SURAT

સુરતની સૌથી પહેલી રેડીમેડ કપડાની દુકાન: મણીલાલ સ્ટોર્સ આજે પણ સ્કૂલ યુનિફોર્મ માટે જાણીતું નામ

આજથી 83 વર્ષ પહેલાં સુરતના લોકો કાપડ લઈને દરજી પાસે શર્ટ-પેન્ટ આદી કપડાં સિવડાવતા ત્યારે આખા સુરતમાં એક પણ રેડીમેડ કપડાની દુકાન નહીં હતી. 1939માં સુરતમાં સૌથી પહેલી રેડીમેડ કપડાંની દુકાન ભાગળ ચાર રસ્તા સિગ્નલ પાસે શરૂ થઈ હતી. આ પેઢી એટલે મણીલાલ સ્ટોર્સ જેનું વિસ્તરણ આજે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ દુકાનોથી થયું છે. આ પેઢીનો પાયો જ્યારે નંખાયો ત્યારે આ પેઢી દ્વારા મુંબઈથી રેડીમેડ કપડાં લાવીને સુરતીઓની તૈયાર કપડાંની જરૂરિયાત પુરી કરવામાં આવતી. વહેતા સમયની સાથે આ પેઢીએ શહેરની સ્કૂલોની યુનિફોર્મની જરૂરિયાત પૂરી કરવાની શરૂઆત કરી. આજે શહેરની મોટાભાગની સ્કૂલોની યુનિફોર્મની જરૂરિયાત પૂરી કરનાર આ પેઢીની 83 વર્ષની સફર અને ગળાકાપ હરીફાઈના આ યુગમાં સ્કૂલ યુનિફોર્મ માટે આ પેઢી વિશ્વાસનું સરનામું બની છે તો ક્યા કારણથી તે આ દુકાનની બીજી, ત્રીજી અને ચૌથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ. આજથી 83 વર્ષ પહેલાં સુરતના લોકો કાપડ લઈને દરજી પાસે શર્ટ-પેન્ટ આદી કપડાં સિવડાવતા ત્યારે આખા સુરતમાં એક પણ રેડીમેડ કપડાની દુકાન નહીં હતી. 1939માં સુરતમાં સૌથી પહેલી રેડીમેડ કપડાંની દુકાન ભાગળ ચાર રસ્તા સિગ્નલ પાસે શરૂ થઈ હતી. આ પેઢી એટલે મણીલાલ સ્ટોર્સ જેનું વિસ્તરણ આજે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ દુકાનોથી થયું છે. આ પેઢીનો પાયો જ્યારે નંખાયો ત્યારે આ પેઢી દ્વારા મુંબઈથી રેડીમેડ કપડાં લાવીને સુરતીઓની તૈયાર કપડાંની જરૂરિયાત પુરી કરવામાં આવતી. વહેતા સમયની સાથે આ પેઢીએ શહેરની સ્કૂલોની યુનિફોર્મની જરૂરિયાત પૂરી કરવાની શરૂઆત કરી. આજે શહેરની મોટાભાગની સ્કૂલોની યુનિફોર્મની જરૂરિયાત પૂરી કરનાર આ પેઢીની 83 વર્ષની સફર અને ગળાકાપ હરીફાઈના આ યુગમાં સ્કૂલ યુનિફોર્મ માટે આ પેઢી વિશ્વાસનું સરનામું બની છે તો ક્યા કારણથી તે આ દુકાનની બીજી, ત્રીજી અને ચૌથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

વંશવેલો – રતનશી ભવાનભાઈ વિઠ્ઠલાણી, ચન્દ્રાબેન પ્રદીપભાઈ અઢિયા, પ્રદીપભાઈ વિઠ્ઠલદાસ અઢિયા, અનિષભાઈ પ્રદીપભાઈ અઢિયા, અમિતભાઇ પ્રદીપભાઇ અઢિયા, અંશુલ અનિષભાઈ અઢિયા

