પેરિસ ઓલિમ્પિકમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય મહિલા શૂટર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રમત મંત્રાલય દ્વારા ગુરુવારે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે વિજેતાઓને સન્માનિત કરશે.
રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024 ની જાહેરાત રમત મંત્રાલય દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી. ઓલિમ્પિક ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર, વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળશે, જેમાંથી 2 લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે છે. અર્જુન એવોર્ડ 34 ખેલાડીઓને આપવામાં આવશે જેમાંથી 17 પેરા-એથ્લેટ છે, જ્યારે 2 લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે છે. 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે એવોર્ડ સમારોહ યોજાશે.
મનુ ભાકરે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. તે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્ર ડબલ્સમાં ત્રીજા સ્થાને રહી હતી. તેના બે મેડલના આધારે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા. 18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ 11 ડિસેમ્બરે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને 7.5-6.5થી હરાવ્યો હતો. ગુકેશ આટલી નાની ઉંમરમાં ટાઈટલ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો.
હરમનપ્રીત સિંહની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ અને એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરમનપ્રીતે ત્રણ વખત FIH એવોર્ડ્સમાં પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે. પ્રવીણ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની ઉંચી કૂદમાં એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રવીણે T64 ઈવેન્ટમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 2.08 મીટરની ઊંચાઈને ક્લીયર કરીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતુ.
34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે
ખેલ રત્ન ઉપરાંત 34 ખેલાડીઓને 2024 માં રમતગમતમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જેમાંથી એથ્લેટ સુચા સિંહ અને પેરા સ્વિમર મુરલીકાંત રાજારામ પેટકરને અર્જુન પુરસ્કાર લાઇફટાઇમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બહેતર કોચિંગ આપવા માટે પાંચ લોકોને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવશે, જેમાં બેડમિન્ટન કોચ એસ મુરલીધરન અને ફૂટબોલ કોચ અરમાન્ડો એગ્નેલો કોલાકોને આજીવન કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન એવોર્ડ મેળવશે. દરમિયાન ચંડીગઢ યુનિવર્સિટીને મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી એકંદર યુનિવર્સિટી વિજેતા તરીકે પ્રાપ્ત થશે. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ફર્સ્ટ રનર અપ અને અમૃતસર ગુરુ નાનક દેવ યુનિવર્સિટી સેકન્ડ રનર અપ રહી.
ખેલાડીઓને બમ્પર પ્રાઈઝ મની મળશે
જણાવી દઈએ કે ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ખેલાડીઓને 25 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને મેડલ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. 2020 સુધી ખેલ રત્ન મેળવનાર ખેલાડીને માત્ર 7.5 લાખ રૂપિયાની ઈનામી રકમ મળતી હતી પરંતુ મોદી સરકારે તેને વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે.