એક દૃશ્ય.– ‘‘બહેતર શું? આયુર્વેદિક કે એલોપથી?’’ ‘‘ખબર નથી…આપણને બચાવવા માટે બેમાંથી એકે સુલભ નહોતું.’’ આ સંવાદ કોઈ જીવિત વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ રેતમાં દફન થયેલાં બે શબ વચ્ચેનો છે. બીજું દૃશ્ય.– દિવાલે પોસ્ટર લગાવતા એક માણસને પોલીસ બોચીએથી પકડીને લઈ જાય છે. પોસ્ટર માત્ર કાળા રંગનું છે. તેની પર કશું લખાણ નથી. માણસ કહે છે, ‘‘પણ આ તો કોરું પોસ્ટર છે!’’ પોલીસ કહે છે, ‘‘પણ તારા ‘મન કી બાત’ હું જાણું છું.’’ ત્રીજું દૃશ્ય.-કોવિડ માટેની રસી લેવા આવનાર એક નાગરિકને એક ડૉક્ટર જણાવે છેઃ ‘બીજો ડોઝ ચાર સપ્તાહ પછી.’ બીજા ચિત્રમાં ડૉક્ટર કહે છેઃ ‘કે પછી એ આઠ સપ્તાહ પછી લેજો.’ ત્રીજા ચિત્રમાં ડૉક્ટર કહે છેઃ ‘મને લાગે છે કે સોળ સપ્તાહ પછી એ લેશો તો બહેતર રહેશે.’ અને ચોથા ચિત્રમાં ડૉક્ટર જણાવે છેઃ ‘કે પછી અદર પૂનાવાલા ભારત પાછા ફરે એ પછી લેજો.’ અહીં વર્ણવેલાં આ ત્રણે દૃશ્યો ત્રણ અલગ અલગ કાર્ટૂનમાં ચીતરાયેલાં છે. એ ચીતરનાર કાર્ટૂનિસ્ટ છે મંજુલ.
મંજુલ આજકાલ સમાચારમાં ચમકી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો વધુ એક કાર્ટૂનિસ્ટ એના એ જ કારણસર વધુ એક વાર સમાચારમાં ચમક્યા છે. ‘નેટવર્ક ૧૮’ નામે મીડિયા કંપની સાથે છેલ્લાં છ વર્ષથી કરારબદ્ધ રહેલા મંજુલના કરારનો અંત લાવવામાં આવ્યો છે. આ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીની છે. મંજુલ પોતાનાં કાર્ટૂન ટ્વીટર પર પણ મૂકતા હતા. થોડા સમય અગાઉ ભારત સરકારે ટ્વીટરને પાઠવેલા એક પત્રમાં મંજુલના કોઈ ચોક્કસ કાર્ટૂનને બદલે તેમના આખા પ્રોફાઈલ સામે વાંધો પાડવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે એ ભારતીય કાનૂનનો ભંગ કરે છે. મંજુલે અલબત્ત, આ પત્રને હળવાશમાં લેતાં લખ્યું હતું કે સરકારે કમ સે કમ એટલું કહ્યું હોત કે તેમને કયા ટ્વીટ સામે વાંધો છે!
સરકાર કોઈ પણ હોય, એ હંમેશાં કાર્ટૂનિસ્ટોના નિશાન પર હોય છે અને હોવી જ જોઈએ. આ કારણથી જ કાર્ટૂનિસ્ટો સરકારને ખાસ પસંદ હોતા નથી. દેશના પહેલવહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ વડા પ્રધાનો કાર્ટૂનિસ્ટોનો પ્રિય વિષય બની રહ્યા છે, જે સાવ સ્વાભાવિક છે. એની સામે, એક જવાહરલાલ નહેરુને બાદ કરતાં ભાગ્યે જ કોઈ વડા પ્રધાને પોતાની પરના વ્યંગ્યને બરાબર માણ્યો છે. ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ કે.શંકર પિલ્લાઈને તેમણે કહેલા શબ્દો ‘ડોન્ટ સ્પેર મી, શંકર’ (મને બક્ષતા નહીં, શંકર) યાદગાર બની રહ્યા છે.
