જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે આ એક સનાતન સત્ય છે જેને નકારી નથી શકાતું. દરેક ધર્મમાં અંતિમ સંસ્કારની વિધિ અલગ-અલગ હોય છે. સુરતના કોટ્સફિલ રોડ પર 1935માં એક એવી દુકાન શરૂ થઈ હતી જેની કલ્પના તે સમયના લોકોએ કરી પણ નહીં હતી. એ દુકાન એટલે મરણ ક્રિયાની વિધિનો સામાન વેચવાની દુકાન. ત્યારે આ ધંધાને લોકો સારો નહીં ગણતા હતાં. પણ આ દુકાનની સ્થાપના જેમણે કરી હતી તે ગુલાબદાસ પટેલે મનોબળ મક્કમ રાખીને આ દુકાન ચાલુ રાખી હતી. 1994 સુધી સુરતમાં આ એક માત્ર એવી દુકાન હતી જે અંતિમ વિધિ માટેનો સામાન વેચતી હતી. ત્યારબાદ મરણ ક્રિયા વિધિનો સામાન વેચનાર અન્ય દુકાનો પણ શરૂ થવા લાગી. આ પેઢી દ્વારા વર્ષોથી દરેક સમાજ પ્રમાણે અંતિમ વિધિનો સામાન વેચવામાં આવે છે. 1994ના પ્લેગના સમયમાં, 2006ની રેલના સમયમાં અને કોવિડ મહામારીના સમયમાં પણ આ દુકાન ચાલુ રાખવામાં આવી હતી. આ પેઢી મરણના પ્રસંગમાં કમાણીની આશા નહીં રાખવીના સિદ્ધાંતને વળગી રહેલી છે.આવો આપણે આ દુકાનના ચોથી અને પાંચમી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ કે આ દુકાન શરૂ કરતા પહેલાં તેમનો ધંધો શું હતો આ દુકાને 87 વર્ષમાં સુરતનો કેવો-કેવો કપરો કાળ જોયો તે જાણીએ.
વંશવેલો- ગુલાબદાસ નગીનદાસ પટેલ, સીતારામ ગુલાબદાસ પટેલ, મનસુખલાલ સીતારામ પટેલ, ધર્મેશ મનસુખલાલ પટેલ, પિંકીબેન ધર્મેશભાઈ પટેલ, દિશાંત ધર્મેશભાઈ પટેલ
દરેક સમાજના રિવાજ સમજી તે પ્રમાણે દુકાનમાં સામાન વધાર્યો: ધર્મેશ પટેલ
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક ધર્મેશભાઈ પટેલે જણાવ્યું કે, હું ધંધામાં 1991થી જોડાયો અને મેં દુકાનનો સમય વધારીને સવારે 5 વાગ્યાંથી ચાલું કરવાનું શરૂ કર્યું હતું. હિન્દૂ સમાજમાં 25 જાતિ છે. મેં પટેલ, રાણા, ખત્રી, મરાઠી, મારવાડી, પંજાબી દરેક સમાજના રિવાજને સમજ્યા અને તે પ્રમાણે અલગ-અલગ સામાન રાખવાનું શરૂ કર્યું. કોઈને વધારાની વસ્તુ નહીં અપાઈ જાય અને તેમનો ખર્ચ વધી નહીં જાય તે માટે ગ્રાહક આવે અને ફક્ત સમાજ બોલે તે પ્રમાણેની સિસ્ટમ વિકસાવી દરેક સમાજના નિયમ પ્રમાણે સામાન આપીએ છીએ. ગેસ અને લાકડા પર અંતિમ દાહ પ્રમાણે સામાન અપાય છે. બોલી પ્રમાણે જ સમાજ જાણીને તે પ્રમાણે સામાન અપાય છે અને સુહાગન અને વિધવા પ્રમાણેનો સામાન આપવામાં આવે છે.
જર્મનીથી સુરત આવું છું ત્યારે ધંધામાં હેલ્પ કરું છું: દીશાંત પટેલ
ધર્મેશભાઈ પટેલના પુત્ર દીશાંત પટેલે જણાવ્યું કે હું મિકેનિકલ એન્જીનીયર છું અને છેલ્લાં 3 વર્ષથી જર્મનીમાં રહું છું. હું જ્યારે પણ સુરત આવું છું ત્યારે આ ધંધામાં હું મારા માતા-પિતાને મદદ કરું છું હું દુકાનમાં આવતા લોકોને સામાન આપવામાં અને બિલ બનાવવામાં મદદ કરું છું.
