સુરતઃ સુરત જિલ્લાના માંગરોળના મોટા બોરસરા ગામે સગીરા સાથે થયેલા ગેંગરેપ કેસમાં સુરત જિલ્લા એલસીબીએ ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ કરી હતી. માંડવીના તડકેશ્વર ગામેથી મુન્નો પાસવાન અને શિવ શંકર ચોરસિયાને પોલીસે પકડ્યા હતા. દરમિયાન આ કેસમાં એક મોટું અપડેટ જાણવા મળ્યું છે.
ગેંગરેપના એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. આરોપી શિવ શંકરની પોલીસ કસ્ટડીમાં તબિયત બગડી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી. તેથી પોલીસે આરોપી શિવશંકરને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તબીબોએ આરોપીને વેન્ટિલેટર પર રાખ્યો હતો. સારવાર દરમિયાન આરોપી શિવ શંકરનું મોત નિપજ્યું હોવાની વિગતો જાણવા મળી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર ગેંગરેપ કેસમાં પકડાયા બાદ આરોપીઓને પોલીસે બરોબરનો મેથીપાક આપ્યો હતો.
આ કેસમાં ત્રીજો આરોપી રાજુ હજી પણ ફરાર છે. પકડાયેલા આરોપીમાંથી એક બિહારનો અને એક મધ્યપ્રદેશનો વતની છે. બંને આરોપીઓએ સગીરા અને તેના મિત્રને અવાવરું જગ્યામાં જતા જોયા હતા. નરાધમોમાં વાસનાનો કીડો સળવળતા પીછો કરી પાછળ ગયા હતા.
શું બની હતી ઘટના?
હથોડા: માંગરોળના મોટા બોરસરા ગામમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. ગેંગરેપનો ભોગ બનેલી સગીરા આણંદના વિદ્યાનગરની કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને સુરત જિલ્લાની રહીશ છે. સગીરા કોલેજ થઈ ઘરે આવતી હતી અને ચાર મિત્ર સાથે કીમ ખાતે આઇસક્રીમ ખાઈને છૂટા પડી એક મિત્ર સાથે સગીરા નીકળી હતી અને બનાવ બની ગયો હતો.
માંગરોળના ઝંખવાવ તરફની સગીરા અને તેનો મિત્ર કીમ તરફથી એક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ ભરાવી મોટા બોરસરાથી હાઇવે તરફના રસ્તે નીકળ્યાં હતાં. ત્યારે વચ્ચે સૂમસામ જગ્યાએ સગીરા અને તેનો મિત્ર ઊભાં હતાં. એ વેળા એક બાઇક પર ત્રણ નરાધમ આવી પહોંચ્યા હતા અને સૌપ્રથમ સગીરાના મિત્રને લઈ તેનાં કપડાં કાઢી નગ્ન કરી બાનમાં લીધો હતો. એ બાદ સગીરાને નજીકના શેરડીના ખેતરમાં ખેંચી જઈ ત્રણેય નરાધમોએ ગેંગરેપ કર્યો હતો.
એક તરફ બનાવ બની રહ્યો હતો ત્યારે બીજી તરફ સગીરાના મિત્રએ નગ્ન અવસ્થામાં જીવ બચાવી મોટા બોરસરા તરફ દોડી જઈ બૂમો પાડી હતી. આથી મોટા બોરસરાના ગામ લોકોને જાણ થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેતરો ખૂંદી શેરડીના ખેતરમાંથી સગીરાને બેબસ હાલતમાં શોધી કાઢી હતી. આ બનાવ અંગે સૌપ્રથમ કોસંબા અને ત્યારબાદ જિલ્લા પોલીસને જાણ કરાતાં આઈજી રેન્જ અધિકારી, સુરત જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસની કુમક ઘટના સ્થળે દોડી ગયા હતા.
ચારેકોર અલગ અલગ ટીમો બનાવી ખેતરાડીમાં તપાસ શરૂ કરી હતી. રાત્રિના અંધકારના સમયમાં ભાગી છૂટેલા ત્રણેય નરાધમોને પકડવા સ્થાનિક લોકો તેમજ પોલીસ તંત્રએ આખી રાત મહેનત કરી હતી. એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળેથી પોલીસ તંત્રને એક બાઇક અને ખભે ખેસ નાંખવાનો દુપટ્ટો મળી આવતાં પોલીસ તંત્ર વધુ હરકતમાં આવ્યું હતું.
માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો હતો. આખરે સવારે પોલીસ તંત્રને ત્રણમાંથી બે આરોપીને ઝડપી પાડવા સફળતા મળી હતી.