એક સમયે આ પેઢીની 8 બ્રાન્ચ હતી
અમિતભાઇ અઢિયાએ જણાવ્યું કે ,ભાગળ પરની દુકાન ઉપરાંત 1987માં રાંદેર તાડવાડીમાં બ્રાન્ચ શરૂ કરવામાં આવી, 1990માં ઘોડદોડ રોડ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે અને 2002માં સીટીલાઈટ વિસ્તારમાં આ પેઢીની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. એક સમયે સુરતના અલગ-અલગ વિસ્તારમાં 8 બ્રાન્ચીસ હતી. ભાગળ, ઘોડદોડ રોડ, રાંદેર ઉપરાંત ઉધના,અડાજણ, ભટાર, પીપલોદ અને પર્વત પાટીયા વિસ્તારમાં પેઢીની બ્રાન્ચ હતી. અમે સમય સાથે ચાલીને ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું જેથી કસ્ટમર ઓનલાઇન શોપિંગ કરી શકે. ઓનલાઇન પોર્ટલને કારણે બ્રાન્ચની સંખ્યા ઘટાડી. ભાગળની બાજુમાં બુંદેલાવાડમાં ફેક્ટરીની શરૂઆત ચાર મશીનથી કરવામાં આવી હતી. પછી બાજુમાં મોટી જગ્યા લઈને બીજી ફેકટરી કરી હતી. 2 અલગ-અલગ પ્રીમાઈસીસના બદલે હવે ઉધના-મગદલ્લા રોડ પર મોટી ફેકટરી નાંખી કટિંગથી લઈને ફિનિશીંગ તથા કોર્પોરેટ ઓફિસનો બધો કારભાર બધું જ એકજ માળખામાં આવી જાય છે. અમારી દુકાનના સ્ટાફમાં ચાર-પાંચ કર્મચારી 50-60 વર્ષથી આ પેઢીમાં જ છે. મારા મોટા ભાઈ અનિષ અઢિયાના દીકરા અંશુલે ધંધામાં ઝંપલાવ્યા બાદ નવું સોપાન એટલે કાપડ પણ જાતે બનાવવાનું શરૂ કર્યું. જેમાં યાર્ન જાતે લઈને નિટિંગ અને ફિનિશીંગ કરીને કાપડ ખુદ બનાવતા થયા છીએ.

જન્માષ્ટમીના મેળામાં મુંબઈથી રેડીમેડ કપડાનો માલ વેચવા આવતાં
સુરતમાં આ પેઢીનો પાયો નાખનાર રતનશી ભવાનભાઈ વિઠ્ઠલાણી પહેલાં મુંબઈમાં કાંદીવલીમાં રહેતાં હતાં. તેઓ સુરતમાં રૂવાળા ટેકરા પાસે ભરાતા જન્માષ્ટમીના મેળામાં મુંબઇથી રેડીમેડ કપડાનો માલ લઈને વેચવા આવતાં. ત્યારે તેમને લાગ્યું કે સુરતમાં રેડીમેડ કપડાંની દુકાન ખોલવા જેવી છે. મુંબઈમાં રતનશીનાભાઈના ભાઈ કલ્યાણજીભાઈની મુંબઈ ગ્રાન્ટ રોડ પર કપડાની દુકાન હતી. એ જમાનામાં જ્યારે મોટાભાગના લાકડાનાં બિલ્ડીંગ રહેતા ત્યારે સુરતમાં ભાગળ ચાર રસ્તા સિગ્નલ પાસે શહેરની પહેલી વહેલી RCC કન્સ્ટ્રકશનવાળી રેશમવાલા બીલ્ડીંગમાં 1939માં દશેરાના દિવસે રતનશી વિઠ્ઠલાણી દ્વારા આ પેઢીનો પાયો નંખાયો. તેમણે તેમના ભાઈ કલ્યાણજીભાઈના દીકરા મણીલાલના નામથી આ દુકાન શરૂ કરી હતી.
1960માં મુંબઈની ટ્રેનની ટીકીટ 4.50 રૂપિયા હતી ચન્દ્રાબેન અઢિયાએ જણાવ્યું કે તેમના લગ્ન મુંબઈના પ્રદીપ અઢિયા સાથે થયાં હતાં. લગ્ન બાદ સુરત આવવા-જવાનું ચાલુ રાખ્યું હતું. તે સમયે સૂરતથી મુંબઈની ટ્રેનની ટીકીટ 4.50 રૂપિયા હતી. મારા લગ્ન બાદ આ પેઢીનું સંચાલન થોડો સમય ફોઈના દીકરા બાબુભાઇ ઠક્કરે કર્યું હતું. મારે દુકાન ચાલુ રાખવી હતી એટલે હું મુંબઈથી સુરત આવી ગઈ અને મારા પતિ પણ પેઢીમાં બેસતા થયા.

