Comments

મનમોહન સિંહ વિદ્વાન હશે પરંતુ દેશ પ્રત્યે નિષ્ઠાવાન ન હતા

મનમોહન સિંહ કહેતા કે ઈતિહાસ એમને ન્યાય આપશે. ન્યાયોચિત ગુણવાન કરવા માટે એમના સંપૂર્ણ વ્યક્તિત્વ અને એમની માનસિકતાનાં લેખાંજોખાં કરવાં જરૂરી છે. તદનુસાર મનમોહન સિંહ પ્રામાણિક હતા, પણ રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાવાન ન હતા. એ વફાદારીનાં મીઠાં ફળ તરીકે એ વડા પ્રધાનપદે ચાલુ રહી શક્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો સત્તા (માત્ર નામની) અને કીર્તિની પ્રાપ્તિ માટે એ સ્વાર્થી હતા.

મૌન રહીને અનેક સવાલોની આબરૂ બચાવી રાખી. બેજવાબદારીને મૌનનું રૂપાળું નામ આપ્યું. શું વડા પ્રધાનો મૌન પાળવા માટે રાખવામાં આવે છે? જો એમ જ હોય તો લોકશાહીમાં જનતા કોની પાસે જવાબ માગે? મનમોહન સિંહ જ્ઞાની હતા. નિપુણ અર્થશાસ્ત્રી હતા. રિઝર્વ બેન્કના ગવર્નર રહ્યા હતા. ભારતમાં વિત્તમંત્રી રહ્યા હતા. વડા પ્રધાન નરસિંમ્હા રાવની રાહબરીમાં આર્થિક ઉદારતાવાદની નીતિ અમલમાં મૂકી હતી. એક પ્રામાણિક અર્થશાસ્ત્રી તરીકે એમની પાઘડીમાં આવાં બધાં છોગાં રાખી શકાય, પણ વડા પ્રધાન તરીકે એ નિષ્ફળ ગયા.

મનમોહન સિંહની પ્રામાણિક્તા પણ સવાલોના દોરમાં છે. એમની નજર અને હાથ નીચે કોમનવેલ્થ ગેમ્સ, ટુજી, કોલસા, એરપોર્ટ, વાડ્રા વગેરે કૌભાંડો થયાં અને સુરેશ કલમાડી તો ત્યાં સુધી કહેતો કે એનું કોઈ કશું બગાડી નહીં શકે અને ખરેખર કશું બગડ્યું નથી. તેનો સ્પષ્ટ અર્થ એ કે કૌભાંડમાં મોટા નેતાઓ સામેલ હતાં અને મનમોહન તે જાણતા હતા. એ અટકાવવાની ભારતમાં સૌથી મોટી અને સર્વ પ્રથમ જવાબદારી મનમોહન સિંહની હતી. દેશના રખેવાળ સોનિયા ગાંધીના રખેવાળ બનીને દસ વરસ પૂરાં કર્યાં! લોકોએ એમને ગાળો આપી, સમયોચિત અપમાનો કર્યાં, રાહુલ ગાંધીએ કેબિનેટનો ઠરાવ ફાડવાની વાત કરી પોતાને સરકાર અને વડા પ્રધાન કરતાં પણ મોટો સાબિત કર્યા તો પણ ખુરશી ન છોડી.

પુત્રી દમન સિંહે એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો. તે મુજબ કુટુંબનાં સભ્યોએ મનમોહનને સલાહ આપી હતી કે, ‘‘આટલા અપમાનો સહન કરીને વડા પ્રધાનપદે રહેવાની જરૂર શી છે?’’જવાબમાં મનમોહને કહ્યું કે, ‘‘મારા પર દેશની મોટી જવાબદારી છે. એમ છોડી ન શકું!’’તો શું દેશ મનમોહનજીના ગયા પછી બરબાદ થઈ ગયો છે? એમની જવાબદારી ગાંધી પરિવારના ઘર સુધી પહોંચીને અટકી જતી હતી. કેવી કેવી જવાબદારીઓ સંભાળી તે જુઓ. મનમોહનના સમયમાં 26-11નો પાકિસ્તાની ત્રાસવાદી હુમલો થયો. મનમોહન સરકાર દ્વારા પાકિસ્તાનને કોઈ જવાબ અપાયો નહીં. 175 ભારતીયોએ અને વિદેશીઓએ દેશના આર્થિક પાટનગરમાં જાન ગુમાવી.

