નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) તિહાર જેલમાં (Tihar Jail) બંધ દિલ્હીના (Delhi) પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodia) જામીન અરજીની આજે 20 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સિસોદિયાને રાહત મળી નથી. કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે. અગાઉ રાઉઝ એવન્યુ કોર્ટે 15 એપ્રિલે આ કેસની સુનાવણી કરી હતી.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની અરજી પર શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીબીઆઈએ તેમની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેમને કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અને કિંગપિન ગણાવ્યા હતા. તેમજ સુનાવણી દરમિયાન EDના વકીલે સ્પેશિયલ જજ કાવેરી બાવેજાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટે સિસોદિયાને કેસના માસ્ટર માઇન્ડ માન્યા છે. કોર્ટે સ્વીકાર્યું છે કે તેઓ તપાસને અસર પહોંચાડી શકે છે.
તપાસ એજન્સીની દલીલો સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટ 30 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે. મનીષ સિસોદિયા દિલ્હીની રદ્દ કરાયેલ એક્સાઈઝ પોલિસીના કેસમાં મહિનાઓથી જેલમાં છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન મળી ગયા છે, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
અગાવ મનીષ સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી દાખલ કરીને લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવાની માંગ કરી હતી. સિસોદિયાના વકીલે કહ્યું કે હવે કોર્ટે નિયમિત જામીન પર નિર્ણય અનામત રાખ્યો છે, તેથી વચગાળાની જામીન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે.
સીબીઆઈની દલીલ
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજી પર શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સીબીઆઈએ કહ્યું કે સિસોદિયા આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે, તેથી તેમને જામીન ન આપવા જોઈએ. તપાસ એજન્સીએ દલીલ કરી હતી કે જો જામીન આપવામાં આવે તો સિસોદિયા પુરાવા સાથે ચેડા કરી શકે છે. સીબીઆઈએ કહ્યું કે સિસોદિયા કિંગપિન છે, તે માસ્ટરમાઇન્ડ છે.
હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. તેમજ હાઇ કોર્ટે તેમની જામીન અરજી પહેલા જ ફગાવી દીધી છે. જો તેમને મુક્ત કરવામાં આવે, તો તેઓ કેસની તપાસમાં વિક્ષેપ પેદા કરી શકે છે. આ સાથે જ CBIએ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો હતો. મનીષ સિસોદિયા હાલ તિહાર જેલમાં બંધ છે.