પોતાના પક્ષના યા વિપક્ષના સાથીદારો ઘણી વાર ઘણા મુદ્દા અંગે વડા પ્રધાનને યા સરકારને કહી ન શકે એવી ઘણી બાબતો કાર્ટૂનિસ્ટ પોતાના કાર્ટૂનમાં હસતાંરમતાં કહી દે છે. જવાહરલાલ નહેરુનાં જૈવિક વારસદાર એવાં ઈન્દિરા ગાંધીએ પણ આર.કે.લક્ષ્મણના કાર્ટૂનને પ્રતિબંધિત કર્યું હતું. ઈન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા એ પછી તેમણે કાર્ટૂનિસ્ટોને ભરપૂર સામગ્રી પૂરી પાડી હતી. એ સમયે લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ(આઈ) દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ ‘માય હાર્ટ બીટ્સ ફોર ઈન્ડિેયા’માં વિવિધ ચિત્રો થકી વિપક્ષને ભૂંડો ચીતરવાનું શરૂ થયું હતું. તેની સામે ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ રાજિન્દર પુરીએ, બિલકુલ એનાં એ જ ચિત્રોમાં સાવ જુદું લખાણ મૂકીને એક સમાંતર ઝુંબેશ ચલાવી હતી.
ભારતીય જનતા પક્ષના અનેક નેતાઓ પોતાના પરના વ્યંગ્યને માણતા હતા. વિદેશ પ્રધાન જશવંતસિંઘના કાર્યકાળ દરમિયાન બનેલો કંદહાર અપહરણકાંડ સૌને યાદ હશે. એ સમયે કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગે જશવંતસિંઘને તાલીબાની પોષાકમાં ચીતર્યા હતા. આ કાર્ટૂન પ્રકાશિત થયું કે સવારે જ જશવંતસિંઘે સુધીરને અભિનંદન પાઠવવા ફોન કર્યો અને એ અસલ કાર્ટૂનની માંગણી કરી. સુધીરને નવાઈ લાગી. તેમણે પૂછયું કે એ કાર્ટૂનમાં તો પોતે એમને તાલીબાન તરીકે ચીતર્યા છે. જશવંતસિંઘે જણાવ્યું કે પોતે એમાં બહુ ‘ક્યુટ’ દેખાય છે. સુધીરે તેમને એ અસલ કાર્ટૂન ભેટ આપ્યું, જેને જશવંતસિંઘે પોતાના ખંડની દિવાલ પર ગોઠવ્યું હતું. ભાજપના નેતા મુરલી મનોહર જોશી પાંચ-છ મહિના સુધી પોતાને કોઈ કાર્ટૂનમાં ચીતરાયેલા ન જુએ તો સુધીર તેલંગને ફોન કરતા અને સહેજ ગુસ્સે પણ થતા. સુધીરે એ વખતે કહેલું, ‘કોઈ નેતા કાર્ટૂનમાં ચીતરાયેલો જોવા ન મળે તો સમજવું કે તેનો પ્રભાવ ઓસરી રહ્યો છે.’
પશ્ચિમ બંગાળનાં મમતા બેનરજી પોતાના પર બનાવાયેલાં કાર્ટૂન માણી શકતાં નથી. તેમણે કાર્ટૂનિસ્ટોને હેરાન કર્યાના દાખલા તાજા છે. કાર્ટૂનિસ્ટો પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવે એના જેવી હાસ્યાસ્પદ બાબત બીજી એકે નથી અને આવા કિસ્સા હવે વધુ ને વધુ બની રહ્યા છે. સત્તાધીશો ગમે એવી હાસ્યાસ્પદ અને ચિત્રવિચિત્ર હરકતો કરે એ સમાચાર બને, પણ એ જ બાબત પર કોઈ કાર્ટૂનિસ્ટનું બનાવેલું કાર્ટૂન એ સહન ન કરી શકે એ વાત જ કેવી વિચિત્ર છે! એ હકીકત છે કે રમૂજવૃત્તિ ક્યાંયથી લાવી કે મેળવી શકાતી નથી. એ વાતાવરણ મુજબ આપમેળે ખીલતી હોય છે. જે રીતે રાજકારણ હવે છેક ઘરના આંગણે ટકોરા મારતું પહોંચી ગયું છે એ જોતાં રાજકારણમાં રમૂજ બહુ ઝડપથી ‘લુપ્ત થયેલા લક્ષણ’ની શ્રેણીમાં આવી જશે એવા અણસાર જણાઈ રહ્યા છે. રાજ્યસત્તા પર હસવું રાજદ્રોહ હોય તો, રાજ્યસત્તાને હાસ્યાસ્પદ બનાવી મૂકવી એ પ્રજાદ્રોહ નથી? પ્રજાદ્રોહ કરવા બદલ કોની પર કામ ચલાવવું? -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એક દૃશ્ય.– ‘‘બહેતર શું? આયુર્વેદિક કે એલોપથી?’’
