અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ જે. ઓસ્ટિન આજે અહીં આવી પહોંચ્યા હતા. ભારતની ત્રણ દિવસની મુલાકાતનો આરંભ કરતા ઓસ્ટિને ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં ઉભા થયેલા પડકારનો સાથે મળીને મુકાબલો કરવાની વાત કરી હતી.
દિલ્હીના પાલમ એરપોર્ટ પર ભારતના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને અમેરિકન દૂતાવાસના રાજદ્વારીઓએ ઓસ્ટિનને આવકાર્યા હતા. ઓસ્ટિનને ભારતમાં આવકારતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે તેમની ભારતની મુલાકાતથી બંને દેશો વચ્ચેનો સહકાર વધુ ગાઢ બનશે. આવતીકાલે મુલાકાત માટે પ્રતિક્ષા કરું છું એ મુજબ રાજનાથે ટ્વીટર પર લખ્યું હતું.
લોઇડ ઓસ્ટિન સાંજે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. કાલે તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મંત્રણા કરશે. ઓસ્ટિન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. અમેરિકામાં બિડેન પ્રશાસન રચાયા બાદ ત્યાંના સંરક્ષણ મંત્રીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. તેઓ ત્રણ દેશોની યાત્રાના ભાગરૂપે જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધા બાદ ભારત આવી પહોંચ્યા છે.
ભારતમાં પોતાના પ્રથમ દિવસે ઓસ્ટિને કહ્યું હતું કે ભારત-અમેરિકા સહકારનો વ્યાપ બંને દેશો વચ્ચેની સંરક્ષણ ભાગીદારીના મહત્વમાં પ્રતિબિંબિત થાય છે જ્યારે તેઓ ઇન્ડો-પેસેફિક પ્રદેશમાં સૌથી વધુ દબાણ કરનાર પકડારને હાથ ધરવા ભેગા મળીને કાર્ય કરે છે. ચીનનો સીધો ઉલ્લેખ કર્યા વિના તેમણે આમ કહ્યું હતું.