૨૦૨૫ની શરૂઆત થાય એની પૂર્વ સંધ્યાએ એક સારી ઘટના બની. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહે મણિપુરની જનતાની માફી માગી અને કહ્યું કે, છેલ્લા થોડા મહિનાઓમાં જે કાંઈ બન્યું છે એ દુ:ખદાયી છે. ઘણાં લોકોએ જાન ખોયા છે. હજારો લોકો બેઘર બન્યાં છે. પણ જે બની ગયું એ બની ગયું , એને ભૂલીને આગળ વધવું પડશે. સ્થિતિ હવે કાબૂમાં આવી રહી છે. ચાલો, એક નવી સવાર માટે કામ કરીએ.
એમની આ માફી આવકાર્ય છે પણ માફી માગવામાં એમણે બહુ સમય લીધો. છેલ્લા દોઢેક વરસથી મણિપુર હિંસાની આગમાં રીતસરનું સળગી રહ્યું છે. પૂર્વોત્તરનાં રાજ્યોમાં સૌથી વધુ અશાંતિ મણિપુરમાં છે એવું સરકારી આંકડાઓ કહે છે. વંશીય હિંસાનો ભોગ બનેલા આ રાજ્યને શાંતિના મલમપટ્ટાની જરૂર છે પણ એ કામ કરે કોણ? ૩૦૦ લોકો મૃત્યુ પામ્યાં છે અને ૬૦,૦૦૦થી વધુ લોકો બેઘર છે અને આજેય રાહત કેમ્પમાં રહે છે.
મેઈતી અને કુકી સમાજ વચ્ચેના સંઘર્ષના કારણે હિંસા શરૂ થઇ એ અટકતી નથી અને એ અટકાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. મણિપુરમાં બે ભાગ પડી ગયા છે. નીચે એક સમાજ રહે છે અને પહાડી પર બીજો સમાજ અને એકબીજાના વિસ્તારમાં જઈ શકાતું નથી અને એ નિયમ બધાને લાગુ પડે છે. સરકારી અધિકારીઓ અને રાજકીય લોકોને પણ. કોઈ અધિકારીને મેઈતી વિસ્તારમાંથી કુકી સમાજના વિસ્તારમાં જવું હોય અને ડ્રાઈવર એ સમાજનો ના હોય તો ડ્રાઈવર બદલવો પડે છે. આ સ્થિતિ છે. પતિ પત્ની અલગ અલગ સમાજનાં હોય તો એમણે અલગ રહેવું પડે છે ત્યાં સુધી સ્થિતિ બદતર બની છે.
બીજું કે, આ રાજ્યમાં બહારની દખલગીરી હોવાના પુરાવા પણ મળ્યા છે. ચીની હથિયારો મળતા આવ્યાં છે. આ સૌથી ગંભીર બાબત છે અને વાસ્તવિકતા એ છે કે, બિરેન સરકાર હિંસાને કાબૂમાં લઇ શકાઈ નથી અને ગયા મહિને જીરીબામ જિલ્લામાં જે હિંસા થઇ એ પછી તો ભાજપના જ ધારાસભ્યોએ રજૂઆત કરી છે. દિલ્હી સુધી રજૂઆત થયા બાદ પણ કોઈ પગલાં લેવાયાં નથી. હા, લશ્કરની હાજરી વધી છે. પણ લશ્કર એ આ સમસ્યાનો ઉપાય નથી. બે સમાજ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ પેદા થાય એ જરૂરી છે. એ કોણ કરી શકે? એનો જવાબ મળવો બાકી છે.
મણિપુરની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર આ મુદે્ નિષ્ફળ ગઈ છે એ વાસ્તવિકતા છે અને કોંગ્રેસ આ મુદે્ આકરી ટીકાઓ કરે છે. ખાસ તો નરેન્દ્ર મોદી એક વાર પણ મણિપુર ગયા નથી એ મુદે્ બહુ ટીકાઓ થાય છે. જવાની વાત તો દૂર રહી પણ મણિપુર વિષે કોઈ ટીપ્પણી પણ કરતા નથી. મણિપુરને શાંતિનો સંદેશ મળે એ જરૂરી છે. પૂર્વોત્તરનાં રાજ્યોમાં કેન્દ્ર સરકારને બહુ રસ પડતો નથી એવી જૂની છાપ ફરી તાજી થઇ રહી છે. પૂર્વોત્તરમાં ભાજપનો દબદબો વધ્યો છે પણ એનો ફાયદો આ રાજ્યોને થવો જોઈએ. ત્યાં શાંતિ સ્થપાય અને વિકાસનાં દ્વાર ખૂલે એ આવશ્યક છે. એ દિશામાં પ્રયત્નો નવા વર્ષમાં શરૂ થાય એવી આશા રાખીએ.