પહેલા કસ્ટમર ચા મંગાવવાનું કહેતા પછી કપડા સિલેક્ટ કરતા
આ પેઢીનું કસ્ટમરો સાથે ખૂબ સારુ બોંડિંગ રહ્યું છે. કસ્ટમર આવતા ત્યારે પહેલાં કાઉન્ટર પર બેસતા અને ચા મંગાવવાનું કહેતા. ચા પીધા બાદ કસ્ટમર કપડાંનું સિલેક્શન કરતા. જ્યારે પણ ગ્રાહક નારાજ થઈને જાય ત્યારે પેઢીનાં સંચાલકોને ખૂબ અફસોસ થાય છે. કોમ્પિટિશનના આ જમાનામાં પણ ઉત્તમ ક્વોલિટ અને રિઝનેબલ ભાવને કારણે આજે આ પઢી 83 વર્ષે પણ અડીખમ ઉભી છે.

દાદા તમને યાદ છે મને તમે પરીનો ડ્રેસ બનાવી આપેલો: પ્રદીપભાઈ અઢિયા
ચન્દ્રાબેનના પતિ પ્રદીપભાઈ અઢિયા એ એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે વર્ષો પહેલાં એક બેન તેમની દીકરીને લઈને દુકાને આવ્યા હતા. બેને કહ્યુ કે તેમની દીકરીની સ્કૂલમાં એન્યુઅલ ડે છે જેમાં દીકરી પરી બનીને જવાની છે તો તમે મારી દીકરી માટે પરીનો ડ્રેસ કરીને આપો. ત્યારે મેં તે બહેનને કીધું કે અમે ઇન્ડીવિજ્યુઅલ ડ્રેસ નથી બનાવી આપતા. પણ પછી તે બેને ડ્રેસ બનાવી આપવા માટે આગ્રહ કરતા મેં ફેકટરી પર મારી પત્ની ચન્દ્રાને ફોન કરતા પત્નીએ કહ્યું ટ્રાઇ કરીએ પછી મેજરમેન્ટ લઈને અમે આઉટ ઓફ ધી વે જઈને પરીનો ડ્રેસ બનાવી આપેલો. વર્ષો પછી એક દિવસ હું ઘોડદોડ રોડની દુકાન પર બેઠો હતો ત્યારે એક જુવાન છોકરી દોડતી-દોડતી મારી પાસે આવી અને મને પગે લાગીને કીધું દાદા મને ઓળખી તમે મને પરીનો ડ્રેસ બનાવી આપ્યો હતો. આ કિસ્સો મારા માટે ઇમોશનલ રિવોર્ડ ગણાય.

