અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં ઓર્ગેનિક આંબાની ખેતી (Farming) કરતા ખેડૂતો કમોસમી વરસાદ (Rain) સહિતનાં પરિબળોને કારણે કેરીના પાક પર તેની અસરને લઈ નિરાશામાં મુકાયા છે. હાલમાં કમોસમી વરસાદ, ધુમ્મસ અને ઝાકળને પગલે આંબાનો મહોર બળી ગયો હતો સાથે આંબા પર મંજરી આવી હતી તે બળીને ખરી પડી હતી. જેથી આ વખતે કેરીનો પાક ઓછો આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
- આંબા ઉપર નવાં પાંદડાં ફૂટતાં મંજરી આવશે નહીં
- ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન
- કેસર, લંગડો, હાફુસ જાતની કેરીનો બીજા તબક્કાનો ફાલ મોડો આવશે
અંકલેશ્વર તાલુકાના દીવા, દીવી, જીતાલી તેમજ અન્ય ગામોમાં ખેડૂતો ઓર્ગેનિક આંબાની ખેતી કરતા આવ્યા છે. ખેડૂતો કેસર, લંગડો સહિતના આંબાની વિવિધ કલમ પોતાની વાડીઓમાં ઉગાડી મોટાપાયે કેરી પકવે છે. આ વર્ષે સિઝનની શરૂઆતમાં સારી રીતે કેરીનો પાક થવાની આશા સેવાતી હતી, પરંતુ હાલમાં કમોસમી વરસાદ, ધુમ્મસ અને ઝાકળને પગલે આંબાનો મહોર બળી ગયો હતો સાથે આંબા પર મંજરી આવી હતી તે બળીને ખરી પડી હતી. તો આંબા ઉપર નવાં પાંદડાં ફૂટતાં કે તેને ખેડૂતોની ભાષામાં કહીએ તો ફૂટ આવવાથી મંજરી આવશે નહીં. જેને કારણે આ વર્ષે ખેડૂતોને નુકસાન થવા સાથે કેરીનો પાક ઓછો ઊતરશે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફળોના રાજા કેરીનો ભાવ પણ ડબલ રહેશે ત્યારે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચે તેવી વકી છે.
આ વર્ષે થોડા દિવસ પહેલા આવેલા વરસાદી ઝાપટાને કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેમજ ઠંડીનું પ્રમાણ વધ-ઘટ થતાં આંબાઓ પર વિષમ પ્રકારની સિઝનની સીધી અસર વર્તાઈ હતી. આ અગાઉ માવઠાને કારણે આંબા પર કેરીના મોર ખરી પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણપણે બળી જતાં કેરીનું ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી સ્થિતિ દેખાઇ રહી છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના પ્રારંભમાં સામાન્ય રીતે આગોતરી કેરીનો ફાલ આવવાનો શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે આગોતરો ફાલ નિષ્ફળ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં કેસર, લંગડો, હાફુસ જાતની કેરીનો બીજા તબક્કાનો ફાલ મોડો આવે તેવી શક્યતા વર્તાતાં હવે બાગાયતકારો માટે સ્થિતિ પડકારરૂપ ગણાવાઇ રહી છે.
અંકલેશ્વરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું
અંકલેશ્વર: અંકલેશ્વરમાં સોમવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. તો બીજી તરફ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વરમાં વહેલી સવારના સમયે શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો તેમ તેમ ધુમ્મસની અસર ઓછી થવા લાગી હતી. ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા-જતા વાહનચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતાં વાહનો ન દેખાતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.