નનામી ઉંચકીને આપું ત્યારે વખાણ સાથે આશીર્વાદ પણ મળે છે: પિંકી પટેલ
ધર્મેશભાઈના પત્ની પિન્કીબેન પટેલે જણાવ્યું કે, મારા સસરા મનસુખભાઈ પટેલ બીમાર પડયા અને તેઓ હોસ્પિટલમાં એડમિટ હતાં તે દરમિયાન મેં દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું. ત્યારે કોટ્સફિલ મેઈન રોડ પર કોઈ મહિલા દુકાન સંભાળવા બેસતી નહીં હતી. મારાથી મારા ગ્રૂપની ઘણી મહિલાઓ ઇનસ્પાયર થઈ છે. હું રોજ સવારે 10થી સાંજે 6 વાગ્યાં સુધી દુકાને બેસું છું. મારા હસબન્ડ બહારગામ જાય ત્યારે સવારે 5 વાગ્યાંથી રાત્રે 8 વાગ્યાં સુધી દુકાન સંભાળુ છું. જ્યારે કોઈ સામાન લેવા આવે ત્યારે નનામી ઉંચકીને આપું છું ત્યારે આવનારા લોકો વખાણ કરે છે અને આશીર્વાદ પણ આપે છે. અંતિમ સંસ્કારનો સામાન લેવા મોટાભાગે તો પુરુષો જ આવતા હોય છે ત્યારે તેઓ જોતા હોય છે કે એક મહિલા આ સામાન આપે છે ત્યારે તેઓ વખાણ કરે છે.
અંતિમ સંસ્કારની વિધિ માટે 250 વસ્તુ લાગે
અંતિમ સંસ્કારની વિધિ માટે આમ તો 250 વસ્તુ લાગે પણ બેઝિક 10થી 15 વસ્તુ લાગે. જેમાં વાંસ, કામડી, કાથાની દોરી, નાડાછડી, અબીલ-ગુલાલ, સુખડનો હાર, અત્તર, નારિયેળ, અગરબત્તી, ઘી, માટલી, છાણા, કફન, સાલ, નનામી, પહેરાવાના કપડાં. 1950થી 60ના સમયમાં 10થી 12 રૂપિયામાં આ વસ્તુઓ મળી જતી જ્યારે અત્યારના સમયમાં આ બધો સામાન 1200થી 1500 રૂપિયામાં મળે છે.
કોરોનાના લોકડઉનમાં પણ દુકાન ચાલું રાખી હતી
પિંકીબેન પટેલે જણાવ્યું કે કોરોનાના લોકડાઉનમાં લોકોને ઘરથી બહાર નીકળવાની મનાઈ હતી. ફક્ત જીવનજરૂરિયાત વસ્તુ માટેની પરમિશન હતી હું અને મારા હસબન્ડ ગળામાં અમારી જ દુકાનનો વિઝીટિંગ કાર્ડ લટકાવીને દુકાને આવતા. મારા હસબન્ડ સાયકલ પર દુકાને આવતા જેથી કોઈને એવું નહીં લાગે કે વગર કારણે નીકળ્યા છે. એ સમયે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લાવી આપવામાં મદદરૂપ બન્યા હતાં.
બિનવારસી લાશ માટે દર મહિને 29 તારીખે સામાન ફ્રીમાં અપાય છે
ધર્મેશભાઈ પટેલે જણાવ્યું કે તેમના પિતાનું અવસાન 29 તારીખે થયું હોવાથી દર મહિને 29 તારીખે અગ્નિદાહ સેવાકેન્દ્રના વેણીલાલભાઈને બીનવારસી લાશ માટે રામ ચાદર, શાલ, સુખડના હાર તેમની જરૂરિયાત અનુસાર આપીએ છીએ.
પિતાના નિધનના દિવસે પણ ગ્રાહકને માલ આપ્યો હતો
ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા મનસુખભાઈ હોસ્પિટલમાં સારવાર માટે મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ હતાં તેમનું નિધન 29 સપ્ટેમ્બર 2015ના રોજ થયું હતું તેમના પાર્થિવ શરીરને 5 મિનિટ માટે દુકાનમાં લાવવામાં આવ્યો હતો. પિતાના અંતિમ સંસ્કાર વિધિનો સામાન આજ દુકાનમાંથી લેતી વખતે ખૂબ વસમું લાગ્યું હતું એ જ સમયે એક ગ્રાહક સામાન લેવા આવ્યો હતો તેને પણ સામાન આપ્યો હતો. મારા પિતાનો સિદ્ધાંત હતો કે મરણના પ્રસંગમાં કમાણીની આશા રાખવી નહીં આ સિદ્ધાંતને અમે હજી પણ વળગી રહયા છીએ.
ઘોડાગાડીનું ચલણ હોવાથી તેને લગતી વસ્તુઓ પણ વેચવાનું શરૂ કર્યુ હતું
તે સમયે સુરતમાં ઘોડાગાડીનું ચલણ હતું. ભાગળમાં મોટી બજાર ભરાતી. ખેડૂતો બળદ ગાડામાં શાકભાજી વેચવા આવતા અને અન્ય લોકો પણ ઘોડાગાડીમાં દૂર-દૂરથી વસ્તુઓ વેચવા આવતા ત્યારે કોટ્સફિલ રોડથી મજુરાગેટ સુધી ખાડી હતી. કોટ્સફિલ રોડ પર હવાડો હતો જેનું પાણી લોકો ઘોડાને પીવડાવતા હતાં. અહીં જ ઘોડાગાડી ઉભી રાખવામાં આવતી હોવાથી ગુલાબદાસ પટેલના પુત્ર સીતારામભાઈએ આ દુકાનમાં ઘોડાગાડીને લગતી વસ્તુઓ જેવી કે ચાબુક, લગામ, ઘોડાગાડીનો પગથી મારવાનો હોર્ન, પીઠ પર મુકવાની ગાદી, ઘોડાની નાળ અને આંખની આજુબાજુ બાંધવાના ડાબલા વેચવાનું શરૂ કર્યું હતું. તેમના નિધન પછી ઘોડાગાડીને લગતી વસ્તુઓ આ દુકાનમાં વેચાતી બંધ થઈ હતી.