પિતાને પેરાલીસીસ હોવાથી અને વિઝન ઓછું હોવાથી નાનપણથી દુકાનમાં બેસતી: ચન્દ્રાબેન અઢિયા
રતનશી વિઠ્ઠલાણીની પુત્રી ચંદ્રાબેન અઢિયાએ જણાવ્યું કે હું ચૌથા-પાંચમાં ધોરણમાં હતી ત્યારથી હું દુકાનમાં બેસતી. મારા પિતા રતનશીભાઈને પેરાલીસીસ હતું અને આંખે વિઝન ઓછું હોવાથી હું પિતાને દુકાનમાં મદદ કરતી. હું ડોક્ટર બનવા માંગતી હતી પણ હું 10માં ધોરણમાં હતી ત્યારે પિતાનું અવસાન થયું હતું જેથી દુકાન ચલાવવાની જવાબદારી મારી પર આવી. હું અને મારો ફોઈનો દીકરો પેઢીનું સંચાલન કરવા લાગ્યાં. જોકે થોડાં સમય બાદ હું એકલીજ દુકાન સંભાળતી થઈ હતી. મારા મેરેજ પ્રદીપભાઈ અઢિયા સાથે થયાં બાદ મારા પતિ પણ મને પેઢીના સંચાલનમાં સપોર્ટ કરવા લાગ્યાં. હું આજે પણ સક્રિયપણે પેઢીનું દોરીસંચાલન કરી રહી છું.

1987 થી સ્કૂલ યુનિફોર્મ આપવાનું શરૂ કર્યું: અનિષભાઈ અઢિયા
આ દુકાનના ત્રીજી પેઢીના સંચાલક અનિષભાઈ અઢિયાએ જણાવ્યું કે આ દુકાનમાં શરૂઆતથી રેડીમેડ ફેન્સી કપડા વેચવામાં આવતાં પણ પછી જમાના સાથે ચેન્જ થઈ અમે 1987થી સ્કૂલ યુનિફોર્મ વેચવાનું શરૂ કર્યું. સ્કૂલ શરૂ થાય એટલે ફેન્સી કપડાં ગોડાઉનમાં મૂકી દેતાં અને સ્કૂલ યુનિફોર્મ વેચતા. નવરાત્રી પછી યુનિફોર્મ ગોડાઉનમાં મૂકી દેતાં અને ફેન્સી ડ્રેસનો માલ વેચાણ માટે બહાર કાઢતા. પણ પછી ધંધાનો વ્યાપ વધતાં બંને પ્રકારના કપડાંના વેચાણ પર ધ્યાન આપવાનું મુશ્કેલ બનતાં 1992થી ફેન્સી ડ્રેસ વેચવાનું બંધ કર્યું. અમે મુંબઈની વાલકેશ્વર સ્થિત ગોપી બિરલા મેમોરિયલ સ્કૂલમાં યુનિફોર્મ આપ્યાં હતાં. જયપુરમાં સ્થિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલને છેલ્લાં ત્રીસ વર્ષથી યુનિફોર્મ આપીએ છીએ. શરૂઆતમાં પ્લેન યુનિફોર્મ ચાલતાં જેમકે નેવી બ્લુ અને ખાખી હાફપેન્ટ અને વ્હાઇટ શર્ટ. પછી સ્ટ્રાઇપવાળા, ચેકસવાળા ડિઝાઇનર યુનિફોર્મ ઇન્ટ્રોડ્યુસ કર્યા. સ્કૂલમાં PT યુનિફોર્મ આપતાં થયા. લુર્ડ્ઝ કોન્વેન્ટ સ્કૂલમાં PT ડ્રેસમાં પહેલી વખત ચાર હાઉસના રેડ, બ્લૂ, ગ્રીન અને યેલો ડ્રેસ ઈન્ટ્રોડ્યુસ કર્યા.

રેડીમેડ યુનિફોર્મની પહેલ આ પેઢીએ કરી
પહેલાં સ્કૂલ યુનિફોર્મ રેડીમેડ નહીં મળતા હતા વાલીઓએ તેમના બાળકોના યુનિફોર્મ સિવડાવવા પડતાં હતાં. અનિષભાઈનું વિચારવું હતું કે, આપણી પેઢી રેડીમેડ ડ્રેસ આપતી થાય અને સ્કૂલોને એપ્રોચ કરવામાં આવે કે વાલીઓને જણાવે કે અહીં રેડીમેડ યુનિફોર્મ મળશે તો વાલીઓને સરળતા રહેશે. આ રીતે તેમણે રેડીમેડ યુનિફોર્મનું નવું સાહસ શરૂ કર્યું. આ પેઢીના યુનિફોર્મની ક્વોલિટી સારી હોવાથી કસ્ટમર અહીંથી યુનિફોર્મ લેવાનું પસંદ કરે છે.