‘‘ખબર નથી…આપણને બચાવવા માટે બેમાંથી એકે સુલભ નહોતું.’’
આ સંવાદ કોઈ જીવિત વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ રેતમાં દફન થયેલાં બે શબ વચ્ચેનો છે.
બીજું દૃશ્ય.– દિવાલે પોસ્ટર લગાવતા એક માણસને પોલીસ બોચીએથી પકડીને લઈ જાય છે. પોસ્ટર માત્ર કાળા રંગનું છે. તેની પર કશું લખાણ નથી. માણસ કહે છે, ‘‘પણ આ તો કોરું પોસ્ટર છે!’’ પોલીસ કહે છે, ‘‘પણ તારા ‘મન કી બાત’ હું જાણું છું.’’
ત્રીજું દૃશ્ય.-કોવિડ માટેની રસી લેવા આવનાર એક નાગરિકને એક ડૉક્ટર જણાવે છેઃ ‘બીજો ડોઝ ચાર સપ્તાહ પછી.’ બીજા ચિત્રમાં ડૉક્ટર કહે છેઃ ‘કે પછી એ આઠ સપ્તાહ પછી લેજો.’ ત્રીજા ચિત્રમાં ડૉક્ટર કહે છેઃ ‘મને લાગે છે કે સોળ સપ્તાહ પછી એ લેશો તો બહેતર રહેશે.’ અને ચોથા ચિત્રમાં ડૉક્ટર જણાવે છેઃ ‘કે પછી અદર પૂનાવાલા ભારત પાછા ફરે એ પછી લેજો.’
અહીં વર્ણવેલાં આ ત્રણે દૃશ્યો ત્રણ અલગ અલગ કાર્ટૂનમાં ચીતરાયેલાં છે. એ ચીતરનાર કાર્ટૂનિસ્ટ છે મંજુલ.
મંજુલ આજકાલ સમાચારમાં ચમકી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો વધુ એક કાર્ટૂનિસ્ટ એના એ જ કારણસર વધુ એક વાર સમાચારમાં ચમક્યા છે. ‘નેટવર્ક ૧૮’ નામે મીડિયા કંપની સાથે છેલ્લાં છ વર્ષથી કરારબદ્ધ રહેલા મંજુલના કરારનો અંત લાવવામાં આવ્યો છે. આ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીની છે. મંજુલ પોતાનાં કાર્ટૂન ટ્વીટર પર પણ મૂકતા હતા. થોડા સમય અગાઉ ભારત સરકારે ટ્વીટરને પાઠવેલા એક પત્રમાં મંજુલના કોઈ ચોક્કસ કાર્ટૂનને બદલે તેમના આખા પ્રોફાઈલ સામે વાંધો પાડવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે એ ભારતીય કાનૂનનો ભંગ કરે છે. મંજુલે અલબત્ત, આ પત્રને હળવાશમાં લેતાં લખ્યું હતું કે સરકારે કમ સે કમ એટલું કહ્યું હોત કે તેમને કયા ટ્વીટ સામે વાંધો છે!
સરકાર કોઈ પણ હોય, એ હંમેશાં કાર્ટૂનિસ્ટોના નિશાન પર હોય છે અને હોવી જ જોઈએ. આ કારણથી જ કાર્ટૂનિસ્ટો સરકારને ખાસ પસંદ હોતા નથી. દેશના પહેલવહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ વડા પ્રધાનો કાર્ટૂનિસ્ટોનો પ્રિય વિષય બની રહ્યા છે, જે સાવ સ્વાભાવિક છે. એની સામે, એક જવાહરલાલ નહેરુને બાદ કરતાં ભાગ્યે જ કોઈ વડા પ્રધાને પોતાની પરના વ્યંગ્યને બરાબર માણ્યો છે. ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ કે.શંકર પિલ્લાઈને તેમણે કહેલા શબ્દો ‘ડોન્ટ સ્પેર મી, શંકર’ (મને બક્ષતા નહીં, શંકર) યાદગાર બની રહ્યા છે.
