સુરત: ફળોના રાજા કેરીનું (Mango) આ વર્ષે સમગ્ર ગુજરાતમાં (Gujarat) બમ્પર ઉત્પાદન (Production) થયું હતું. કેરીનો ઇતિહાસ 5000 વર્ષથી પણ પુરાણો છે. સુરત જિલ્લામાં પણ કેરીનું માતબર ઉત્પાદન થાય છે. આ વર્ષે ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતા મોડું બેસતા કેરીના રસિયાઓએ મન મૂકીને કેરીનો સ્વાદ માણ્યો હતો. ખાસ કરીને કેસર અને રાજાપૂરી ખાવાનું ચલણ વધુ છે. કેરીના રસિયાઓ અન્ય કેરીઓ પણ ખાવાનું ચૂકતા નથી. ખાસ કરીને વલસાડની હાફુસ તથા નવસારીની કેસર કેરીનું પણ શહેરમાં મોટાપાયે વેચાણ થાય છે.
નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલિયાએ 2022-23ના વર્ષમાં કેરીના ઉત્પાદનની વિગતો આપતા જણાવ્યું હતુ કે સમગ્ર સુરત જિલ્લામાં 9865 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે જેમાંથી આ વર્ષે 50512 મેટ્રિક ટન જેટલું કેરીનું માતબર ઉત્પાદન થયું હતું અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં 33855 હેક્ટરમાં 1,46,932 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો 37295 હેક્ટરમાં 1,79,251 મેટ્રિક ટન સાથે કેરી ઉત્પાદનમાં મોખરે રહ્યો છે.
સુરત જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં કેરીનું વાવેતર 5455 હેકટરમાં થયું છે અને વર્ષ 22-23 દરમ્યાન 27851 મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. ત્યાર બાદ કામરેજ તાલુકામાં 1029 હેકટરમાં 5268 મેટ્રીક ટન, પલસાણામાં 690 હેકટરમાં 3498 મે.ટન, બારડોલી તાલુકામાં 692 હેકટરમાં 3522 મે.ટન, માંગરોળમાં ૩૪૯ હેકટરમાં 1776 મે. ટન, માંડવીમાં 578 હેકટરમાં 1776 મે.ટન, ઓલપાડ તાલુકામાં ૫૪૫ હેકટરમાં 2998 મે.ટન, ચોર્યાસીમાં ૩૫૯ હેકટરમાં 1824 મે.ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જિલ્લામાં કેરીની મુખ્યત્વે 25 થી 30 વિવિધ જાતનુ ઉત્પાદન થાય છે. જેમાં 70 ટકા જેટલા વિસ્તારમાં કેસરી કેરી તથા 30% વિસ્તારમાં અન્ય જાતો જેવીકે રાજાપુરી, લંગડો, તોતાપુરી, દશેરી, અમ્રપાલી, વનરાજ, હાફુસ, કારણજિયો, દાડમીયો, સોનપરીનું પણ ઉત્પાદન થાય છે.
જિલ્લામાં આવેલ મૂલ્યવર્ધન કરતી ખાનગી અને સહકારી ક્ષેત્રની ફેક્ટરીઓ દ્વારા કેરીની વિવિધ બનાવટો જેવી કે રસના ડબા. બોટલ પેકીંગ અને કેરીના અથાણા તથા જ્યુસ બનાવી તેનો યોગ્ય રીતે સંગ્રહ કરી ફેકટરીઓ અને મંડળીઓ દ્વારા વર્ષભર તેનું સારા ભાવે વેચાણ કરવામાં આવે છે. જેમાં નવસારી ખાતે આવેલ પેક્શન ફૂડ, ગણદેવીની અમીધારા કો ઓપરેટિવ, વાંસદાની વસુંધરા મંડળી (વૃંદાવન બ્રાન્ડ – બાયફ ) લાછાકડી, વલસાડની ફૂડ એન્ડ ઈન્સ, સુરત એ. પી. એમ. સી. તથા સુમુલ ડેરી દ્વારા પણ રસનું પેકેજીગ કરીને સ્થાનિક તથા વિદેશના બજારોમાં વેચાણ કરવામાં આવે છે.
નાયબ બાગાયત નિયામક, સુરત જણાવે છે કે, પરંપરાગત ખેંતી પાકો જેવા કે ડાંગર, શેરડી વગેરે પાકોમાં શ્રમિકોની અછત અને વધતા જતા મજુરી ખર્ચ અને ઓછા વળતરને કારણે ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક આપતા આંબાના પાકની ખેતી તરફ વળી રહ્યા છે. ખેડૂતો કેરીના બગીચાઓનું સંવર્ધન અને ઉછેરની કાળજીની સાથે નવી સિઝનમાં સેન્દ્રિય ખાતરના ઉપયોગ કરી કેરીનો સારો પાક લઇ શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં 9620 હેક્ટરમાં કેરીના વાવેતર સાથે 48966 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે. જ્યારે નવસારીમાં 33855 હેક્ટરમાં 1,46,932 મેટ્રિક ટન, વલસાડમાં 37295 હેક્ટરમાં 1,79,251 મેટ્રિક ટન, ભરૂચમાં 2935 હેક્ટરમાં 21866 મેટ્રિક ટન, તાપીમાં 6718 હેક્ટરમાં 43919 મેટ્રિક ટન, નર્મદામાં 3602 હેક્ટરમાં 26655 મેટ્રિક ટન તેમજ ડાંગ જિલ્લામાં 5415 હેક્ટરમાં 37472 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે. એમ કહી શકાય કે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદનમાં મોખરે છે, બીજા ક્રમે નવસારી જિલ્લો જ્યારે સૌથી ઓછી કેરી પકવતો જિલ્લો ભરૂચ છે.
કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિશેષત: રાજ્યની કેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે વિશ્વવિખ્યાત છે. ૨૦૦૧માં નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર પરીયા દ્વારા સંશોધિત અને સંવર્ધિત ‘સોનપરી’ કેરીની વિદેશમાં માંગ વધી રહી છે. હાફુસ અને બનેસાન કેરીનું ક્રોસ બ્રિડીંગ કરીને ‘સોનપરી કેરી’ની નવી જાતનું સંશોધન થયું છે.
સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચાલુ વર્ષ 2023-24 માં બાગાયત વિભાગની ‘ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ’માં વિવિધ પ્રકારની સહાય મેળવવા અરજી કરી શકે છે. આ યોજના હેઠળ આંબા/કેરી, જામફળ અને કેળના પાક માટે સહાય મેળવી શકાશે. આંબાની નવી વાડી ઉભી કરવા માટે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 400 કલમના વાવેતર માટે પ્રતિ કલમ રૂ. 100 મુજબ હેક્ટરે રૂ. 40 હજાર ની નિર્ધારિત સહાય મળે તેવી જોગવાઈ ચાલુ વર્ષે સરકારશ્રીએ બાગાયત વિભાગ મારફતે કરી છે. આ ઉપરાંત નવા વાવેતર કરેલ આંબા પાકની વચ્ચે આંતર પાક તરીકે અન્ય શાકભાજીની ખેતી માટે વધારે રૂ. 10 હજાર પ્રતિ હેક્ટરની સહાય નિર્ધારિત કરી છે.
આમ સમગ્ર ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર વધે અને ખેડૂતો સારી આવક મેળવે તે માટે રાજ્ય સરકાર અને તેનું બાગાયત ખાતું હરહંમેશ ખેડૂતોના હિતમાં આગળ વધી રહ્યું છે તેવું નાયબ બાગાયત નિયામક દિનેશ પડલીયાએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.