મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબ સેન્ટરમાં વેપારીઓ ખેડૂતો પર કેરીની લે-વેચમાં ૨૦ કિલો દીઠ એક કિલો કેરી કમિશન પેટે લેતાં ખેડૂતોમાં ભારોભાર આક્રોશ ભભૂકી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ કેરીના પાકનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ત્યારે ખેડૂતો સારા ભાવની આશા સાથે એપીએમસી માર્કેટનો આશરો લે છે. મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબ સેન્ટરમાં ખેડૂતોને ઉત્પાદિત કેરીના પાકોના પોષણક્ષમ ભાવોની વાતો તો દૂર પણ વેપારીઓ દ્વારા ખેડૂતો પર પણ કમિશન ઉઘરાવતું હોવાની જાણવા મળ્યું છે. વેપારીઓ દ્વારા ખેડૂતોના દર વીસ કિલો કેરી દીઠ એક કિલો કેરી કમિશન પેટે ખંખેરી લેતા હોવાનું જાણવા મળ્યું છે.
એપીએમસી સબ સેન્ટર અનાવલ ખાતે વેપારીઓ પર અધિકારીઓ કે એપીએમસીના પદાધિકારીઓનું કોઈ નિયંત્રણ જ નહીં હોવાનો ગણગણાટ કરી ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અનાવલ પંથકમાં આ કેરી વેચાણ માટે નજીકનો આ એકમાત્ર વિકલ્પ હોય ત્યારે ખેડૂતોની મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, અનાવલ એપીએમસી સબ સેન્ટર ખાતે કેરી વેચાણ કરતા ખેડૂતોની કેરીની હરાજી કરવાનું એપીએમસીના હોદ્દેદારો દ્વારા કોઈ આયોજન નહીં કરવામાં આવ્યું હોય ત્યારે ખેડૂતોને કેરીના મહત્તમ ભાવો નહીં મળતાં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તો કેરીના વેચાણના બદલામાં ખેડૂતોને બિલના નામે પૂરતી વિગત વિનાના કાગળની ચબરખી પકડાવી ક્રૂર મજાક કરવામાં આવી રહ્યો છે.
આ એપીએમસી સબ સેન્ટરમાં વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવતી હોવાની ફરિયાદ અવારનવાર ઊઠી છે. છતાં તંત્રના અધિકારીઓ દ્વારા સમસ્યાનો હલ કરવામાં નહીં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એકબાજુ સરકાર ખેડૂતલક્ષી જાહેરાતો કરી ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાનું આયોજન કરે છે ત્યારે આ ખેડૂતોના પાયાના આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ જરૂરી છે.
ખેડૂતો પાસે કયા કાયદા પ્રમાણે વેપારીઓ કમિશન લે છે એ જ સમજાતું નથી
અનાવલ એપીએમસી સબ સેન્ટર ખાતે દર વીસ કિલો કેરી દીઠ એક કિલો કેરીનું કમિશન એટલે કે કેસર, આફૂસ જેવી કેરીમાં તો મણ દીઠ એક કિલો કેરીમાં પણ ખેડૂતોનું ૩૦થી ૬૦ રૂપિયા કમિશન સીધુ વેપારીઓના ખિસ્સામાં જ જતું રહેતું હોવાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો પર કયા કાયદા પ્રમાણે વેપારીઓ કમિશન લે એ જ સમજાતું નથી. -ધવલ પટેલ-ખેડૂત-તરકાણી
અંદરખાને વધારાનું કમિશન લેતા હશે
એપીએમસી અનાવલ એપીએમસી સેન્ટરમાં વીસ કિલો કેરી પર વધારાનું કોઈ કમિશન લેવામાં આવતું નથી. અને તે માટે અમે વેપારીઓને સૂચના પણ આપી છે અને એ બાબતે અમે ધ્યાન પણ રાખીએ છીએ. છતાં કદાચ કોઈ વેપારી અંદરખાને વધારાનું કમિશન લેતા હોઈ શકે. જે ધ્યાનમાં આવ્યું નથી.
ઇ.સેક્રેટરી અમિતભાઇ વ્યાસ-એપીએમસી સબ સેન્ટર-અનાવલ