નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) મહિલાઓ સાથેની ક્રૂરતાનો વીડિયો 19મી જુલાઈએ સામે આવ્યો હતો. જે મોબાઈલ ફોનમાંથી આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે ફોન મળી આવ્યો છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે હવે મણિપુર વાયરલ વીડિયો (Viral Video) કેસની તપાસ સીબીઆઈને (CBI) સોંપી છે. તાજેતરમાં 4 મેના રોજ મહિલાઓ પર થતા અત્યાચારનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ મણિપુરમાં તણાવ વધી ગયો છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચેયને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. આ સાથે આ કેસની સુનાવણી મણિપુરની બહાર આસામમાં થશે.
મણિપુરમાં સેના, સીઆરપીએફ અને સીએપીએફના 35000 વધારાના સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાકર્મીઓએ મેઇતેઈ પ્રભુત્વ ધરાવતા ખીણ વિસ્તારો અને કુકી પ્રભુત્વવાળા પહાડી વિસ્તારો વચ્ચે બફર ઝોન બનાવ્યો છે. ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગનું કામ પૂર્ણ કરવા માટે મોટા પાયે પ્રયાસો ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં મણિપુર-મિઝોરમ બોર્ડર પર 10 કિલોમીટર ફેન્સીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સમગ્ર બોર્ડર પર કાંટાળા તાર લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એજન્સીઓને બોર્ડર પર ફેન્સીંગનું કામ વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
18 જુલાઈ બાદ મણિપુરમાં હિંસાની કોઈ ઘટનામાં કોઈનું મોત થયું નથી. સત્તાવાર આંકડાઓ અનુસાર જાતિ હિંસામાં અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે. જ્યારે 502 લોકો ઘાયલ થયા છે. 6065 FIR નોંધવામાં આવી છે. 361 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. અસ્થાયી રાહત આશ્રયસ્થાનોમાં રહેતા લોકો માટે 209 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મણિપુરમાં અત્યાર સુધીમાં 101 કરોડ રૂપિયાની રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.
મણિપુરમાંથી વીડિયો વાયરલ થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બે મહિલાઓને નગ્ન પરેડ કરવાની ઘટનાએ 140 કરોડ ભારતીયોને શરમ પહોંચાડી છે. તેમણે સંસદ સંકુલમાં કહ્યું કે હું લોકશાહીના આ મંદિરની સામે ઉભો છું, તેથી મારું હૃદય પીડા અને ગુસ્સાથી ભરાઈ ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે કોઈ પણ દોષિતને બક્ષવામાં આવશે નહીં. કાયદો તેની તમામ શક્તિ અને મક્કમતા સાથે કાર્ય કરશે. મણિપુરની આ દીકરીઓ સાથે જે થયું તે ક્યારેય માફ નહીં કરી શકાય.