SURAT

ડાયમંડમાં મંદી ઘેરી બની : સુરતના કારખાનેદારોએ હીરાની ઘંટી ભંગારમાં વેચવા માંડી

સુરત: છેલ્લાં બે-અઢી વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. છેલ્લાં છ મહિનાથી વેપારી, દલાલો, કારખાનેદારો જાહેરમાં બોલતા થયા કે મંદી છે અને હવે તો હદ થઈ છે. કામકાજના અભાવે બંધ પડી રહેલી હીરાની ઘંટીઓ કારખાનેદારોએ ભંગારમાં વેચવા મુકી દીધી છે. કરોડોના હીરા ચમકાવતી ઘંટીઓને ભંગારમાં વેચવા મુકવી પડે તે મંદીનું ભયાનક ચિત્ર દર્શાવે છે.

  • નાના કારખાનાના વેપારીઓ ઘંટી વેચવા કાઢી
  • સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા
  • સ્ક્રેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા
  • મોટાભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે

લાંબા સમયથી ચાલી રહેલી મંદી હવે સહન થાય તેવી સ્થિતિ રહી નથી. સુરતના વરાછા, કતારગામ વિસ્તારના નાના કારખાનેદારોએ કામકાજના અભાવે કારખાના બંધ કરી દીધા છે. મંદીના વાદળો દૂર થાય તેવા કોઈ જ સંજોગો ન દેખાતા હવે બંધ કારખાનામાં પડેલી ઘંટીઓ ભંગારમાં વેચી કારખાનેદારો જેટલા મળે તેટલાં રૂપિયા રોકડા કરી રહ્યાં છે.

  • સ્ક્રેપમાં ઘંટીનું લે વેચ કરતા વેપારી પાસે છ મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવતું નથી
  • ભંગારના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા આવે છે
  • સ્ક્રેપ ના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે
  • અંદાજે સાડા ત્રણ હજારથી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં મુકાઇ છે

એક સાથે મોટી સંખ્યામાં હીરાની ઘંટીઓ ભંગારમાં વેચાવા જતા ભંગારિયાના ગોડાઉનો હીરાની ઘંટીથી ઉભરાઈ ગયા છે. કારણ કે ભંગારિયાઓ પાસે ઘંટી ખરીદનાર કોઈ નથી.

વરાછામાં મહાદેવ નગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ પાસે ભંગારના મોટા મોટા અનેક ગોડાઉન આવેલા છે. આ ગોડાઉનમાં હીરાની ઘંટીનો સ્ક્રેપ જમા થયો છે. ભંગારના વેપારી અરવિંદ રાખસિયાએ કહ્યું કે હીરાની ઘંટી જૂની થાય ત્યારે કારખાનેદાર તે ઘંટી ભંગારમાં વેચી દેતા હોય છે. અમે વર્ષોથી હીરાની ઘંટી લે-વેચનું કામ કરીએ છીએ.

છેલ્લાં છ મહિનાથી હીરાની ઘંટી ખરીદનાર કોઈ ફરક્યું નથી. પણ રોજ કોઈને કોઈ ઘંટી લઈને વેચવા આવી જાય છે. અત્યારે 3500 હીરાની ઘંટીઓ ભંગારના ગોડાઉનમાં પડી છે. ભાડાના મકાનમાં ચાલતા હીરાના કારખાનાઓ બંધ થયા છે અને તેની ઘંટીઓ ભંગારમાં વેચાઈ રહી છે.

Most Popular

To Top