શરૂઆતમાં આ ધંધો સારો નહીં હોવાનું લોકો કહેતાં
ગુલાબદાસ પટેલના પિતા નગીનદાસભાઈ દિગસ ગામમાં ખેતી કરતાં હતાં તેઓ સુરતમાં મહિધરપુરામાં આવીને વસ્યા હતાં. ગુલાબદાસ પટેલે 1935માં ભાગળ ચાર રસ્તા પાસે કોટ્સફિલ રોડ પર મરણ ક્રિયા વિધિનો સામાન વેચવાનું શરૂ કર્યું હતું. ત્યારે લોકોએ કીધું હતું કે આવો ધંધો શું કામ શરૂ કર્યો? આ તો ખરાબ ધંધો કહેવાય. આવો ધંધો શરૂ કરનાર સાથે બહુ સંબંધ નહીં રાખવાનો એવું કહેતા હતાં. પણ તેમણે મનોબળ જાળવી રાખીને આ દુકાન ચાલું રાખી હતી. એ સમયે સુરતની વસ્તી બહું ઓછી હતી.
દુકાનના નામના બોર્ડ પર ઘરના એડ્રેસનો ઉલ્લેખ કર્યો
આ પેઢીનું સંચાલન સીતારામભાઈના પુત્ર મનસુખલાલે હાથમાં લીધા બાદ દુકાનને નામ મનસુખલાલ સીતારામ પટેલ આપ્યું. દુકાન સવારે 6 વાગ્યાંથી ચાલુ કરવાનું શરૂ કર્યું રાત્રે 9 વાગ્યાં સુધી દુકાન ચાલું રાખતાં. દુકાનના નામના બોર્ડ પર ઘરનું એડ્રેસ લખ્યું જેથી મોડી રાત્રે પણ લોકોને સામાન લેવો હોય તો કોન્ટેક્ટ કરી શકે. તેમણે રાત્રે 2 વાગે પણ ગ્રાહક માટે દુકાન ખોલી હતી. અને રવિવારે પણ દુકાન ચાલુ રાખવાનું શરૂ કર્યું હતું. તેમણે 9 વર્ષની ઉંમરથી દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું અને 60 વર્ષ સુધી દુકાનનું સંચાલન કર્યું હતું.
પ્લેગમાં મોઢાપર રૂમાલ બાંધી સામાન વેચ્યો
ધર્મેશભાઈ પટેલે જણાવ્યું કે 1994માં પ્લેગ ફાટી નીકળ્યો હતો. ત્યારે ઓચિંતી ગ્રાહકી વધી ગઈ હતી. મૃત્યુની સંખ્યા વધી કેમ ગઈ તે બીજા કે ત્રીજે દિવસે ખબર પડી હતી કે પ્લેગ ફાટી નીકળ્યો છે. ત્યારે માસ્ક તો નહીં હતાં એટલે સફેદ રૂમાલ બાંધીને અને સુરક્ષિત અંતર રાખીને સામાન વેચતા. એ વખતે બહુ ડર લાગતો હતો.
કોરોનાની સેકન્ડ વેવમાં આંખમાંથી આંસુ નીકળતા
કોરોનાની સેકન્ડ વેવમાં દુકાને ભીડ વધી ગઈ હતી. કેટલાંક લોકો પાસે તો સામાન ખરીદવા પણ પૈસા નહીં હતાં ત્યારે અમે પૈસા લીધા વગર પણ સામાન આપ્યો હતો. એ સમયે તો અમારી આંખમાંથી પણ આંસુ નીકળી પડતાં. અને અમે ભગવાનને પ્રાર્થના કરતા કે કોરોના હટે એમ પિન્કીબેન અને ધર્મેશભાઈએ જણાવ્યું હતું.
સુખડ-ચંદનના હાર કર્ણાટકના સિમોગાથી આવે છે
સુખડ ચંદનના હાર કર્ણાટકના બેંગ્લોર પાસેના સિમોગામાં બને છે 1980થી ત્યાંથી જ સુખડ ચંદનના હાર આવે છે. ત્યાંથી માણસ આવે અને ઓર્ડર લઈને જાય પછી ટ્રાન્સપોર્ટથી માલ મોકલાવે અને અગરબત્તી પણ દર ત્રણ મહિને ત્યાંથી આવે છે.