Dakshin Gujarat Main

ભરૂચમાં મનસુખ વસાવા 84 હજાર મતોથી જીત્યા, નવસારીમાં પાટીલનો ઐતિહાસિક લીડ સાથે વિજય નિશ્ચિત

સુરત: દક્ષિણ ગુજરાતની ભરૂચ અને વલસાડ લોકસભા બેઠક પર કાંટેની ટક્કર હોવાની હવા ચૂંટણી દરમિયાન ઉઠી હતી. પરંતુ પરિણામ સાવ વિપરિત આવ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સતત સાતમી વાર જીત્યા છે, જ્યારે વલસાડમાં પણ ધવલ પટેલ જીત તરફ આગળ વધી રહ્યાં છે. પાછલા ઈલેક્શનની જેમ આ વખતે પણ નવસારી લોકસભા બેઠકના સાંસદ સી.આર. પાટીલ ઐતિહાસિક લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યાં છે. દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ જીત્યા છે.

જોકે, દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર 5 લાખથી વધુ વોટોથી જીતવાનો ભાજપનો દાવો ખોટો પડ્યો છે. ભરૂચમાં મનસુખ વસાવા માત્ર 84 હજાર મતોથી જીત્યા છે. એટલે કે યુવાન ચૈતર વસાવાએ બરોબરની ટક્કર આપી છે. બીજી તરફ વલસાડના ધવલ પટેલ અને બારડોલીના પ્રભુ વસાવા 3 લાખ કરતા ઓછા વોટની લીડ મેળવી છે. એક માત્ર નવસારી બેઠક પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 7 લાખથી વધુ લીડ મેળવી પોતાનો જ રેકોર્ડ તોડી શક્યા છે.

ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા 84 હજારથી વધુની લીડ સાથે જીત્યા છે. ભરૂચ જિલ્લામાં કુલ 18 લાખ મતદારો પૈકી કુલ 11,91,877 લોકોએ પોતાના મતધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. જિલ્લામાં 69.16 ટકા મતદાન નોંધાયું હતું. આજે 4 જૂનના રોજ સરકારી કે.જે. પોલીટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી યોજાઇ છે.

દરમિયાન ચૈતર વસાવાએ હાર સ્વીકારી લીધી છે. ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પોતાની હાર સ્વીકારતા કહ્યું હતું કે લોકસભાની ચુંટણીનું આજે પરિણામ આવી ગયું છે. સાત રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહર્ષતાથી પરિણામ અમે સ્વીકારીશું. અમે ચુંટણી લડ્યા ખુબ સારી રીતે લડ્યા. આ ચુંટણીમાં ક્યાં તો અમે જીતીશું કે ક્યા તો અમે શીખીશું. ઉંમર હજુ નાની છે ઘણું શીખવાનું છે ત્યારે આ ચુંટણીમાંથી ઘણું શીખીશું. આવનારા સમયમાં આનાથી પણ સારી રીતે ચુંટણી લડીશું.

વલસાડમાં ધવલ પટેલ 2 લાખથી વધુના માર્જિનથી જીત્યા
ભરૂચની જેમ વલસાડ લોકસભા બેઠક પર કાંટેની ટક્કર થશે એમ માનવામાં આવી રહ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસના અનંત પટેલનો જુવાળ હોઈ તે ભાજપના ધવલ પટેલને બરોબરની ટક્કર આપશે એમ લાગી રહ્યું હતું, પરંતુ સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ ભાજપના ધવલ પટેલ આગળ રહ્યાં હતાં. આજે ભાજપના ધવલ પટેલને મળેલા 7,64,226 મત સામે કોંગ્રેસના અનંત પટેલને માત્ર 5,53,522 મત મળ્યા. આમ, ધવલ પટેલ 2,10,704 મતની જંગી લીડથી વિજયી થયા હતા. ભાજપના કાર્યકર્તાઓએ ધવલ પટેલની જીતને વધાવી લીધી હતી.

બારડોલીમાં પ્રભુ વસાવા જીત્યા અને નવસારીમાં પાટીલની જીત નિશ્ચિત
બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને 7,55,799 લાખ મત મળ્યા છે, તેની સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને 5,24,400 મત મળ્યા છે. આમ, ભાજપના ઉમેદવાર 2,31,399 મતોની લીડથી આગળ છે. તેથી પ્રભુ વસાવાનો વિજય નક્કી છે. પ્રભુ વસાવાએ જીતનું જશ્ન મનાવવા સાથે મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.

આ તરફ નવસારી લોકસભા બેઠક પર 16 રાઉન્ડના અંતે સી.આર. પાટીલે 7,67,927 જીત તરફ આગળ વધી રહ્યાં છે. સૌથી વધુ લીડનો સી.આર. પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેમની જીત નક્કી જ હોઈ કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ હાર સ્વીકારી લીધી છે.

હાર સ્વીકારતાં કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ કહ્યું કે, અમે ભાજપના કદાવર નેતાને પ્રચંડ તાકાતથી હરાવવા માટે સામનો કર્યો હતો. પરંતુ મતદારોને કોંગ્રેસ આકર્ષવામાં સફળ રહી નથી. જે અમારી કમનસીબી છે. વહીવટી તંત્રમાં ભય અને લોભ નીચે કામ થઈ રહ્યું છે. પંચાયતથી લઈને પાલિકા અને વિધાનસભા દરેક જગ્યાએ ભાજપનું શાસન છે. છતાં પણ અમારા કાર્યકરો અને મતદારો કોંગ્રેસને વળગી રહ્યાં છે.

Most Popular

To Top