કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગ પછી હવે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીનું વેકેશન લંબાયું છે. 30 ટકા જેટલાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સે દિવાળી પછી મુહૂર્ત જ કર્યું નથી.
- હીરા ઉદ્યોગ પછી હવે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીનું વેકેશન લંબાયું
- ક્રિસમસની સિઝનને જોતાં એક અઠવાડિયાનું વેકેશન રાખ્યું હતું, હવે 15 દિવસનું કરાયું
જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં પહેલી વખત સૌથી લાંબુ વેકેશન રહેશે. સામાન્ય રીતે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં દિવાળી વેકેશન 7 દિવસનું હોય છે. કારણ કે, ક્રિસમસના ઓર્ડર ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં પૂર્ણ કરવાના હોય છે. આ વર્ષે જ્વેલરી ઉત્પાદકોને ક્રિસમસના ઓર્ડર નહીં મળતાં વેકેશન લંબાવી 15 દિવસનું વેકેશન રાખ્યું છે.
છેલ્લાં 5 વર્ષમાં સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું હબ બન્યું છે. દેશમાં સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઈન્ડસ્ટ્રીમાં સુરતમાં ચાલી રહ્યાં છે. શહેરમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કાર્યરત છે. તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં જણાવ્યું હતું કે, સુરત વિશ્વનું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સંભાવના ધરાવે છે.
ડાયમંડ કટિંગ અને પોલિશિંગ પછી ભારતમાં આ ઇન્ડસ્ટ્રી સુરતમાં વિકસિત થઈ રહી છે. સરકારે નિકાસ પ્રોત્સાહન માટે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને ફોકસ એરિયા તરીકે જાહેર કર્યું છે. આપણા ઉત્પાદકો-વસ્તુ નિર્માતાઓની ચઢિયાતી ગુણવત્તાએ આપણને દુબઈ-યુએઈ, યુએસએ, રશિયા, સિંગાપોર, હોંગકોંગ અને લેટિન અમેરિકા જેવાં બજારોમાં પ્રવેશવા સમર્થ બનાવ્યા છે. સરકારે આ ક્ષેત્રની વૃદ્ધિ માટે રોકાણને ઉત્તેજન આપવા વિવિધ પગલાં લીધાં છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ સુધારી, ગોલ્ડની આયાત ડ્યૂટીમાં ઘટાડો અને ફરજિયાત હોલ માર્કિંગ સહિતના પગલાં લીધાં છે.
ગોયલે કહ્યું હતું કે, વિશ્વમાં ડિઝાઇનિંગ અને હસ્તકલા માટે આપણી પાસે શ્રેષ્ઠ કારીગર-કસબી દળ છે, કારીગરોની સર્જનશીલતા અને યોજનાબદ્ધ કૌશલ્ય વિકાસને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. મિશ્ર-ફ્યુશન જ્વેલરીના ઉત્પાદનને વધારવા ખર્ચ અસરકારક પદ્ધતિઓ માટે અન્ય દેશો સાથે સહયોગ કરાશે.