દિલ્હીમાં કેજરીવાલની ચાલમાં ભાજપ ફસાયો
દિલ્હીમાં ચૂંટણી અંગે ઝાઝા દિવસો રહ્યા નથી. આ વેળા ત્રિકોણીય જંગ થાય એવી શક્યતા વધુ છે. ભાજ્પની જેમ જ કોંગ્રેસે પણ આપ સામે મોરચો ખોલ્યો છે. પણ કેજરીવાલ જે રીતે ચાલ ચાલી રહ્યા છે એમાં ભાજપ ફસાતો જાય છે. એક પછી એક જાહેરાત કરવા લાગ્યા છે કેજરીવાલ અને એમાંય પુજારીઓ અને ગુરુદ્વારાનાં ગ્રંથીઓને દર મહિને રૂ. ૧૮,૦૦૦નું માનદ વેતન અપાશે. આ જાહેરાત થઇ અને દિલ્હી સરકારના અધિકારીઓએ એનો ઇનકાર કર્યો. અધિકારીઓ દ્વારા આવી જાહેરાતોનો વિરોધ થાય એ વિચિત્ર લાગે છે કારણ કે, કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશીએ સ્પષ્ટ કહ્યું છે કે, આપ સરકાર ફરી ચૂંટાય તો આ જાહેરાતનો અમલ થશે.
એ વાત સાચી કે, કોઈ પણ ફ્રી બી ઈચ્છનીય નથી. એના કારણે સરકાર પર આર્થિક બોજ પડે છે અને આ વાત માત્ર કેજરીવાલના જ પક્ષને લાગુ પડતી નથી. ભાજપ અને વિપક્ષ બંનેની સરકારોને લાગુ પડે છે. પણ કેજરીવાલની આ જાહેરાતથી ભાજપને સમસ્યા થઇ છે. એ આવી જાહેરાતનો વિરોધ તો કરી શકે એમ નથી. કારણ કે, હિન્દુત્વનો સવાલ પણ આવે. શીખોનો સવાલ પણ આવે. પણ ભાજપે કહ્યું કે, આ જાહેરાત વાતોનાં વડાં છે. મૌલવીઓને માંડ વેતનની જાહેરાત થઇ હતી પણ ઘણા સમયથી પગાર મળ્યો નથી. આ વાતેય સાચી છે અને આતિશીએ કહેવું પડ્યું છે કે, તુરંત એમાં પગાર થઇ જશે. પણ મહત્ત્વની વાત એ છે કે, કેજરીવાલની ચાલમાં ભાજપ આબાદ ફસાયો છે. આપ સરકારે દિલ્હીમાં અનેક ફ્રી બી યોજનાઓ આપી છે અને એનાથી દિલ્હીની પ્રજા રાજી છે.
સાથે દિલ્હીની કેટલીક સમસ્યાઓ પણ છે અને એનું એક કારણ દિલ્હીની આપ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેની અંટસ પણ છે. દિલ્હીના એલજી અને આપ વચ્ચે વારેવારે વાંધા પડ્યા કરે છે અને એનું નુકસાન દિલ્હીની પ્રજાએ ભોગવવું પડે છે. આપે તો શિલા દીક્ષિત શાસનના ભ્રષ્ટાચારની વાતો કરી કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તો કોઈક નેતા પૈસા આપે છે , મતદારોનાં નામ હટાવાય છે , ઉમેરાય છે એમ કહી ભાજપ પર વાર કરે છે. કેજરીવાલે તો મોહન ભાગવતને પત્ર લખ્યો અને એના ખુલાસા ભાજપે કરવા પડે છે. આ વેળાની દિલ્હીની ચૂંટણી વધુ રસપ્રદ બની છે અને આપ ફરી સત્તા પર આવ્યો તો ભાજપ માટે મોટી નાલેશી ગણાશે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.