દેશનાં ઉત્તર પૂર્વના રાજ્ય મણીપુરમાં લગભગ દોઢ મહિના પહેલાં ચાલુ થયેલા તોફાનો અને હિંસા હજુ પણ થંભવાનું નામ નથી લેતા. આ હિંસામાં આશરે સો ઉપર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અને વીસ હજાર જેટલાં લોકો બેઘર બન્યા છે. આ હિંસામાં સેંકડો ઘરો સળગાવી દેવામાં આવ્યા છે. જેમાં કેટલાક ચાલુ મંત્રીઓના ઘરોનો પણ સમાવેશ થાય છે. આ હિંસાથી વ્યથિત લશ્કરના એક મણિપુર નિવાસી નિવૃત્ત જનરલે એ પ્રકારનું વિધાન કર્યું છે કે મણિપુર પ્રસાશનની રીતે નોધારુ થઈ ગયું છે અને તેની હાલત સીરિયા, અફઘાનિસ્તાન જેવી થઈ ગઈ છે. આ વિધાનના સંદર્ભ સાથે બીજા એક ઉચ્ચ પદથી નિવૃત્ત જનરલે દેશની સર્વોચ્ચ નેતાગીરીને આ મામલે દરમ્યાન થવાની અરજ કરી છે. કથિતપણે આ હિંસા કુકી અને મૈતેય એમ બે સમુદાયો વચ્ચેની વંશીય હિંસા છે, પરંતુ સમગ્ર ઘટનાક્રમ તેમજ તે પ્રત્યેના રાજકીય પ્રતિભાવને જોતાં અભ્યાસુઓનો મત બને છે કે તેમાં રાજકીય કાવાદાવા હોવાની પણ પૂરી સંભાવના છે.
તેમનાં મતે પહાડો પર વસનાર ખ્રિસ્તી ધર્માવલંબી કુકી સમુદાય ઈમ્ફાલ ખીણ વિસ્તારમાં વસનાર હિન્દુ ધર્માવલંબી અને રાજકીય તેમજ પ્રશાસનિક રીતે વધુ શક્તિશાળી મૈતેય સમુદાયની સરખામણીએ કેટલાક વિશેષાધિકાર ભોગવે છે. આ હિંસા જે કારણસર ભડકી તે કુકીઓને તે વિશેષાધિકારમાંથી બેદખલ કરવાની યોજનાના ભાગરૂપે હોય શકે. આ મામલે સર્વોચ્ચ નેતાગીરીનું મૌન અકળ અને અકળાવનારું છે. જોકે એ તો ગાંધી હતાં જે હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં ત્વરિત પહોંચી, ઉપવાસ પર ઉતરી લોકોને હિંસા ત્યજવા અરજ કરતાં હતાં. હાલની અતિ સ્વકેન્દ્રી અને દરેક બાબતને રાજકીય લાભાલાભનાં ત્રાજવે તોલનારી નેતાગીરી પાસે એ પ્રકારની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જો આમ જ ચાલ્યું તો આખા દેશમાં ઠેર ઠેર મણીપુરો સર્જાય શકે છે.
નવસારી – કમલેશ મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
રાહુલ ગાંધી બોર્ન વીથ સીલ્વર સ્પુન
તેને કદી ગરીબીનો અનુભવ થયો નથી. શારીરિક મેચ્યોર્ડ થયો, પણ બુધ્ધિનો વિકાસ અટકી ગયો છે. પિતૃપક્ષની અઢળક સંપત્તિમાં આળોટી રહ્યો છે. કર્ણાટકમાં મળેલી સિધ્ધિ અને પ્રસિધ્ધિ (અનએકસ્પેકટેડ) નમન નમનમેં ફર્ક હૈ, બહુ નમે નાદાન પ્રજાએ ખભે ચઢાવ્યો તે જ પ્રજા એને ભોંયભેગો કરશે. ઇતિહાસ સાક્ષી છે.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે