સુરત: (Surat) ક્લાઈમેટ ચેન્જને (Climate Change) સતત આખું વર્ષ વાદળ છાયું વાતાવરણ અને કમોસમી વરસાદનો (Rain) માર પડતા દક્ષિણ ગુજરાતના (South Gujarat) સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનો (Mango) 60 થી 70 ટકા પાક બગડી જતાં સુરત એપીએમસીમાં (APMC) આવેલી સિઝનની પ્રથમ કેરીના 20 કિલો એટલે કે, મણના ભાવ બમણા થઈ ગયા છે. મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો ભાવ ગયા વર્ષે 20 કિલોના 1100 રૂપિયા હતા એ ચાલુ વર્ષે 2200 રૂપિયા બોલાયો છે. જે રિટેલમાં 10 થી 20 ટકા મોંઘી માર્કેટ યાર્ડ બહાર વેચાઈ રહી છે.
સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખ(રાજા બાબુ) કહે છે કે, દક્ષિણ ગુજરાતમાં કેરીની વાડીઓ અંકલેશ્વરથી સુરત, નવસારી, અમલસાડ, વલસાડ, વાપી, ઉમરગામ સુધી આવેલી છે. ચાલુ વર્ષે ખરાબ હવામાન અને માવઠાને લીધે કેરીના માલની 60 થી 70 ટકા ઘટ છે. અત્યારથી સિઝનની પહેલી કેરી રત્નાગીરીની હાફૂસ, રામપુરી, કેસરના ભાવો ગયા વર્ષ કરતાં ડબલ થઈ ગયા છે. હાફૂસ, કેસર, લંગડો સામાન્ય લોકોની ખરીદ શક્તિ બહાર જશે. આ કેરી અમીરોની કેરી બની રહેશે .જ્યારે ગરીબ વર્ગ માટે બદામ અને તોતા કેરી જ હાથમાં આવે એવી શક્યતા છે.
ગયા વર્ષે બદામ કેરીનો ભાવ રિટેલમાં 60 રૂપિયે કિલો હતો. આ વર્ષે રિટેલમાં તેનો ભાવ 120 રૂપિયા ચાલી રહ્યો છે. કચુંબર અને અથાણાંમાં ઉપયોગમાં આવતી તોતાપુરી કેરીનો ગયા વર્ષે હોલસેલનો ભાવ 20 કિલોનો 300 થી 400 હતો. જો કે, આ વર્ષે તેનો ભાવ સ્થિર રહ્યો છે. સુરત એપીએમસીમાં આજે 20 કિલો રામપુરી કેરીનો ભાવ 800 થી 1000 રૂપિયા, કેસર કેરીનો ભાવ 1800 થી 2200 રૂપિયા અને તોતા કેરીનો ભાવ 300 થી 400 રૂપિયા બોલાયો હતો. માર્કેટ યાર્ડની બહાર નીકળ્યા પછી રિટેલર એની કિંમત 10 થી 20 ટકા વધારી વેચતા હોય છે.
દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક 60 થી 70 ટકા ઓછો ઉતરવાના કારણો
- ચોમાસાની સિઝન પુરી થયા પછી સતત માવઠાંનો માહોલ રહ્યો.
- ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ધૂમ્મસને લીધે ફ્લાવરિંગ કાળા પડી ખરી પડ્યા.
- સતત બદલાતા હવામાનની આંબાઓ પાર ખૂબ ખરાબ અસર પડી.
- તાઉતે ને લીધે પણ દક્ષિણ ગુજરાતની અને સૌરાષ્ટ્રની વાડીઓને નુકસાન
વલસાડી હાફુસનો ભાવ 20 કિલોનો 2500 થી 3000 રહેશે: બાબુ શેખ
સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખ કહે છે કે, વલસાડી હાફૂસ, રત્નગીરીની હાફૂસ અને ગીર-તાલાલાની કેસર કેરીની ભારે ડિમાન્ડ રહેતી હોય છે. રત્નાગીરી હાફુસની એક નંબરની ક્વોલિટી આ વર્ષે સુરતીઓને ખાવા નહીં મળે. પાક ઓછો ઉતરવા સાથે એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં ત્રીજી ક્વોલિટીની રત્નાગીરી હાફુસનો 4 ડઝન એટલે 48 કેરીનો ભાવ 3500 થી 4000 રૂપિયા હોલસેલમાં બોલાયો છે. જ્યારે વલસાડી હાફુસનો ભાવ ગયા વર્ષે 1500 થી 2000 રૂપિયા હતો.જે ચાલુ વર્ષે 20 કિલોનો 2500 થી 3000 રેહશે.જોકે ક્વોલિટી સારી નહીં રહે. જો ગરમીનો પરો 40 ડિગ્રી જશે તો બચેલી વલસાડી હાફૂસના ફળ પડી જવાની ભીતિ ઊભી થઈ છે. હવામાન ખાતાએ માવઠાની આગાહી પણ કરી છે.ગયા વર્ષે હૈદ્રાબાદ અને રાયચોટીની બદામના ભાવ 60 રૂપિયા હતાં એ હવે 120 ચાલી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કેરીના પાકમાં કરોડોનું નુકશાન થયું : જયેશ દેલાડ
ઓલપાડ ચોર્યાસી તાલુકા.ખ.વે.સંઘના પ્રમુખ જયેશ એન.પટેલ(દેલાડ)એ મુખ્યમંત્રીને પત્ર લખી 5 જિલ્લામાં તાત્કાલિક નુક્શાનીનો સર્વે કરાવવા માંગ કરી છે. દક્ષિણ ગુજરાતમાં 60 હજાર હેક્ટર જમીનમાં મહત્તમ કેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા વધુ કેરીનો પાક મળે તે માટે સમયે સમયે માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ કરવામાં આવ્યો છે. પરંતુ આખુ વર્ષ વાદળ છાયુ વાતાવરણ અને થોડા થોડા સમયે કમોસમી વરસાદ પડવાથી મોડુ ફલાવરીંગ તેમજ મોરીયા ન બેસતા આ વર્ષે કેરીનો પાક માંડ 35 ટકા જેટલો જ થયો છે અને એ પણ નબળો પાક મળવાનો છે. બાગાયતી કેરીના પાક પર નિર્ભર ખેડૂત પરિવારોને 500 કરોડનું નુકશાન થયું છે.
કેરીની ઘટને લીધે ભાવો બમણા થયાં
ગયા વર્ષે 20 kG રામપુરીનો ભાવ 400થી 600 હતો તે ચાલુ સિઝનમાં 800થી 1000ની કિંમતે મળી રહી છે, તે જ પ્રમાણે કેસર ગયા વર્ષે 1000 થી 1500માં મળતી હતી તે ચાલુ વર્ષે 1800 થી 2200, તોતાપુરી 300 થી 400માં હતી તે 300 થી 400, વલસાડી હાફૂસ 1500 થી 2000 નો ભાવ હતો તે આ વર્ષે 2500 થી 3000માં વેચાય છે, જ્યારે બદામ 50 થી 60 ની હતી તે 120 થી 140માં મળી રહી છે.