પોતાના પક્ષના યા વિપક્ષના સાથીદારો ઘણી વાર ઘણા મુદ્દા અંગે વડા પ્રધાનને યા સરકારને કહી ન શકે એવી ઘણી બાબતો કાર્ટૂનિસ્ટ પોતાના કાર્ટૂનમાં હસતાંરમતાં કહી દે છે. જવાહરલાલ નહેરુનાં જૈવિક વારસદાર એવાં ઈન્દિરા ગાંધીએ પણ આર.કે.લક્ષ્મણના કાર્ટૂનને પ્રતિબંધિત કર્યું હતું. ઈન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા એ પછી તેમણે કાર્ટૂનિસ્ટોને ભરપૂર સામગ્રી પૂરી પાડી હતી. એ સમયે લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ(આઈ) દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ ‘માય હાર્ટ બીટ્સ ફોર ઈન્ડિેયા’માં વિવિધ ચિત્રો થકી વિપક્ષને ભૂંડો ચીતરવાનું શરૂ થયું હતું. તેની સામે ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ રાજિન્દર પુરીએ, બિલકુલ એનાં એ જ ચિત્રોમાં સાવ જુદું લખાણ મૂકીને એક સમાંતર ઝુંબેશ ચલાવી હતી.
ભારતીય જનતા પક્ષના અનેક નેતાઓ પોતાના પરના વ્યંગ્યને માણતા હતા. વિદેશ પ્રધાન જશવંતસિંઘના કાર્યકાળ દરમિયાન બનેલો કંદહાર અપહરણકાંડ સૌને યાદ હશે. એ સમયે કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગે જશવંતસિંઘને તાલીબાની પોષાકમાં ચીતર્યા હતા. આ કાર્ટૂન પ્રકાશિત થયું કે સવારે જ જશવંતસિંઘે સુધીરને અભિનંદન પાઠવવા ફોન કર્યો અને એ અસલ કાર્ટૂનની માંગણી કરી. સુધીરને નવાઈ લાગી. તેમણે પૂછયું કે એ કાર્ટૂનમાં તો પોતે એમને તાલીબાન તરીકે ચીતર્યા છે. જશવંતસિંઘે જણાવ્યું કે પોતે એમાં બહુ ‘ક્યુટ’ દેખાય છે. સુધીરે તેમને એ અસલ કાર્ટૂન ભેટ આપ્યું, જેને જશવંતસિંઘે પોતાના ખંડની દિવાલ પર ગોઠવ્યું હતું. ભાજપના નેતા મુરલી મનોહર જોશી પાંચ-છ મહિના સુધી પોતાને કોઈ કાર્ટૂનમાં ચીતરાયેલા ન જુએ તો સુધીર તેલંગને ફોન કરતા અને સહેજ ગુસ્સે પણ થતા. સુધીરે એ વખતે કહેલું, ‘કોઈ નેતા કાર્ટૂનમાં ચીતરાયેલો જોવા ન મળે તો સમજવું કે તેનો પ્રભાવ ઓસરી રહ્યો છે.’
પશ્ચિમ બંગાળનાં મમતા બેનરજી પોતાના પર બનાવાયેલાં કાર્ટૂન માણી શકતાં નથી. તેમણે કાર્ટૂનિસ્ટોને હેરાન કર્યાના દાખલા તાજા છે.
કાર્ટૂનિસ્ટો પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવે એના જેવી હાસ્યાસ્પદ બાબત બીજી એકે નથી અને આવા કિસ્સા હવે વધુ ને વધુ બની રહ્યા છે. સત્તાધીશો ગમે એવી હાસ્યાસ્પદ અને ચિત્રવિચિત્ર હરકતો કરે એ સમાચાર બને, પણ એ જ બાબત પર કોઈ કાર્ટૂનિસ્ટનું બનાવેલું કાર્ટૂન એ સહન ન કરી શકે એ વાત જ કેવી વિચિત્ર છે! એ હકીકત છે કે રમૂજવૃત્તિ ક્યાંયથી લાવી કે મેળવી શકાતી નથી. એ વાતાવરણ મુજબ આપમેળે ખીલતી હોય છે. જે રીતે રાજકારણ હવે છેક ઘરના આંગણે ટકોરા મારતું પહોંચી ગયું છે એ જોતાં રાજકારણમાં રમૂજ બહુ ઝડપથી ‘લુપ્ત થયેલા લક્ષણ’ની શ્રેણીમાં આવી જશે એવા અણસાર જણાઈ રહ્યા છે. રાજ્યસત્તા પર હસવું રાજદ્રોહ હોય તો, રાજ્યસત્તાને હાસ્યાસ્પદ બનાવી મૂકવી એ પ્રજાદ્રોહ નથી? પ્રજાદ્રોહ કરવા બદલ કોની પર કામ ચલાવવું?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.