Editorial

માનસરોવર યાત્રા અને ભારત-ચીન વચ્ચે હવાઇ સેવાઓ ફરી શરૂ: સંબંધો કંઇક સામાન્ય થયાની પ્રજાને પ્રથમ અનુભૂતિ

ભારત અને ચીન વચ્ચે કોરોના રોગચાળો ઉગ્ર રીતે વિશ્વભરમાં ચાલી રહ્યો  હતો તે સમયે ૨૦૨૦ના મધ્યમાં સંબંધો ખૂબ બગડ્યા. ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે શારીરિક  સંઘર્ષ થયો એન તેમાં બંને દેશોના અનેક સૈનિકો માર્યા ગયા પછી બંને દેશો વચ્ચેના સંબંધો સ્થગિત જેવા થઇ ગયા. બંને દેશો વચ્ચેની સીધી હવાઇ સેવાઓ અટકી ગઇ, અને ભારતના  સંખ્યાબંધ હિન્દુ શ્રદ્ધાળુઓના આઘાત વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રા પણ અટકી ગઇ. આ યાત્રા ચીની બાજુએ આવેલા હિમાલયના પ્રદેશ સુધી જાય છે અને ચીન તેમાં શત્રુતાના માહોલમાં  રોડા નાખે તે સ્વાભાવિક હતું. હવે આ યાત્રા ફરી શરૂ કરવા બંને દેશોએ નિર્ણય કર્યો છે જે શ્રદ્ધાળુઓ માટે આનંદની બાબત હશે. ભારત અને ચીને સોમવારે કૈલાસ માનસરોવર યાત્રા ફરી  શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો જ્યારે બંને દેશો સંબંધોને ફરી સ્થાપવા અને સ્થિર કરવા માટે કેટલાક પ્રજાલક્ષી પગલાઓ લેવા સહમત થયા હતા.

લાંબા સમય સુધી સંબંધો બગડેલા રહ્યા  બાદ બંને દેશોએ સંબંધો સુધારવાના પ્રયાસોની હાલ છેલ્લા કેટલાક મહિનાઓમાં શરૂઆત કરી અને તેમાં પહેલા તો લદાખમાં તનાવ ઓછો કરવા માટેના પ્રયાસો શરૂ થયા. રાજદ્વારી અને  લશ્કરી મંત્રણાઓના અનેક રાઉન્ડ યોજાયા અને લદાખમાંથી પોત પોતાના સામ સામે ખડકાયેલા સૈનિકો પાછા ખેંચવા બંને દેશો સહમત થયા અને સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ  ધરાઇ, પરંતુ પ્રજા લક્ષી પગલાઓ લેવાનો વિચાર છેક હાલમાં રજૂ થયો. આમાં કૈલાસ માન સરોવર યાત્રા ફરી શરૂ કરવાનો અને બંને દેશો વચ્ચે હવાઇ સેવાઓ ફરી શરૂ કરવાની બાબતનો  સમાવેશ થાય છે. આ બંને બાબતો એવી છે કે જેમાં પ્રજાને સીધી નિસ્બત છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશ સચિવ વિક્રમ મિસરીની બૈજિંગમાં તેમના ચીની સમકક્ષ સન વેઇડોંગ સાથે મંત્રણાઓ પછી આ નિર્ણય લેવાયો હતો. તેણે જણાવ્યું હતું કે બંને પક્ષો  બંને દેશો વચ્ચે સીધી હવાઇ સેવાઓ ફરી શરૂ કરવા પણ સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ઝી જિનપિંગ ઓકટોબરમાં રશિયાના કઝાનમાં તેમની બેઠક  દરમ્યાન સહમત થયા હતા તે મુજબ બંને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષી સંબંધોની સમગ્રલક્ષી રીતે સમીક્ષા કરી હતી અને સંબંધોને સ્થિર કરવા અને ફરી બાંધવા કેટલાક પ્રજા-લક્ષી પગલાઓ  લેવા સંમત થયા હતા એમ વિદેશ મંત્રાલયે જણાવ્યુ઼ હતું. આ સંદર્ભમાં, બંને પક્ષોએ 2025 ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો એમ તેણે જણાવ્યું  હતું.

એટલે કે આગામી ઉનાળામાં આ યાત્રા ફરી શરૂ થઇ જશે એવી આશા રાખવામાં આવે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો ભારત-ચીન નિષ્ણાત સ્તર મિકેનિઝમની વહેલી  બેઠક યોજવા માટે પણ સંમત થયા હતા જેથી સરહદ પારની નદીઓ સંબંધિત હાઇડ્રોલોજિકલ ડેટા અને અન્ય સહયોગની જોગવાઈ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી શકાય. ચીન બ્રહ્મપુત્રા  નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધે છે તે સંદર્ભમાં આ બાબત મહત્વની છે. બંને પક્ષો મીડિયા અને થિંક-ટેન્ક વાર્તાલાપ સહિત લોકો-થી-લોકોના આદાનપ્રદાનને વધુ પ્રોત્સાહન આપવા  અને સુવિધા આપવા માટે યોગ્ય પગલાં લેવા સંમત થયા હતા. તેઓ સૈદ્ધાંતિક રીતે બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા માટે સંમત થયા હતા; બંને પક્ષોના સંબંધિત  ટેકનિકલ અધિકારીઓ વહેલી તકે આ હેતુ માટે મુલાકાત કરશે અને અપડેટેડ ફ્રેમવર્ક પર વાટાઘાટો કરશે એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

વિદેશ સચીવ વિક્રમ મિસરી બૈજિંગની તેમની મુલાકાત દરમ્યાન ચીની વિદેશ મંત્રીને પણ મળ્યા હતા. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ વિક્રમ મિસરીને કહ્યું હતું કે ભારત અને ચીને  એકબીજાને સામ સામે ચાલીને મળવું જોઇએ અને પરસ્પરની શંકાને બદલે પરસ્પરની સમજૂતી પ્રત્યે પોતાને પ્રતિબધ્ધ કરવા જોઇએ. ચીનના નેતાઓ ભારતને સતત એવું સંભળાવતા રહે છે  કે સંબંધો વણસ્યા તેમાં તમારો વાંક છે અને ચીની વિદેશ મંત્રીની ટિપ્પણી પણ કંઇક એવો જ સૂર ધરાવે છે. જો કે હાલ  આ બાબતમાં ઉંડા ઉતર્યા વિના માનસરોવર યાત્રા, કે જેમાં ભારતીય યાત્રાળુઓએ ચીનની બાજુએ જવું પડતું હોય છે તે ફરી શરૂ  થઇ રહી છે અને બંને દેશો વચ્ચે સીધી વિમાની સેવાઓ શરૂ થઇ રહી છે તે બાબતને આનંદનો વિષય ગણીએ.

Most Popular

To Top