ત્રણ-સવા ત્રણ રૂપિયામાં શર્ટ મળતું: અમિતભાઈ અઢિયા
આ દુકાનની ત્રીજી પેઢીનાં સંચાલક અમિતભાઈ અઢિયાએ જણાવ્યું કે 1950ની આસપાસ આ દુકાનમાં ત્રણ-સવા ત્રણ, ચાર રૂપિયામાં શર્ટ વેચાતું, છત્રી 12થી 15 રૂપિયાના ભાવમાં વેચાતી. આ પેઢીની શરૂઆત થઈ ત્યારે પેન્ટ-શર્ટ, કોટ, બંડી,પાયજામા,કફની, ધોતી, સાડી, છત્રી, રેઇનકોટ, ગાંધી ટોપી, ગંજી, કાપડ, બ્લેન્કેટ, ચારસા, શાલ, સ્વેટર પણ વેંચતા. સ્કૂલ ડ્રેસ વેચાણ શરુ કર્યું ત્યારે એકજ કલર ની ત્રણ ક્વોલિટી જેમકે પ્રીમિયમ ક્વોલિટી, સુપર ડીલક્સ અને ડીલક્સ ક્વોલિટી રાખતા જેથી કસ્ટમરને ચોઇસ મળી રહે. ડિઝાઇન, ક્વોલિટી અને સાઈઝ પ્રમાણે યુનિફોર્મની કિંમત નક્કી કરવામાં આવે છે.

ડોક્ટરે કહ્યું હું તમારા જ સ્કૂલ યુનિફોર્મ પહેરીને મોટો થયો છું
ચન્દ્રાબેન અઢિયાએ જણાવ્યું કે મારા હસબન્ડ પ્રદીપભાઈ ગત જૂન મહિનામાં બીમાર પડયા હતા ત્યારે તેમને બેન્કર હોસ્પિટલમાં એડમિટ કર્યા હતાં. ત્યાં ડૉ. દીશાંક શાહ અને મારો દીકરો અમિત સાથે આવ્યા અને ડો. દીશાંકે મને જોઈને કહ્યું કે મેં તમને પહેલાં પણ જોયા છે એટલે મારા દીકરાએ મણીલાલ સ્ટોર્સ કહ્યું ત્યારે ડોક્ટરે કહ્યુ હું તમારા સ્ટોર્સના યુનિફોર્મ પહેરીને જ મોટો થયો છું. આ અમારા મણિલાલ સ્ટોર્સ પ્રત્યેની લોકોની લાગણી છે.

સુરતની અગ્રગણ્ય સ્કૂલોમાં આ દુકાનના યુનિફોર્મ જાય છે: અંશુલ અઢિયા:
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક અંશુલભાઈ અઢિયાએ જણાવ્યું કે અમારી મણિલાલ સ્ટોર્સમાંથી સુરતની અગ્રગણ્ય સ્કૂલો જેમાં સેન્ટ ઝેવિયર્સ, મેટાસ એડવેન્ટીસ્ટ, લુર્ડ્ઝ કોન્વેન્ટ સ્કૂલ, કન્ટ્રી સાઈડ, પ્રેસિડેન્સી, સંસ્કારભારતી સહિતની મોટાભાગની સ્કૂલોમાં આ પેઢી દ્વારા તૈયાર કરવામાં આવેલા યુનિફોર્મ જાય છે. સુરતની બહાર અંકલેશ્વર, વાપી, વલસાડ, બારડોલી, વ્યારાની સ્કૂલોમાં પણ આ પેઢીનાં સ્કૂલ ડ્રેસ જાય છે. કોઈ વિદ્યાર્થીના માપ પ્રમાણેના યુનિફોર્મ ઉપલબ્ધ ના હોય તો આ પેઢી ઇન્ડીવિઝ્યુઅલ યુનિફોર્મ પણ બનાવી આપવામાં આવે છે.

Most Popular

To Top