National

પશ્ચિમ બંગાળમાં બે મહિલાઓને નગ્ન કરી માર મારવામાં આવ્યો, અમિત માલવિયાએ શેર કર્યો વીડિયો

કોલકત્તા: 4 મેના રોજ મણિપુરમાં (Manipur) બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી હતી. મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આ વીડિયો ફૂટેજ થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે પરંતુ જેણે પણ આ વીડિયો (Video) જોયો બધાએ આરોપી સામે કડક સજાની માંગ કરી હતી. આ દરમિયાન પશ્ચિમ બંગાળના (West Bengal) માલદામાં બે મહિલાઓને નગ્ન કરીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ચોરીના આરોપ બાદ મહિલાઓને માર મારવામાં આવ્યો છે. ભાજપના કેન્દ્રીય સહ પ્રભારી અમિત માલવિયાએ આ વીડિયો ટ્વીટ કરીને દાવો કર્યો છે કે આ ઘટના પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાની છે.

બંગાળમાં મહિલાઓને નગ્ન કરી માર મારવામાં આવ્યો
આ વીડિયોને ટ્વિટ કરીને અમિત માલવિયાએ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ પણ આ ટ્વીટ શેર કર્યું છે. આ ઘટના પશ્ચિમ બંગાળના માલદાના બામણગોલા પોલીસ સ્ટેશનના પાકુહાટની હોવાનું જણાયું છે. મંગળવારે જ્યારે અહીં બજાર ભરાય છે ત્યારે આ બજારમાં મહિલાઓ પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો અને નગ્ન કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. અમિત માલવિયાએ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે મહિલાઓને નિર્દયતા પૂર્વક માર મારવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો મહિલાઓનાં વાળથી ખેંચી રહ્યા છે તો કેટલાક તેને ચપ્પલથી મારી રહ્યાં છે.

લોકેટ ચેટર્જી અને અમિત માલવિયાએ આ વાત કહી
ભાજપના કેન્દ્રીય સહ પ્રભારી અમિત માલવિયાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં આતંકવાદ સતત તબાહી મચાવી રહ્યો છે. માલદાના બામણગોલા પોલીસ સ્ટેશનના પાકુઆ હાટ વિસ્તારમાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી તેમના પર અત્યાચાર કરી નિર્દયતાથી માર મારવામાં આવ્યો જ્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ આ મામલે ટ્વીટ કર્યું કે આ માત્ર એક રાજ્યોની વાત નથી. આ દેશની દીકરીઓ રાજકારણ, જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના સન્માનની હકદાર છે. પશ્ચિમ બંગાળના માલદામાં બનેલી આ ઘટના ચોંકાવનારી અને ભયાનક છે.

Most Popular

To Top