બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના અંતિમ સંસ્કાર આજે 5 એપ્રિલ શનિવારના રોજ મુંબઈમાં કરવામાં આવ્યા હતા. મનોજ કુમારનું અવસાન 4 એપ્રિલના રોજ થયું. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમાર લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા.
અભિનેતાના નિધન પર ચાહકો અને સેલેબ્સે શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને શાહરૂખ ખાન સુધી, બધાએ મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી.

મનોજ કુમારના અંતિમ સંસ્કાર 5 એપ્રિલ, શનિવારના રોજ બપોરે કરવામાં આવ્યા હતા. મનોજ કુમારના પરિવારના કેટલાક સભ્યો વિદેશમાં રહે છે. બધા જ અભિનેતાને અંતિમ વિદાય આપવા માટે ભારત પહોંચ્યા. શનિવારે સવારે મનોજ કુમારના પાર્થિવ શરીરને કોકિલાબેન હોસ્પિટલથી જુહુ સ્થિત તેમના ઘરે લઈ જવામાં આવ્યું. અહીંથી પરિવાર મૃતદેહને લઈને સ્મશાન તરફ ગયો.

મનોજ કુમારના ચાહકોને અંતિમ દર્શન કરાવવા માટે એક કારને અભિનેતાની મોટી તસવીરથી શણગારવામાં આવી હતી. મનોજ કુમારને રાજ્ય સન્માન પણ આપવામાં આવ્યું હતું. બોલિવૂડના વરિષ્ઠ કલાકારો તેમના મિત્ર અને સાથી કલાકારને અંતિમ વિદાય આપવા માટે હાજર રહ્યા હતા. અભિનેતા પ્રેમ ચોપરા, અમિતાભ બચ્ચન, રાજ બબ્બર, સાયરા બાનુ, અશોક પંડિત, અભિષેક બચ્ચન, રઝા મુરાદ, રાજપાલ યાદવ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ અહીં પહોંચ્યા હતા.