ટોચના પોલીસ અધિકારીઓ માર્યા ગયા. શાહબુદ્દીન રાઠોડના શિક્ષકો જેમ બહારવટિયે નીકળ્યાં અને લૂંટનો કાર્યક્રમ, પ્રશ્નોત્તરી વગેરેનાં પત્રકો તૈયાર કર્યાં એ જ અદાથી મનમોહન સિંહ 26/11ના સંદર્ભમાં પાકિસ્તાનને પ્રશ્નાવલીઓનાં ડોઝીયરો મોકલતાં રહ્યા. પાકિસ્તાનીઓને થયું કે અરે આ ભારત ગોળીઓના જવાબ ફૂલો મોકલીને આપે છે. તેઓને વધુ ચાનક ચડી. ટ્રેનોમાં, લશ્કરનાં થાણાં ઉપર ત્રાસવાદીઓનાં આક્રમણ વધી ગયાં. હેમરાજ અને બીજા સૈનિકોનાં શિર કાપીને પાકિસ્તાનીઓ લઈ ગયાં અને સરકારે વધુ ડોઝીયર મોકલ્યાં. ‘શા માટે અમારા પર હુમલો કર્યો? તેનો લેખિત જવાબ આપો.’ત્યાં સુધી કે કાશ્મીરમાં ભારતના સૈનિકોને માત્ર બંદૂકો ઉપાડીને ફરવાની છૂટ આપી. કોઈ પણ જવાનોને માથે ટપલી દાવ રમે તો જવાને હસતા મોંએ જવાબ આપવાનું રહેતું હતું.

સમાંતરે પાકિસ્તાનના રાજદૂતો અને ત્રાસવાદી નેતાઓ દિલ્હીમાં આવી કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે મિલાપ યોજે, ભારત વિરુધ્ધ ચર્ચા વિચારણા કરે, તેની ફાઈવસ્ટાર સુવિધાઓ પૂરી પાડી. પાકિસ્તાનના ત્યારના વડા પ્રધાન ગિલાનીને અજમેર શરીફ ખાતે સુશોભિત હાથી દ્વારા ભારતના એ શત્રુનું સન્માન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાની ત્રાસવાદીઓ એમના કામમાં ઓટ આવવા દેતા ન હતા. પણ ‘પ્રામાણિક’મનમોહનનું રવાડુંય ફરકતું ન હતું. વિદેશોના સત્તાધીશો ભારત આવતા ત્યારે એ સત્તાધીશ મેહમાન સામે વડા પ્રધાન મનમોહન સિંહે જ્યાં બેસવું જોઈએ ત્યાં સોનિયા ગાંધી બેસી જતાં અને મનમોહન સિંહ કોઈ દૂરના સોફા પર બેસતા. મનમોહન પ્રામાણિક હતા તો ગુંડા-અપરાધી વગેરેને માટે સંસદમાં પ્રવેશવાનો માર્ગ શા માટે મોકળો કરવો જોઈએ! સોનિયા ગાંધીની કોઈએ નિભાવી નહીં હોય એટલી વફાદારી આ વિદ્વાને નિભાવી હતી.

ન્યાયને બાજુએ હડસેલીને એ સોનિયાની તરફેણમાં વોટ બેન્કનું મનોરંજન કરી રહ્યા હતા. લોકશાહી દેશના વડા પ્રધાન તરીકે આ સારાં લક્ષણ ન કહેવાય. બર્મિંગહામ(યુ.કે.)ના એક એરપોર્ટ પર એક મુસ્લિમ ત્રાસવાદીએ દારૂગોળો ભરેલી ટ્રક સાથે હુમલો કર્યો હતો. ટ્રક એરપોર્ટની દિવાલ સાથે અફળાવી. યુકેની પોલીસને તપાસ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના મુસ્લિમ યુવાન સાથેની લિન્ક મળી. ઓસ્ટ્રેલિયાની પોલીસે પૂછપરછ માટે તે યુવકને અટકમાં લીધો. બીજે દિવસે સવારે સંસદમાં મનમોહન સિંહે અતિશય દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે એક ભારતીય લઘુમતીના યુવાન (નિર્દોષ એમ વાંચો)ની ઓસ્ટ્રેલિયાની પોલીસે ધરપકડ કરી છે તે બાબતથી મને ગઈકાલ આખી રાત ઊંઘ ન આવી.

બરાબર એ જ અરસામાં યમન અને સુદાનમાં ત્યાંના ચાંચિયાઓએ લાંબા સમયથી ડઝનબંધ નિર્દોષ ભારતીયોને બાનમાં રાખ્યાં હતાં. એ બાનમાં કેટલાક પાકિસ્તાનીઓ પણ હતા. ભારત સરકાર તેઓને છોડાવવા કોઈ પ્રયત્નો કરી રહી ન હતી. આખરે પાકિસ્તાન સરકારના પ્રયત્નો વડે પાકિસ્તાનીઓ સાથે એ ભારતીયોનો છૂટકારો થયો હતો. ત્યારે વડા પ્રધાન મનમોહનનું રૂંવાડું ફરક્યું ન હતું, ઊંઘ ઊડી ન હતી. સુબ્રમણ્યમ સ્વામી એમને કરોડરજ્જુ વગરના પ્રામાણિક કહેતા. જો એમણે યોગ્ય સમયે રાજીનામું ધરી દીધું હોત તો ભવિષ્યનો ઈતિહાસ એમનું સન્માન કરે. હાલમાં તો આ લખનારની નજરે એ એક સત્તાલોલુપ બૌધ્ધિક પાખંડી હતા. બૌધ્ધિકોનો સ્વાર્થ કે બદમાશી જલ્દી જાહેર થતાં નથી. અર્થશાસ્ત્રી તરીકે ઉત્તમ હશે, પણ મોરચા પર જઈને લડવાનું સૈનિકે હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top